દાઉદના ચહેરા પાછળ કોણ ?
ભાઈસાબ મારે અમેરિકા નથી જવું…જગત જમાદારના ડરથી દાઉદના ફોલ્ડરની ફેં ફાટી
ડ્રગ ટ્રાફિકિંગ, બ્લેકમેઇલ અને મની લોન્ડરિંગના આરોપ હેઠળ અમેરિકા જાબિર મોતીનું પ્રત્યાર્પણ ઈચ્છે છે
’ડી’ કંપનીના કાળા કારનામાંથી કોણ અજાણ છે. દાઉદ ઈબ્રાહીમની આ ગેંગ ડ્રગ ટ્રાફિકિંગ, હપ્તા વસૂલી, બ્લેકમેઈલિંગ, હ્યુમન ટ્રાફિકિંગ, મની લોન્ડરિંગ થી લઈને આતંકવાદી કૃત્યોમાં શામેલ છે. 1993ની સાલમાં મુંબઈમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ માટે જવાબદાર દાઉદ ઇબ્રાહિમનો મેઈન ફોલ્ડર ગણાતો જાબિર મોતી 2018ની સાલથી લંડનની વોન્ડ્સવર્થ જેલમાં સડી રહ્યો છે. જાબિર ઉપર અમેરિકામાં પણ ડ્રગ ટ્રાફિકિંગ, મની લોન્ડરિંગ અને બ્લેકમેલીંગ જેવા ગુનાઓને અંજામ આપવાના આરોપો છે. જેને લઈને અમેરિકાએ ઇંગ્લેન્ડ સમક્ષ જાબિરના પ્રત્યાપર્ણની માગણી મૂકી છે. પરંતુ આમ થતાંજ જાબિરની ફેં ફાટી રહી છે, એને ડર લાગે છે કે જો અમેરિકાને પ્રત્યાપર્ણ કરાશે તો એના ઉપર આતંકવાદનો આરોપ પણ લગાવવામાં આવશે અને જો એમ થશે તો આખી જિંદગી જેલમાં સબડવું પડશે. એટલા માટે જાબીરે લંડનની હાઈ કોર્ટમાં અપીલ કરીને અમેરિકા પ્રત્યાર્પણ થતું અટકાવવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીએ 2003ની સાલમાં દાઉદને વૈશ્વિકસ્તરના આતકવાદીનો વિશેષ દરજ્જો આપીને દાઉદની અમેરિકામાં રહેલી તમામ મિલ્કતો જપ્ત કરી હતી અને દાઉદના અમેરિકાના કોઈ પણ નાગરિક સાથેના કોઈ પણ પ્રકારના વ્યવહાર ઉપર પ્રતિબંધ મુક્યો હતો.
જાબિર મોતી કોણ છે?
જાબિર મોટી મૂળ પાકિસ્તાનના કરાંચી શહેરનો વાતની છે. જાબિર પાસે 10 વર્ષનો બ્રિટનનો વિઝા છે અને હંગેરીનો પરમેનન્ટ રહેવાસી છે. સાથે સાથે જાબિર એન્ટીગુઆ અને ડોમિનિકન રિપબ્લિકનું પણ નાગરિકત્વ ધરાવે છે. જાબિરને દાઉદ ઇબ્રાહિમના યુરોપિયન-અમેરિકન ઓપરેશનનો લેફ્ટનન્ટ માનવામાં આવે છે. જાબિરના પિતાએ 1951ની સાલમાં કરાંચી સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરી હતી. સારા પરિવારમાંથી આવતો હોવા છતાં જાબિર ઊંધા રવાડે કેમ ચડી ગયો એ એક સવાલ છે. 2009ની સાલમાં અમેરિકી લો એન્ફોર્સમેન્ટ સંસ્થા એફબીઆઈએ જાબિર વિરુદ્ધ આરોપ ઘડ્યો હતો કે જાબિર દાઉદ ઇબ્રાહિમ વાટી અમેરિકામાં મોટા પાયે મની લોન્ડરિંગ કરે છે. 2016ની સાલમાં ઇન્ડિયન ઇન્ટલિજન્સે એક ફોન કોલ ઇન્ટરસેપ્ત કર્યો હતો. જેમાં જાબિર મોટી અને ખાલિક અહેમદ (દાઉદનો ફોલ્ડર) વચ્ચે થતી વાત રેકોર્ડ કરાઈ હતી. વાત-ચિત્ત મુજબ ખાલિકે દાઉદના 40 કરોડ રૂપિયાની કટકી કરી હતી અને જાબિર એ રૂપિયાની ઉઘરાણી કરતો હતો.
જાબિર મોતી સામે અમેરિકાએ શું આરોપ લગાવ્યા છે?
જાબિર સામે અમેરિકાએ ગંભીર આરોપો લગાવ્યા છે. જેમાં 2010થી 2014ની સાલની વચ્ચેના સમયગાળામાં જાબીરે ડ્રગ ટ્રાફિકિંગ, હપ્તા વસૂલી અને 1.4 મિલિયન અમેરિકન ડોલરનું મની લોન્ડરિંગ કરવા જેવી ગુનાઇત પ્રવૃત્તિ સામેલ છે. આ આરોપો સિદ્ધ થાય તો જાબિરને અમેરિકાની જેલમાં 25 વર્ષ માટે જેલના સળિયા ગણાવા પડે એમ છે.
અમેરિકા પ્રત્યાપર્ણથી જાબિર કેમ ડરે છે?
જાબિરના વકીલે કોર્ટમાં દલીલ કરી છે કે જાબિર ઉપર દાઉદના સહયોગી હોવાનો આરોપ છે. દાઉદ અમેરિકાએ જાહેર કરેલો વૈશ્વિક આતંકવાદી છે. જાબિરને ડર છે કે દાઉદના કનેક્શનને પાયામાં રાખીને અમેરિકા જાબિર ઉપર પણ આતંકવાદનો આરોપ લગાવે અને જો કોર્ટમાં આ આરોપમાં સજા પડે તો અમેરિકન કાનૂન મુજબ જાબિરને એક પણ પેરોલ વિના આજીવન કેદની સજા કાપવી પડે એમ છે.
જાબિર આપઘાત કરે એવી ભીતિ
જાબિરના વકીલે લંડનની હાઇકોર્ટમાં જે અપીલ કરી છે એ મુજબ જાબિરની માનસિક હાલત ખુબજ ખરાબ છે. ક્લિનિકલ ડિપ્રેશનનો શિકાર છે. જાબિરના વકીલે થોડા સમય પહેલાજ અમેરિકાની જેલમાં આપઘાત કરી ચૂકેલા જેફ્રી એપ્સ્ટિનનો દાખલો આપીને દલીલ કરી હતી કે જેફ્રીની જેમ બની શકે કે જાબિર પણ અમેરિકાની જેલમાં આત્મહત્યા કરે એવી સ્થિતિ ઉભી થઇ શકે એમ છે.