રાજ્ય સરકાર દ્રારા ત્રણ સભ્યોની નિયુક્તિ:હોદ્દેદારોની નિમણુંક માટે બેઠકની તારીખ જાહેર કરતા મેયર-નિર્વાચન અધિકારી ડૉ.પ્રદિપ ડવ
કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૨ સભ્યોની બિનહરીફ વરણી થાય બાદ રાજ્ય સરકાર દ્રારા ત્રણ સભ્યોની નિયુક્તિ કરવામાં આવતા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક કરવા મેયર ડો.પ્રદીપ ડવ દ્રારા સોમવારે બેઠક બોલવામાં આવી છે.
મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ- રાજકોટમાં કુલ ૧૫ સદસ્યોની જગ્યા છે. જેમાંથી ૧૨ સદસ્યોની જગ્યા માટે ચુંટણી કરવાની હોય છે. અને ૩ સદસ્યોની જગ્યા સરકાર દ્વારા નિયુક્તિ કરવાની હોય છે.જેના અનુસંધાને ૧૨ સદસ્યોની નિયુક્તિ માટે મેયર અને નિર્વાચન અધિકારી ડૉ.પ્રદિપ ડવે ગત ૨૬મી માર્ચના રોજ ચુંટણી નોટીસ પ્રસિદ્ધ કરાય હતી. ચુંટણી નોટિસના અનુસંધાને તા.૧૨ એપ્રિલના રોજ નિયુક્તિ પત્ર સ્વિકારવાનો સમય હતો. જે દરમ્યાન કુલ ૧૨ નિયુક્તિ પત્રો રજુ થઇ હતી.
ત્યારબાદ તા.૨૦મી એપ્રિલના રોજ રજુ થયેલા નિયુક્તિ પત્રોની બારીક ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી બાદ તમામ ફોર્મ માન્ય રહેતા ૧૨ સદસ્યોને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.ત્યારબાદ સરકારશ દ્વારા ૩ સભ્યોની નિયુક્તિ કરવાની થતી પ્રકિયા સરકાર દ્વારા થઇ જતા ચુંટાયેલા ૧૨ સદસ્યો તેમજ સરકાર દ્વારા નિયુક્ત થયેલ ૩ સભ્યોના નામ સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થયા હતાં. જે ગઈકાલે મહાપાલિકાને મળ્યા હતાં.
સરકાર દ્વારા સરકારી સદસ્યની જગ્યા પર બી.કે. મોદી ફાર્મસી કોલેજના પ્રોફેસર ડૉ.અશ્વિન દુધરેજીયા તેમજ બિન સરકારી સદસ્ય તરીકે ફારૂકભાઈ બાવાણી તથા શરદભાઈ તલસાણીયાની નિયુક્તિ કરવામાં આવી છે.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ૧૫ સદસ્યોની વરણી થઇ ગયેલ હોય, જેના અનુસંધાને મેયર અને નિર્વાચન અધિકારી ડૉ.પ્રદિપ ડવે મુંબઈ પ્રાથમિક કેળવણી બાબતના નિયમ-૧૯૪૯ની કલમ-૧૦ અન્વયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચુંટણી માટે તા.૩૧ મી મેને સોમવારના રોજ સવારે ૧૧ કલાકે સ્થાયી સમિતિ મીટીંગ ખંડમાં ખાસ બેઠક રાખવામાં આવેલ છે.જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક કરવામાં આવશે.