રાજ્યસભાની ચૂંટણીમાં વર્તમાન સ્થિતિએ ભાજપના ત્રણેય ઉમેદવારોનો નિશ્ર્ચિત મનાતો વિજય: કોઇ ચમત્કાર જ કોંગ્રેસના બંને ઉમેદવારોને વિજયી બનાવી શકે તેમ હોય પાર્ટીમાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ
આગામી ૧૯મીએ યોજાનારી ગુજરાતની રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી રાખવા ઉપરાંત ચૂંટણીમાં એકડો-બગડો ઘૂંટવાનું માર્ગદર્શન આપવા તૈયારી આદરી દીધી છે. કોંગ્રેસના આઠ ધારાસભ્યોના રાજીનામા બાદ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની વર્તમાન સ્થિતિ જોતા ભાજપના ત્રણે ઉમેદવારો જીતી જાય તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. જયારે, કોંગ્રેસના બે ‘સિંહ’ ઉમેદવારોમાંથી એક જ ઉમેદવાર જીત શકે તેમ હોય પાર્ટીમાં આંતરિક અવિશ્ર્વાસની લડાઈ ઉભી થવા પામી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ભલે શકિતસિંહને પ્રથમ ક્રમના ઉમેદવાર જાહેર કર્યા પરંતુ, આંતરિક સુત્રોના જણાવ્યા મુજબ અમુક કોંગ્રેસી ધારાસભ્યોએ ભરતસિંહને જીતાડવાનો વ્યૂહ બનાવ્યો છે જેથી, કોંગ્રેસમાં હુકમનો ‘એકકો’ કોણ સાબિત થશે શકિતસિંહ કે ભરતસિંહ? તે માત્ર પરિણામ જ કહી શકશે.
રાજયસભાની ગુજરાતની ખાલી પડેલી ચાર બેઠકો માટે ગત માર્ચ માસમાં ચૂંટણી યોજાનારી હતી. તે સમયે વિધાનસભામાં ધારાસભ્યોનું સંખ્યાબળ જોતા ભાજપ અને કોંગ્રેસ બંનેના બે બે ઉમેદવારો જીતી શકે તેમ હતા. પરંતુ ભાજપે તેના ત્રીજા ઉમેદવાર ઉભા રાખીને નવા જૂની ના સંકેતો આપ્યા હતા. દરવખતે બને છે તેમ ચૂંટણી પહેલા જ પાંચ ધારાસભ્યોએ આંતરિક જૂથબંધીથી કંટાળીને રાજીનામા આપી દીધા હતા. જેથી, કોંગ્રેસે પોતાના વધુ ધારાસભ્યો તૂટે તે પહેલા તમામ ધારાસભ્યોને રાજસ્થાન મોકલી આપ્યા હતા. પરંતુ, દેશભરમાં ફેલાયેલા કોરોનાના કહેર અને તેના પગલે આવી પડેલા લોકડાઉનથી રાજયસભાની આ ચૂંટણી મોકૂફ રખાય હતી. જે બાદ તાજેતરમાં કેન્દ્રીય ચૂંટણી પંચે આ મોકૂફ રખાયેલી ચૂંટણી આગામી ૧૯મીએ યોજવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય બાદ કોંગ્રેસના વધુ ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા પાર્ટી હાઈકમાન્ડ ફરીથી બચાવની સ્થિતિમાં આવી જઈને રિસોર્ટ પોલીટીકસ શ કરીને તમામ ધારાસભ્યોને રીસોર્ટમાં મોકલી આપ્યા હતા.
રાજયસભાની ચૂંટણી પહેલા આઠ ધારાસભગ્યોના રાજીનામાથી હાલની સ્થિતિમાં કોંગ્રેસના બે ઉમેદવારો શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીમાંથી એક જ ઉમેદવાર જીતી શકે તેમ છે. જેથી કોંગ્રેસ પક્ષ હવે, ભાજપના ધારાસભ્યોને મત આપવામા ભૂલ કે ક્રોસવોર્ટીંગના ચમત્કારની આશા પર બંને ઉમેદવારોના વિજય જોઈ રહ્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડે શકિતસિંહ ગોહિલને આ ચૂંટણીમાં પ્રથમ ક્રમના ઉમેદવાર જયારે ભરતસિંહ સોલંકીને બીજા ક્રમના ઉમેદવાર જાહેર કર્યા છે. પાર્ટી દ્વારા પોતાના તમામ ધારાસભ્યોને આ અંગે વ્હીપ પણ આપવામાં આવનારો હોવાનું જાણવા મળે છે. પરંતુ, આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કોગ્રેસના ધારાસભ્યોના એક જૂથે ભરતસિંહ સોલંકીને કોઈપણ ભોગે જીતાડવાનો વ્યૂહ બનાવ્યો છે. આ જૂથે છેલ્લી ઘડીએ પાર્ટી હાઈકમાન્ડ પર આ અંગે દબાણ લાવવા સુધી તૈયારી કરી લીધી છે.
તેમ છતા કોંગ્રેસ હાઈકમાન્ડ પોતાનું વલણ અડગ રાખે તો પાર્ટીના વ્હીપની અવગણના કરીને પણ ભરતસિંહ સોલંકીને જીતાડવા આ જૂથે તૈયારી કરી લીધી છે. જેથી આ ચૂંટણી પહેલા અને બાદ કોંગ્રેસમાં ભારે ભૂકંપ આવે તેવી સ્થિતિ સર્જાય તેવી સંભાવના રાજકીય પંડીતો વ્યકત કરી ચૂકયા છે. જયારે શકિતસિંહને કેન્દ્રીય હાઈકમાન્ડના આર્શીવાદ હોય તેમને જીતાડવા અહેમદ પટેલ સહિતના વરિષ્ટ આગેવાનોએ કોંગ્રેસી ધારાસભ્યો પર ભારે દબાણ ઉભુ કર્યું છે. આથી બંને તરફના દબાણની સ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્યો કેવું વલણ અપનાવે છે તેના પર આ ચૂંટણીનું પરિણામ નિશ્ર્ચિત થશે જેથી જ રાજકીય વર્તુળોમાં કોંગ્રેસમાં હુકમનો ‘એકકો’ કોણ પૂરવાર થશે શકિતસિંહ કે ભરતસિંહ ? તે ચર્ચાનો પ્રશ્ર્ન બન્યો છે.
કાંધલના ટેકાથી ભાજપના ‘નરહરી’ વિજયશ્રી આસાનીથી વરશે!
રાજયસભાની ચાર બેઠકો માટે ચૂંટણી પહેલા કોંગ્રેસના આઠ ધારાસભ્યો રાજીનામા આપી ચૂકયા છે. જેથી ગુજરાત વિધાનસભામાં હાલ ૧૮૨ ધારાસભ્યોના સ્થાને ૧૭૨ ધારાસભ્યો રહેવા પામ્યા છે. જેમાં ભાજપના ૧૦૩ ધારાસભ્યો કોંગ્રેસના ૬૫ ધારાસભ્યો, બીટીપીના બે ધારાસભ્યો જયારે એનસીપીના એક અને એક અપક્ષ ધારાસભ્ય છે. જેમાંથી એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પહેલેથી તેઓ ભાજપને મત આપશે તેમ સ્પષ્ટ કરી દીધું હતુ તાજેતરમાં કોંગ્રેસના દબાણ હેઠળ એનસીપીએ કાંધલને કોંગ્રેસના ઉમેદવારને વ્હીપ આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ રાજકીય નિષ્ણાંતોનાં મત મુજબ કાંધલ જાડેજા અગાઉની જેમ ભાજપના ઉમેદવારને મત આપશે. જેથી ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરી અમીન આસાનીથી વિજયશ્રીને વરશે તેમ ભાજપના આધારભૂત સૂત્રો દાવો કરી રહ્યા છે. જોકે, ભાજપના ત્રણ ધારાસભ્યો નિકોલના જગદીશ પંચાલ, નરોડાના બલરામ થાવાણી અને વેજલપૂરના કિશોર ચૌહાણ કોરોનાગ્રસ્ત હોય તેઓ કેવી રીતે મતદાન કરશે. તેની વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે. ભૂતકાળમાં કેબીનેટ મંત્રી આર.સી. ફળદુએ એકડો ઘૂંટવામાં ભૂલ કરતા તેમનો મત રદ થયો હતો. આમ ભાજપના કોઈ ધારાસભ્યની મત આપવામાં ભૂલકે ક્રોસ વોટીંગ જ કોંગ્રેસના બંને ઉમેદવારોને જીતાડવા માટે ચમત્કાર સર્જી શકે છે.
કોંગ્રેસને ‘ચાંપલુસી’નું રાજકારણ ફરીથી ભારે પડે તેવી સંભાવના
કોંગ્રેસમાં દાયકાઓથી ભારે આંતરિક જૂથબંધી પ્રવર્તે છે. જેને લઈને સારા કરતા મારા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવે છે. જેથી ટીકીટ વાંચ્છુકોએ ટીકીટ માટે હાઈકમાન્ડમાં બેઠેલા નેતાઓની ‘ચાંપલુસી’ કરવી પડે છે. આ ‘ચાંપલુસી’ના રાજકારણના કારણે જ ગુજરાત સહિત દેશભરમાં કોંગ્રેસ પાર્ટીની હાલત સતત કથળતી જાય છે. જે રાજયોમાં ભાજપના વિકલ્પે કોંગ્રેસનું શાસન આવે છે. ત્યાં પણ ચાંપલુસીના રાજકારણના કારણે ઉભા થતા આંતરિક વિરોધની સતા ગુમાવવી પડે છે.
મધ્યપ્રદેશ તેનું તાજુ ઉદાહરણ છે. રાજયસભાની આ ચૂંટણીમાં કેન્દ્રીય હાઈકમાન્ડે ગુજરાતના કોંગ્રેસી ધારાસભ્યોના મત જાણ્યા વગર શકિતસિંહ ગોહિલ અને રાજીવ શુકલાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. પરંતુ ભરતસિંહ સમર્થક ધારાસભ્યોનાં ભારે વિરોધ અને રાજીનામાની ચીમકી બાદ રાજીવ શુકલાના સ્થાને ભરતસિંહ સોલંકીનો ટીકીટ આપવી પડી હતી. વર્તમાન સ્થિતિમાં કોંગ્રેસના બે માથી એક જ ઉમેદવાર જીતી શકે તેમ હોય બંને ‘સિંહો’ વચ્ચે જીતવા માટે ઈનફાઈટ શરૂ થઈ ગઈ છે. આ આંતરિક લડાઈ ચૂંટણીની છેલ્લી ઘડી સુધી ચાલનારી હોય આ ચૂંટણી કોંગ્રેસની આગામી સમયની દશા અને દિશા નકકી કરનારી સાબિત થશે તેમ રાજકીય પંડીતોનું માનવું છે.
ભાજપના ત્રીજા ઉમેદવારના વિજયમાં ‘બગડો’ મહત્ત્વપૂર્ણ પૂરવાર થશે
ગુજરાત વિધાનસભામાં હાલ ૧૭૨ ધારાસભ્યો છે ભાજપ પાસે એનસીપી સહિત ૧૦૪ ધારાસભ્યો છે જયારે કોંગ્રેસ પાસે ૬૫ અને એક અપક્ષ એમ ૬૬ ધારાસભ્યો છે રાજયસભાની ચૂંટણીમાં જે રીતે મત ગણાય છે તે મુજબ ધારાસભ્યોના કુલ સંખ્યાબળને ૧૦૦ વડે ગૂણતા મતોનું મૂલ્ય ૧૭,૨૦૦ થાય છે. જેતે ફોર્મ્યુલા મુજબ ચાર બેઠકો વત્તા એક એમ પાંચ વડે ભાગતા દરેક ઉમેદવારનો જીતનો કવોટા ૩,૪૪૦ વત્તા એક એમ ૩,૪૪૧ થાય છે. ભાજપ પાસે હાલ ૧૦૩ ધારાસભ્યો છે. જેથી પ્રથમ બેઠક જીત્યા બાદ એકડાના ૩,૪૧૮ મતો વધશે જેમાં એનસીપીના કાંધલ જાડેજાના ૧૦૦ મતો ઉમેટયા બાદ બગડાના મતના પ્રેફરન્સમાં નરહરિ અમીન આસાનીથી જીતી શકશે તેવો ભાજપના સુત્રોનો દાવો છે. જયારે કોંગ્રેસ પાસે અપક્ષ સહિત ૬૬૦૦ મતોનો કવોટા છે. જેમાં બીજી બેઠક જીતવા માટે ૨૮૨ એટલે કે બે કરતા વધારા ધારાસભ્યોના એકા મતની જરૂર છે. જેથી કોંગ્રેસને બીટીપીના બંને ધારાસભ્યો એકડાથી મત આપે તો પણ કોંગ્રેસને મત ખૂંટે તેમ છે. જેથી કોંગ્રેસના બંને ઉમેદવારના વિજયમાં ભાજપના ધારાસભ્યોની ભૂલ કે ક્રોસ વોટીંગ જ ચમત્કાર સર્જી શકે તેમ છે.