થોડા સમય પહેલા જ દેશની સર્વોચ્ચ અદાલતે દાયકાઓથી પેન્ડિંગ એવા અયોધ્યા કેસ પર આખરી ચુકાદો આપ્યો. 17મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નિવૃત થવા જઈ રહ્યા હતાં. કાર્યકાળના છેલ્લાં 10 દિવસોની પણ તેઓ અન્ય પાંચ કેસની ફાઇલ્સના કાર્યભારમાં વ્યસ્ત રહ્યા. લોકશાહી માટે સર્વોચ્ચ અદાલત એટલા માટે મહત્વની છે, કારણકે પોતાની રાહ પરથી ભટકી ગયેલી સરકારને પણ તે સીધીદોર કરી શકવાની ક્ષમતા ધરાવે છે. કેન્દ્રમાં બેઠેલી સરકાર સુપ્રીમ કોર્ટ પર કોઈ દબાણ નથી લાદી શકતી.
જેના કારણે દેશનું ન્યાયિક સંતુલન જળવાઈ રહે છે. પરંતુ ભૂતકાળમાં એવા ઘણાં કિસ્સાઓ જોવા મળ્યા છે, જેમાં સુપ્રીમ કોર્ટને પણ બાનમાં લેવાની કોશિશ કરવામાં આવી હોય. ક્યારેય પ્રશ્ન થયો છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનવા માટે શું લાયકાતો જોઈએ? કોઈપણ મલ્ટિનેશનલ કંપનીના ઉચ્ચ હોદ્દા પર બેસવું હોય તો જિંદગીભર મહેનતરૂપી લોઢાના ચણા ચાવવા પડે છે, જ્યારે આ તો દેશના સર્વોચ્ચ ન્યાયતંત્રના રાજસિંહાસન પર બિરાજવાની વાત! પરંતુ આશ્ચર્ય એ છે કે, જે હોદ્દા વિશે ભારતના બંધારણમાં વિસ્તારપૂર્વકની માહિતી હોવી જોઈતી હતી, એ નથી!
સૌપ્રથમ તો એ જાણી લો કે, દેશના સર્વોચ્ચ ન્યાયતંત્રના મામલામાં સરકારને માથું મારવાની પરવાનગી નથી. પાછલા દિવસોના ઘટનાક્રમ પર નજર હશે, તો આ બાબતને સમજવામાં સરળતા રહેશે. 2018ની સાલમાં 46મા ચીફ જસ્ટિસ બનેલા રંજન ગોગોઇ ગત 17મી નવેમ્બરે નિવૃત થયા. નવા નિર્ણાયક નીમવા માટે રાષ્ટ્રપતિ અને પૂર્વ ચીફ જસ્ટિસની ભૂમિકા સૌથી અગત્યની છે. રિટાયર થઈ રહેલા ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટના અન્ય ચાર વરિષ્ઠ જસ્ટિસમાંથી સૌથી સીનિયર ગણાતાં જજની નિમણૂંક સર્વોચ્ચ અદાલતના વડા તરીકે કરે છે.
અચ્છા, એક મિનિટ. વરિષ્ઠ હોવાની વ્યાખ્યા અહીં થોડીક જુદી પડે છે. ઉંમરના આધારે સીનિયર ગણાતાં જસ્ટિસનું અહીં કોઈ કામ નથી. એક ઉદાહરણ આપીને મારી વાત સમજાવું. સર્વોચ્ચ અદાલતના વડા તરીકે કામગીરી બજાવી શકવાની વયમર્યાદા 65 વર્ષની છે. હવે ધારો કે, નિવૃત થઈ રહેલા 65 વર્ષીય ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટના ચાર અન્ય જસ્ટિસમાંથી એક વ્યક્તિનું નામ પસંદ કરવા જઈ રહ્યા છે.
જેમાંના ત્રીજા નંબરના જજે બીજા નંબરના જજ કરતા સુપ્રીમ કોર્ટમાં એક વર્ષ વધુ કામ કર્યુ છે, તો તેમની પસંદગી ચીફ જસ્ટિસ તરીકે થવાની સંભાવના સૌથી વધુ છે.‘સંભાવના’ શબ્દ એટલે ઉપયોગમાં લીધો છે, કારણકે ચીફ જસ્ટિસના હોદ્દા સુધી પહોંચવામા કેટલાક અંતરાયો નડી શકે એમ છે. ભારતના લોકશાહી તંત્રમાં જેટલી છટકબારીઓ જોવા મળે છે, એવી લગભગ અન્ય કોઈ મોટા રાષ્ટ્રોના તંત્રમાં નથી જોવા મળતી!
આપણા દેશના બંધારણમાં ઝીણામાં ઝીણી બાબતોને ધ્યાનમાં રાખીને કલમો લખવામાં આવી છે, પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતને આ મામલે કેમ પાછળ રાખી દેવામાં આવી છે એ બહુ મોટો પ્રશ્ન છે. કલમ 124 (1) એવું કહે છે કે, ભારતમાં ચીફ જસ્ટિસ ધરાવતી સુપ્રીમ કોર્ટનું અસ્તિત્વ હોવું જરૂરી છે. પરંતુ ચીફ જસ્ટિસની નિમણૂંક માટેની પ્રક્રિયા અને લાયકાત અંગે એમાં કોઈ ઉલ્લેખ નથી. જે કંઈ થોડી ઘણી વિગતો બંધારણમાં જોવા મળે છે, એ આર્ટિકલ 126ની દેન છે! જેમાં ચીફ જસ્ટિસના હોદ્દા પર કોઈ વ્યક્તિને બેસાડવા માટેની પ્રક્રિયાનો ઉલ્લેખ છે.
સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ જજ બનવા માટે રિટાયર થઈ રહેલા ચીફ જસ્ટિસની દેશના રાષ્ટ્રપતિને સિફારિશ કરવામાં આવે તે જરૂરી છે. તેઓ એક પત્ર લખીને રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ માટેનું નામ સૂચન કરે છે, જે માટેની લાયકાતો કંઈક આ મુજબની છે :
(1) સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ગણાતાં અન્ય ચાર જજમાંથી કોઈ એકની પસંદગી થશે, જેની વયમર્યાદા 65 વર્ષથી ઓછી હોવી જોઈએ. તેઓ ભારતીય હોવા જોઈએ.
(2) સુપ્રીમ કોર્ટમાં તેમણે ગાળેલા સમયને આધારે સીનિયોરિટી લેવલ નક્કી કરવામાં આવે છે. ઉંમર કે વયને અહીં કોઈ લેવાદેવા નથી. ચાર ન્યાયાધિશમાંથી એકની ઉંમર 64 અને બીજાની 61 હોય, પરંતુ એમણે સુપ્રીમ કોર્ટમાં આપેલી સેવા અનુક્રમે ચાર અને પાંચ વર્ષની હશે, તો 61 વર્ષીય જજની નિમણૂંક ચીફ જસ્ટિસ તરીકે થાય એ શક્ય છે.
(3) ચીફ જસ્ટિસ બનવા માટે ન્યાયાધીશે કોઈ એક અથવા એનાથી વધુ રાજ્યોની હાઇકોર્ટમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી જજની કામગીરી બજાવી હોવી જોઈએ. (અથવા હાઇકોર્ટ/સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ તરીકેનો 10 વર્ષનો બહોળો અનુભવ હોવો જરૂરી છે.)
(4) હવે ધારો કે, ચીફ જસ્ટિસ માટેની રેસમાં દોડી રહેલા બે સીનિયર ન્યાયાધીશોએ એક જ દિવસે સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નીમાયા હોય ત્યારે શું? કોને સીનિયર ગણવા? આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ઑગસ્ટ 2017માં! પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ ચેલામેશ્વરની 10 ઑક્ટોબર, 2011ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આથી જ્યારે એમની વચ્ચે સીનિયોરિટી લેવલ નક્કી કરવાનો વખત આવ્યો, ત્યારે એ પ્રક્રિયા થોડી લાંબી બની ગઈ હતી.
આ સમસ્યાનું નિવારણ લાવવા માટે સૌપ્રથમ એ જોવામાં આવે છે કે, કયા જજ દ્વારા શપથવિધિ વહેલી પૂરી કરવામાં આવી? દીપક મિશ્રા-ચેલામેશ્વર (2017) અને રૂમા પાલ-વાય.કે.સભરવાલ (2000) વખતે આ પ્રક્રિયાનું અનુસરણ કરીને ચીફ જસ્ટિસની પસંદગી કરવામાં આવી હતી. બંનેમાંથી કયા ન્યાયાધીશે હાઇકોર્ટમાં વધારે વર્ષો સુધી સેવા આપી છે, એ ફેક્ટર પણ અહીં મહત્વનું છે.સુપ્રીમ કોર્ટના વડાની પસંદગી માટેના રેફરન્સ પત્રમાં ન્યાયાલયના પહેલા ક્રમના સીનિયર જજનું ‘સ્વસ્થ’ હોવું જરૂરી છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અહીં નિર્ણાયક પરિબળ છે. માની લો કે, પહેલા ક્રમના જજ આ તબક્કામાંથી પાર નથી ઉતરી શકતાં, તો એ વખતે અન્ય ત્રણ સીનિયર જજમાંથી એકની પસંદગી ચીફ જસ્ટિસના પદ માટે કરવામાં આવે છે. આટલી પ્રક્રિયા બાદ રિટાયર થઈ રહેલા ચીફ જસ્ટિસના ભલામણ પત્રને દેશના વડાપ્રધાન સુધી પહોંચાડવામાં આવે છે, જેઓ બાદમાં રાષ્ટ્રપતિને સર્વોચ્ચ અદાલતના વડાની શપથવિધિ માટેની પ્રક્રિયા આગળ ધપાવવા માટે સલાહ આપે છે.
1950ની સાલમાં સ્થપાયેલી સુપ્રીમ કોર્ટના 47મા ચીફ જસ્ટિસ બોબડેના શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ ઉપરાંત જમૈકા અને ભુતાનની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો પણ હાજર રહ્યા. વાજતે-ગાજતે સમગ્ર કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રશ્ન એ છે કે 2021ના એપ્રિલ મહિના સુધી સુપ્રીમ કોર્ટના સર્વેસર્વા બનેલા બોબડેના ભાગે કેટલા મહત્વના નિર્ણયોની સુનાવણીઓ આવી શકે એમ છે?સુપ્રીમ કોર્ટ માટે અઘરામાં અઘરા કેસની ગણનામાં ધર્મ વિરૂધ્ધ બંધારણનો સમાવેશ થાય છે! અયોધ્યા કેસમાં એમને જે પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, એ ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય એ માટે ચીફ જસ્ટિસ બોબડે કશાક નક્કર નિર્ણયો લે એવી સંભાવના છે.
તદુપરાંત, શબરીમાલા મંદિરમાં સ્ત્રીઓના પ્રવેશ અંગેના વિવાદને પણ કેમ ભૂલી શકાય? ઇસ્લામ, પારસી ધર્મના ધાર્મિક સ્થળોએ પ્રાર્થના કરવા માટેની પરવાનગી તથા ઇસ્લામમાં લગ્ન માટેની સાચી ઉંમર, યુનિફોર્મ કોડ ઓફ ક્ધડક્ટ જેવા પુષ્કળ કેસો પર કાર્યવાહી શરૂ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સિટિઝનશીપ બિલ, મની-બિલ અને અધ્યક્ષની સત્તા પર પણ આજકાલ જેટલા સવાલો ઉઠી રહ્યા છે, એ સુપ્રીમ કોર્ટ માટે લાલબત્તી સમાન છે. ચૂંટણી સમયે થનારા કથિત પોલિટિકલ ડોનેશન મુદ્દે પણ દેશમાં ગરમા ગરમીનો માહોલ છે. ચીફ જસ્ટિસ બોબડે પોતાના કાર્યકાળ દરમિયાન કેટલા ખરા ઉતરી શકશે એ તો સમય જ જણાવશે, પરંતુ હાલ પૂરતું એમના પોતાના ભૂતકાળ અને કેટલાક કેસો પરના એમના ચુકાદાઓ પર નજર ફેરવીને એમની ન્યાયપ્રિયતાનો પરિચય મેળવી શકાય એમ છે.
2000ની સાલમાં બોમ્બે હાઇ-કોર્ટમાં અધિક ન્યાયાધીશ તરીકે શરદ અરવિંદ બોબડેએ પોતાની કરિયરનો પહેલો મુકામ હાંસિલ કર્યો હતો, એમ કહી શકાય. ઑક્ટોબર, 2012માં મધ્યપ્રદેશ હાઇ-કોર્ટના 39મા ચીફ જસ્ટિસ અલ્તામાસ કબિર દ્વારા એમની 40 મા ચીફ જસ્ટિસ તરીકે પસંદગી કરવામાં આવી. એના બીજા જ વર્ષે એટલે કે એપ્રિલ 2013માં કબિરે એમને સુપ્રીમ કોર્ટના પગથિયાં ચડવામાં મદદ કરી.
બાબરી મસ્જિદ અને અયોધ્યા રામમંદિર વિવાદ કેસ ઉપરાંત, દેશના નાગરિકો આધારકાર્ડના અભાવે સરકારની મૂળભૂત સેવાઓ અને સબસિડીનો લાભમાંથી વંચિત ન રહી જાય એ માટે તેમણે બહુ જ મક્કમપણે પોતાનો ફેંસલો સંભળાવ્યો હતો.
‘સંભાવના’ શબ્દ એટલે ઉપયોગમાં લીધો છે, કારણકે ચીફ જસ્ટિસના હોદ્દા સુધી પહોંચવામા કેટલાક અંતરાયો નડી શકે એમ છે: ભારતના લોકશાહી તંત્રમાં જેટલી છટકબારીઓ જોવા મળે છે, એવી લગભગ અન્ય કોઈ મોટા રાષ્ટ્રોના તંત્રમાં નથી જોવા મળતી!
એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે ઇન્દિરા ગાંધીએ સર્વોચ્ચ અદાલત પર ધાક જમાવવાની કોશિશ કરી હતી. 25 એપ્રિલ 1973નાં રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એમ.સિકરી નિવૃત થવાના હતાં. એ વખતે સીનિયોરિટી ક્રમમાં જસ્ટિસ જે.એમ.સેલત, કે.એસ.હેગડે અને એ.એન.ગ્રોવર બાદ ચોથા નંબર પર હોવા છતાં જસ્ટિસ રે ની નિમણૂંક સર્વોચ્ચ અદાલતના વડા તરીકે કરી દેવામાં આવી હતી. કેશવાનંદ ભારતી કેસમાં સરકાર તરફી નિર્ણયો આવે એ માટેના ભરપૂર કરવામાં આવ્યા, પરંતુ નાની પાલખીવાલા જેવા નામી વકીલે કોર્ટમાં રજૂ કરેલી દલીલોને કારણે સરકારની મેલી મુરાદ પર પાણી ફરી વળ્યું હતું.
અયોધ્યા કેસનો નિવેડો આવી ગયા બાદ કોઈકે શરદ બોબડેને કેસના સ્ટ્રેસ અને ટેન્શન અંગે પૃચ્છા કરી. તેમનો જવાબ દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને છાજે એવો હતો. તેમણે કહ્યું કે, ‘મારી બેઠક પરથી ઉભો થતી વેળાએ જ હું કેસને લગતી તમામ બાબતો મારા મગજમાંથી ખંખેરીને તાણમુક્ત થઈ જાઉં છું. દરેક કેસના ભારણને મગજ પર લઈને ફરીએ તો ભાવિ ચુકાદાઓ પર તેની અસર પડવાની સંભાવના રહે છે.’