બાલાસાહેબે દોરેલી હિન્દુત્વની રેખા ઠાકરે પરિવારે ઓળંગી એટલે શિવસેના હાથમાંથી જતી રહેવાનું જોખમ ઉભુ થયું
કોઈ પણ પક્ષ જ્યારે પરિવારવાદમાં આવી જાય અને વિચારધારામાં બદલાવ લાવી દયે એટલે તેના ઉપર જોખમ મુકાઈ જ જાય છે. આવું શિવસેના સાથે બન્યું છે. બાલાસાહેબ ઠાકરે એ જે હિન્દુત્વની વિચારધારા મૂકી હતી. તેના ઉપર જ શિવસેના મજબૂત બની હતી. પણ હવે આ વિચારધારા ક્યાંક વિસરાય જતા શિવસેનામાં આંતરિક લડાઈ શરૂ થઈ છે. હિન્દુત્વની જે રેખા દોરાઈ હતી. ઠાકરે પરિવારે તે રેખા ઓળંગી એટલે શિવસેના હાથમાંથી જતી રહેવાનું જોખમ ઉભુ થયું છે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે એકનાથ શિંદેએ શપથ ગ્રહણ કરતાની સાથે જ સત્તા સંઘર્ષ લગભગ બંધ થતો જણાતો હતો, પરંતુ હજુ મોટો પ્રશ્ન હજુ આવવાનો બાકી છે. સવાલ એ છે કે અસલી શિવસેના કોની છે? ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળનો જૂથ અને શિંદે કેમ્પ પોતપોતાના દાવા કરી રહ્યા છે. તે જ સમયે, હવે પાર્ટીના પ્રતીક પર તણાવ શરૂ થવાની સંભાવના છે. જોકે, અહીં સમગ્ર મામલો ચૂંટણી પંચના હાથમાં છે. શિંદે કેમ્પ સિમ્બોલ પર દાવો કરવાની તૈયારી કરતા જોવા મળે છે. સાથે જ ઉદ્ધવ કેમ્પ પણ લડ્યા વિના હાર નહીં માને. વાસ્તવમાં શિવસેના પર દાવો કરવા માટે પાર્ટીના તમામ પદાધિકારીઓ, રાજ્યના ધારાસભ્યો, સાંસદોનું સમર્થન જરૂરી છે. પક્ષને માન્યતા આપવા માટે માત્ર મોટી સંખ્યામાં ધારાસભ્યો હોવા પૂરતું નથી.
બંને જૂથો કમિશન સુધી પહોંચે તે જરૂરી છે. એકવાર આ મામલો ચૂંટણી પંચ સુધી પહોંચશે, ચૂંટણી પ્રતીકો ઓર્ડર 1968ના આધારે નિર્ણય લેવામાં આવશે. સામાન્ય રિતે બે તૃતિયાંશ ધારાસભ્યોનું સમર્થન પક્ષની ઓળખ માટે પૂરતું છે. જોકે, એવું નથી. માર્ક મેળવવા માટે જૂથને જંગી સમર્થન મેળવવાની જરૂર છે.
જ્યારે બે જૂથો પ્રતીક માટે દાવો કરે છે, ત્યારે કમિશન પહેલા બે જૂથોને મળી રહેલા સમર્થનની તપાસ કરે છે. પછી પક્ષના ટોચના પદાધિકારીઓ અને નિર્ણય લેનાર પેનલની ઓળખ કરે છે અને પક્ષના કેટલા સભ્યો જૂથ સાથે છે તે શોધે છે. આ પછી, આયોગ દરેક જૂથના ધારાસભ્યો અને સાંસદોની ગણતરી કરે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પંચ એક જૂથ અથવા બંને વિરુદ્ધ નિર્ણય આપી શકે છે.
પ્રક્રિયા અહીં અટકતી નથી. કમિશન પાર્ટીના ચિન્હને પણ ફ્રીઝ કરી શકે છે અને બંને પક્ષોને નવા નામ અને ચિન્હ સાથે નોંધણી કરાવવા માટે કહી શકે છે. આવી સ્થિતિમાં, જો ચૂંટણી નજીક છે, તો પંચ જૂથોને કામચલાઉ પ્રતીક પસંદ કરવાનું કહે છે.
શિંદે શિવસેનાના સીએમ નથી: ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના બાદ ઉદ્ધવ ઠાકરેએ નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે પર નિશાન સાધ્યું છે. આ સાથે તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને પણ ઘેર્યા હતા. ખુરશી છોડ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસૈનિકોમાં મૂંઝવણ છે કે શું શિંદે શિવસેનાના સીએમ છે. હું કહેવા માંગુ છું કે આ શિવસેનાના સીએમ નથી. જે શિવસેનાને પાછળ છોડીને એકવાર સીએમ બની ગયો છે તે શિવસેનાનો સીએમ ન બની શકે.
ઠાકરેએ આગળ કહ્યું, ’જે રીતે આ સરકાર બની અને શિવસૈનિકને સીએમ બનાવવામાં આવ્યા, હું આ જ કહી રહ્યો હતો. તેના પર જ મારી અને અમિત શાહ વચ્ચે સમજૂતી થઈ હતી અને અઢી વર્ષ સુધી પ્રતિનિધિત્વની વાત થઈ હતી. જો આમ થયું હોત તો મહાવિકાસ આઘાડી ગઠબંધન ન બન્યું હોત.ઉદ્ધવ ઠાકરેએ ગૃહમંત્રી પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જો અમિત શાહે પોતાનું વચન પાળ્યું હોત તો તેઓ હવે મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી હોત. ઉદ્ધવે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રને મારા હૃદયમાંથી કાઢી ન શકાય. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સત્તા આવે છે અને જાય છે. પરંતુ તેમને લોકોનો પ્રેમ મળ્યો છે જે વધુ મહત્વપૂર્ણ છે.
જ્યાં ઠાકરે ત્યાં શિવસેના: સંજય રાઉત
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ શિવસેનાથી અલગ થયેલા ધારાસભ્યોના જૂથ સાથે મળીને મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં નવી સરકારની રચના કરી છે. પણ જ્યાં ઠાકરે છે ત્યાં જ શિવસેના છે. રાઉતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર કટાક્ષ કરતા કહ્યું કે જો ભાજપ 2019માં તેના વચન પર અડગ રહેત, તો તે અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે ચાલુ રહી શકી હોત અને શિવસેના, રાષ્ટ્રવાદી
કોંગ્રેસ પાર્ટી સાથે સહયોગી બની શકી હોત. રાઉતે સવાલ કર્યો કે ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા પછી ભાજપને શું મળ્યું? તેમણે પત્રકારોને કહ્યું કે, અમે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં અમારી પાર્ટીનો વિસ્તાર કરવાનો પ્રયાસ કરીશું. શિવસેનાથી અલગ થયેલા એક જૂથે ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી છે.રાઉતને પૂછવામાં આવ્યું હતું કે શું શિંદેની આગેવાની હેઠળની નવી સરકાર શિવસેના-ભાજપની સરકાર છે. જેના જવાબમાં રાઉતે આ નિવેદન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શિવસેનાને વિભાજિત કરવાના શિંદેના પગલાથી પાર્ટી નબળી નહીં પડે. રાઉતે કહ્યું, “ઠાકરે જ્યાં છે ત્યાં શિવસેના છે.” શિંદેએ નિવેદન આપ્યું હતું કે બળવાખોર જૂથ કરતાં ભાજપ પાસે વધુ ધારાસભ્યો હોવા છતાં ફડવાણીએ તેમને મુખ્ય પ્રધાન બનાવીને મોટું હૃદય બતાવ્યું. આ નિવેદનના જવાબમાં રાઉતે કહ્યું કે નવા નિયુક્ત મુખ્યમંત્રીની મોટા હૃદયની વ્યાખ્યા કદાચ અલગ છે. નવી સરકારને અભિનંદન આપતા રાઉતે કહ્યું કે શિવસેના સાથે રાજકીય સફર શરૂ કરનાર શિંદે અને ફડણવીસે સાથે મળીને કૃષિ, બેરોજગારી સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ. “આમ કરતી વખતે, તેઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે વહીવટ અને પોલીસ તંત્ર કોઈપણ પક્ષપાત વિના કાર્ય કરે,” તેમણે કહ્યું. લીલીછમ આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ ન બનાવો: ઉદ્ધવની નવી સરકારને અપીલ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નવી રાજ્ય સરકારને મુંબઈના લીલાછમ આરે કોલોની વિસ્તારમાં મેટ્રો કાર શેડ બનાવવાની યોજના સાથે આગળ ન વધવાની અપીલ કરી હતી. સત્તામાં આવ્યા પછી તેના પ્રથમ નિર્ણયોમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારે વિવાદાસ્પદ આરે કોલોની કાર શેડ પ્રોજેક્ટ સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપ્યાના બે દિવસ પછી, ઠાકરેએ શિવસેના મુખ્યાલયમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમની સરકાર દ્વારા પ્રસ્તાવિત કાર શેડની જગ્યા આરે કોલોનીથી કાંજુરમાર્ગમાં ખસેડવામાં આવી શકે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું ખૂબ જ નિરાશ છું. જો તમે મારાથી
ગુસ્સે છો, તો તેને વ્યક્ત કરો, પરંતુ મુંબઈ ઉપર તેને ઉતારસો નહીં. હું ખૂબ જ નારાજ છું કે આરેના ચુકાદાને ઉલટાવી દેવામાં આવ્યો છે. તે ખાનગી મિલકત નથી. 2019 માં સત્તામાં આવ્યા પછી, ઠાકરેએ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનને અડીને આવેલા જંગલ વિસ્તાર આરે કોલોનીમાં કાર શેડ બનાવવાના અગાઉના દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારના નિર્ણયને રદ કરવાનો નિર્ણય કર્યો. પર્યાવરણ કાર્યકરોએ આરેમાં કાર શેડ માટે વૃક્ષો કાપવાનો સખત વિરોધ કર્યો હતો. ઠાકરેની આગેવાની હેઠળની સરકારે પણ આરેને સંરક્ષિત વન વિસ્તાર જાહેર કર્યો હતો.
પરિવારવાદને કારણે કોંગ્રેસઅને શિવસેનાની હાલત આવી થઈ: વિજયભાઈ રૂપાણી
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ગત ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાની સરકાર બને એવુ પ્રજાએ મેન્ડેટ આપ્યું હતું. પણ ઉદ્ધવ ઠાકરેએ સતાની લાલચે અલગ ગઠબંધન બનાવ્યું હતું. તેમની સરકારમાં કામ નહોતા થતા. હિન્દુત્વ ઢીલું પડ્યું હતું. બાલાસાહેબ ઠાકરેના સિદ્ધાંતો વિરુદ્ધ કામ થતું હતું. એટલા માટે તેમના પક્ષના એકનાથ શિંદેએ અલગ મોરચો ખોલવાની હિંમત કરી. ભાજપે હિન્દુત્વ બચાવવા અને વિકાસ કરવા શિંદેને જ મુખ્યમંત્રી બનાવ્યા. વધુમાં વિજયભાઈએ જણાવ્યું કે ભાજપ પરિવારવાદ સામે લડત આપી રહ્યું છે. પરિવારવાદને કારણે જ કોંગ્રેસ અને બાદમાં શિવસેનાની હાલત ખરાબ થઈ છે.