૧૫૦ ફુટ રીંગ રોડ પર સીસીટીવી કેમેરાની દુર્દશા: રાજકીય નેતાઓના મહાકાય હોર્ડિંગ્સ અને તોતીંગ વૃક્ષની આડશમાં તિસરી આંખ આંધળી

રાજકોટના ખૂણે-ખૂણે થતી નાનામાં નાની હરકત પર નજર રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રોજેકટ તથા સેફ એન્ડ સિકયોર ગુજરાત પ્રોજેકટ અંતર્ગત રાજકોટ આઈ-વે પ્રોજેકટના રૂપકડા નામ હેઠળ શહેરના તમામ રાજમાર્ગો પર રૂપિયા ૬૩ કરોડના ખર્ચે ૯૭૩ સીસીટીવી કેમેરા ફીટ કરાવવામાં આવનાર છે. જે પૈકી પ્રથમ તબકકે રૂ.૪૭.૫૦ કરોડના ખર્ચે ૧૦૭ રાજમાર્ગો પર ૪૮૭ સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. રાજકોટના રખોપા કરવા માટે લગાવવામાં આવેલી આ તિસરી આંખના રખોપા કરવામાં મહાપાલિકા તથા પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રોજેકટનું મુખ્યમંત્રીના હસ્તે બે માસ પૂર્વે જ લોકાર્પણ કરાયું છે છતાં હાલ શહેરના અનેક વિસ્તારોમાં સીસીટીવી કેમેરાની હાલત ભંગાર થઈ જવા પામી છે.

શહેરમાં જેટ ગતિએ વિકાસ પામી રહેલા ૧૫૦ ફુટ રીંગ રોડ પર મહાપાલિકા દ્વારા રાજકોટ આઈ-વે પ્રોજેકટ અંતર્ગત ફીટ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાની દુર્દશા થઈ ગઈ છે. અનેક સ્થળોએ આ કેમેરા માત્ર સામાન્ય વાયરના ભરોશે લટકી રહ્યા છે તો અમુક સ્થળોએ રાજકીય નેતાઓના મહાકાય હોર્ડિગ્સ બોર્ડ અને તોતીંગ વૃક્ષો પાછળ તિસરી આંખ રિતસર આંધળી થઈ જવા પામી છે. ગુના ઉકેલવા સહિતની અનેક પ્રવૃતિમાં સીસીટીવી કેમેરા મદદ‚પ થશે તેવી દંફાશો મહાપાલિકાતંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા હાંકવામાં આવી હતી. હવે બંને તંત્ર સીસીટીવી કેમેરાના રખોપા કરવામાં રિતસર ઉણુ ઉતરી રહ્યું છે. ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી નજીક સીસીટીવી કેમેરા નમી ગયો છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના બેનર પાછળ સંતાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે તો રામાપીર ચોકડી નજીક પણ આ સીસીટીવી કેમેરો ઈન્દ્રનીલ રાજયગુરુના બેનર પાછળ આવી જતા સામેની બાજુ શું હરકત થઈ રહી છે તેનું રેકોર્ડીંગ સીસીટીવી કેમેરામાં થતું નથી. બીગ બજાર ચોક, રૈયા ચોકડી, ઈન્દિરા સર્કલ, નાણાવટી ચોકમાં સીસીટીવી કેમેરા માત્ર વાયરના ભરોસે લટકે છે તો બીગ બજાર નજીક એક સીસીટીવી કેમેરો વૃક્ષની આડમાં છુપાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. વૃક્ષની ડાળીઓ કેમેરાની આડે આવી જતી હોવાના કારણે કશું જ રેકોર્ડીંગ થતું નથી. તો મવડી ચોકડી નજીક માત્ર કેમેરાનું સ્ટેન્ડ જ ઉભું કરવામાં આવ્યું છે. અહીં સીસીટીવી કેમેરો લગાવવામાં આવ્યો નથી.

મહાપાલિકા અને પોલીસ તંત્ર રાજકોટ આઈ-વે પ્રોજેકટની વાહ…વાહી… કરવામાંથી ઉચું આવતું નથી તો બીજી તરફ આ બંને તંત્ર આ પ્રોજેકટની મેઈન્ટેન્શનસની કામગીરીમાં સરેઆમ નિષ્ફળ નિવડયા છે. મેઈન્ટેન્શન્સની કામગીરી એજન્સીઓને સોંપી દેવામાં આવી છે પરંતુ એક પણ તંત્રએ આ પ્રોજેકટના લોકાર્પણ બાદ પૂરતુ ફોલોપ લીધું નથી. જેના કારણે આજે સ્થિતિ એવી સર્જાય છે કે રાજકોટના રખોપા કરવા માટે ૧૦૭ સ્થળોએ લગાવવામાં આવેલા ૪૮૭ પૈકી અનેક કેમેરાઓ અનાથ બની ગયા છે. જો આવું જ ચાલતું રહેશે તો ૬૩ કરોડનો આઈ-વે પ્રોજેકટનો મૂળ હેતુ સાર્થક થશે નહીં અને એકાદ વર્ષમાં ખુદ મહાપાલિકા અને પોલીસ તંત્રએ સીસીટીવી કેમેરા શોધવા નિકળવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.