રાજકારણમાં પાપા- પગલી કરતા કરતા એક રાજકારણી છેક દિલ્હી સુધી પહોંચી ગયા. જો કે તેની હેસિયત ગામના સરપંચ બનવાની પણ ન હોય છતાં આ ઊંચા રાજકારણી આસમાનની ઊંચાઈએ પહોંચી ગયા. જેનું કારણ પ્રજામાં સમજણ શક્તિઓ અભાવ હતો. નાત- જાતના સમીકરણોમાં પ્રજાએ ખોટા રાજકારણીને હવા આપી દીધી અને આ રાજકારણી ગોડફાધર બની ગયા. હવે આ ગોડફાધર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની ઘોર ખોદી રહ્યા છે.
આ ગોડ ફાધરે પડધરી તાલુકામાંથી પોતાની કારકિર્દી શરૂ કરી બાદમાં જીસ થાલીમેં ખાયા ઉસિમે છેદની નીતિ અપનાવી ત્યાંની પ્રજાની પત્તર ઠોકી નાખી છે. ગોડફાધર સફેદ ઝભ્ભો પહેરે છે. પણ તેના કામ કાળા છે. તેની રહેમરાહે ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાનૂની પ્રવૃતિઓ ધમધમે છે. પડધરી તાલુકાની હાલની સ્થિતિ જોઈએ તો અહીં બેફામ દબાણો જામી ગયા છે. દારૂની બદીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આ તમામ પ્રવૃતિઓ ગોડફાધરની છત્રછાયામાં જ થઈ રહી છે.
ગોડફાધર દિલ્હી સુધી હોદ્દો મેળવી ચુક્યા હોય ઉપરાંત હાલ પણ મોટો હોદ્દો ધરાવતા હોય તેઓ આ હોદાનો દૂર ઉપયોગ કરી રહ્યા છે. તેઓએ પોતાની વગનો ઉપયોગ પડધરી તાલુકાના વિકાસ માટે કરવો જોઈએ તેને બદલે તેઓ ખોટા કામોને પ્રોત્સાહન આપવા માટે પોતાની વગનો ઉપયોગ કરી રહ્યા છે. હવે તો ઉપરી કક્ષાએથી જ આ ગોડફાધરને હોદા પરથી હટાવવામાં આવે તો જ ગ્રામ્ય વિસ્તારમાં શાંતિ સ્થપાય.
રાજકોટ જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર આમ તો ખુબ સમૃધ્ધ છે પણ આ ગોડફાધરે તેના વિકાસને આડે રોડા નાખી પોતાનો તથા પોતાના પાગ્યાનો જ વિકાસ કર્યો છે. આ ગોડફાધર હાલ પણ મોટો હોદ્દો ધરાવી રહ્યાં હોય માટે અધિકારીઓ ઉપર તેઓનું સતત દબાણ રહેતું હોય છે.
જો કે અમુક અધિકારીઓ પોતે પણ ગોડફાધર જેવી જ નીતિ ધરાવતા હોય, માલ ખાઈને મલાઈ તેના સુધી સમ્યાંતરે પહોંચાડી દેતા હોય છે. જો કે અમુક કડક અને ઈમાન્દાર અધિકારીઓનું ગોડફાધરની વગ પાસે કંઈ ઉપજતું ન હોય તેઓને પોતાની કડકાઈ સાઈડમાં મુકી દેવાની ફરજ પડે છે. હાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જેટલી ગેરકાનૂની પ્રવૃતિ ધમધમે છે તેમાં ક્યાંકને ક્યાંક આ ગોડફાધરની સીધી કે આડકતરી સંડોવણી હોય જ છે.
આ ગોડફાધરને ગોડફાધર બનાવવા પાછળ પ્રજાનો પણ મોટો ભાગ રહ્યો છે. પ્રજાએ પણ નાસમજણ બનીને આ ગોડફાધરની રાજકીય કારકિર્દીની શરૂઆત વખતથી જ તેને સાથ આપ્યો છે. હજુ પણ ખબર છે કે આ ગોડફાધર બેફામ બની બેઠો છે અને વિકાસ આડા રોડા નાખી રહ્યો છે છતાં તેને તથા તેના પક્ષને મત આપી વિજયી બનાવવામાં આવી રહ્યાં છે. હવે આ ગોડફાધર એ કક્ષાએ પહોંચી ગયો છે કે, રાજ્ય સરકારે પણ તેને હટાવવા માટે 10 વખત વિચાર કરવો પડે. હાલ આ ગોડફાધરની કરતૂતો ઉપર રોક લાગે તે ખુબ જરૂરી બન્યું હોય તંત્રએ સરકાર સાથે મળી સંકલન સાધીને તેની પ્રવૃતિઓ બંધ કરાવવાની તાતી જરૂરીયાત ઉભી થઈ છે.
ગોડફાધર પડધરીને પોતાના બાપની જાગીર સમજે છે!!
ગોડફાધર પડધરીને પોતાના બાપની જાગીર સમજી રહ્યા છે. તેઓએ અહીંથી પોતાની કારર્કીદી શરૂ કર્યા બાદ અહીંની પ્રજાને જ પીઠ પાછળ છરો ભોકી રહ્યા છે. અહીં ચાલતી તમામ ગેરકાનૂની પ્રવૃત્તિઓ ઉપર તેમની રહેમ રાહ છે. સ્થાનિક અધિકારીઓને આ ગોડફાધર કામ કરવામાં ખૂબ નડતરરૂપ થાય છે. આ ગોડફાધરના ભલામણના ફોન સતત સ્થાનિક અધિકારીઓને આવ્યા રાખે છે. અધિકારીઓ પણ પોતાની બદલી ન થઈ જાય તે માટે ગોડ ફાધરનું કહ્યું કરવા મજબુર રહે છે.
પડધરી વિસ્તારને શા માટે અન્યાય?
રાજકોટ- જામનગર હાઇવે ઉપર આવેલું પડધરી તેના ભૌગોલિક સ્થાનને કારણે મહત્વનું સેન્ટર છે. 60થી વધુ ગામડાઓની ખરીદી પડધરીમાંથી રહે છે. હવે પ્રશ્ન એ થાય કે કેમ પડધરી વિસ્તાર હજુ સુધી વિકાસ નથી પામ્યો? તેનો જવાબ એ છે કે પડધરી વિસ્તારને નબળી નેતાગીરી મળી છે. જેના કારણે પડધરીનું કઈ ઉપજ્યું જ નથી. નેતાઓ વગ પૂરેપૂરી ધરાવે છે. રાજ્ય સરકારમાં તેનો ડંકો વાગે છે. પણ તેઓ પોતાની વગનો ઉપયોગ નહિ ગેરઉપયોગ કરે છે. તેઓ પોતાના અંગત તથા પોતાના પાગિયાઓના કામ માટે પોતાની વગ વાપરે છે. જેના કારણે પડધરી તાલુકો હજુ પછાત જ રહ્યો છે. નર્મદાનું પાણી છેક કચ્છ સુધી પહોંચી ગયું છે.તેની પાઇપલાઇન પડધરીની નજીકથી પસાર થાય છે.પણ પડધરીને નર્મદાનું પાણી નથી મળતું તે પડધરીના પછાતપણાનું તેમજ નબળી નેતાગીરીનું જીવતું જાગતું ઉદાહરણ છે.
પડધરી તાલુકા ભાજપ પ્રમુખનું ઓચિંતું રાજીનામુ સ્વેચ્છાએ નહિ પણ દબાણથી પડ્યું??
રાજીનામાનો નિર્ણય સંકલન બેઠકમાં લેવાયો, મેં નથી લીધો: મોહન કુંડારીયા
સાંસદ મોહનભાઇ કુંડારિયાને ‘અબતકે’ રાજીનામાં પ્રકરણ મામલે પૂછતાં તેઓએ કહ્યું કે મોહન કુંડારિયા થોડા કોઈને હોદા પરથી દૂર કરવાના નિર્ણય લઈ શકે. તેઓએ વધુમાં કહ્યું કે રાજીનામાંનો નિર્ણય મેં નથી લીધો અને મેં હઠીસિંહ જાડેજાને રાજીનામુ આપવાનું કહ્યું પણ નથી. આ નિર્ણય ગત તા. 5ના રોજ સંકલન સમિતિની બેઠક મળી તેમાં લેવાયો હતો. હઠીસિંહ તો પક્ષને વફાદાર છે તો આ નિર્ણય શુ કામ લેવાયો તેવું પૂછતાં તેઓએ જણાવ્યું કે હઠીસિંહને જિલ્લા ભાજપમાં સ્થાન આપવાનું છે. માટે તેઓને તાલુકા ભાજપ પ્રમુખ પદેથી રાજીનામુ આપવાનું કહેવામાં આવ્યું હતું. અંતમાં મોહન કુંડારિયાએ કહ્યું કે હવે ટૂંક સમયમાં સંકલન સમિતિ નવા પ્રમુખનું નામ જાહેર કરશે.
સંકલન બેઠકમાં કોઇ નિર્ણય નથી લેવાયો, મોહનભાઇએ કહ્યું એટલે મેં રાજીનામું આપ્યુ: હઠીસિંહ જાડેજા
હઠીસિંહ જાડેજા વર્ષોથી ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષને વફાદાર હોય છતાં તેઓએ અચાનક તાલુકા પ્રમુખના હોદા ઉપરથી રાજીનામુ આપી દેતા ભાજપમાં સોપો પડી ગયો છે. તેઓએ અગાઉ રાજીનામુ મોહનભાઇના કહેવાથી આપ્યું હોવાનું નિવેદન આપ્યું હતું. જેની પૃચ્છા કરવા મોહનભાઇને અબતકે પૂછ્યું તો તેઓએ સંકલન સમિતિએ નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં અબતકે હઠીસિંહને પૂછ્યું તો તેઓએ કહ્યું કે સંકલન બેઠક તો છેક તા.5એ યોજાઇ હતી. તેમાં રાજીનામાં અંગેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મને તો મોહનભાઇ કુંડારિયાએ કહ્યું કે રાજીનામુ આપી દયો એટલે મેં સ્વેચ્છાએ રાજીનામુ આપી દીધું છે.
આ તો ભાજપનો આંતરિક પ્રશ્ન, મારે કંઇ લેવા દેવા નહીં: હાથ ખંખેરતા કગથરા
પડધરી- ટંકારા વિધાનસભા ક્ષેત્રના કહેવાતા સક્રિય ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ રાજીનામાં પ્રકરણ મુદ્દે કહ્યું હતું કે આતો ભાજપનો આંતરિક પ્રશ્ન છે. મારે તેમાં કઈ લેવા દેવા નથી. જો કે ચર્ચાતી વિગત મુજબ ભાજપના આ રાજીનામાં પ્રકરણને કોંગ્રેસ ખૂબ મોજથી માણી રહ્યું છે. અબતક દ્વારા ધારાસભ્યને પૂછવામાં આવ્યું હતું કે સ્થાનિકો કહી રહ્યા કે તમે કોરોનાકાળમાં પડધરી પંથકને ભૂલી ગયા હતા. ત્યારે ધારાસભ્યએ કરેલા કામોનો હિસાબો કરતા કહ્યું હતું કે તેઓએ 120 ઑક્સિજનના બાટલાનું વિતરણ કર્યું હતું. હોસ્પિટલની વિઝીટ કરી હતી. 2000 ટેસ્ટિંગ કિટનું વિતરણ કર્યું હતું.
નવો વળાંક: મોહનભાઇએ કહ્યું અમે તો હઠુભાને જીલ્લા ભાજપમાં સમાવવાના છીએ!!
રાજીનામાં પ્રકરણ ગઈકાલે પ્રકાશમાં આવ્યું હતું. હઠીસિંહ જાડેજાએ નિવેદન આપી દીધું હતું કે સાંસદ મોહનભાઇ કુંડારિયાના કહેવાથી તેઓએ રાજીનામુ આપી દીધું છે. આ પ્રકરણના બીજા દિવસે નવો વળાંક આવ્યો છે. સાંસદ મોહનભાઇ કુંડારિયાએ કહ્યું કે હઠીસિંહ જાડેજાને જિલ્લા ભાજપના હોદો આપવાનો હોય જેથી સંકલનની બેઠકમાં તેઓને તાલુકા ભાજપ પ્રમુખના હોદા ઉપરથી રાજીનામુ આપી દેવાનું કહેવામાં આવ્યું હતું.