લાંબા સમયથી લોક ડાઉનમાં ફસાયેલાઓની ધીરજની કસોટી અને તંત્રના યોગ્ય સંકલનના અભાવના કારણે ટોળું વિફર્યુ
શાપરમાં બેકાબુ ટોળાએ પોલીસ અને પત્રકારને નિશાન બનાવ્યા: ૨૯ની ધરપકડ
જંગલેશ્વમાં મધરાતે એકાએક ઉશ્કેરાયેલા ટોળાએ આડસના પતરા હટાવી હંગામો મચાવી પોલીસ પર કર્યો હુમલો: ૬૮ની અટકાયત
કોરોના વાયરસના કારણે લાંબા સમયથી ચાલતા લોક ડાઉનમાં અકળાયેલા પરપ્રાંતિય શ્રમજીવીઓ પોતાના વતન ભણી દોટ મુકી છે. ત્યારે અનેક સ્થળે પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી છે. તંત્ર દ્વારા શ્રમજીવીઓને તેમના વતન પહોચતા કરવા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી છે પણ તેના સંકલનમાં રહેલી ખામીના કારણે શાપરમાં પરપ્રાંતિય શ્રમજીવીઓ વિફર્યા બાદ પોલીસ અને પત્રકાર પર હીંસક હુમલો કર્યાનું સામે આવ્યું છે. જ્યારે શનિવારની રાતે જંગલેશ્ર્વરમાં લાંબા સમયથી કેદ જેવી સ્થિતીમાં રહેલા સ્થાનિક રહીશો એકાએક પતરાની આડસ દુર કરી હંગામો મચાવતા પોલીસે બેકાબુ ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડવા પડયા હતા. બંને ઘટના પાછળ જવાબદાર કોણ તે અંગેની ચર્ચાએ ચકચાર જગાડી છે. અને એક બીજા પર દોષનો ટોપલો ઢોળી જંગલેશ્ર્વરના સ્થાનિક રહીશો અને પરપ્રાંતિયોઓને અપરાધી બનાવી દીધા છે.
રાજકોટના જંગલેશ્વ વિસ્તારના નદીમ નામના યુવકને સૌ પ્રથમ કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યા બાદ જંગલેશ્ર્વર વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના ૬૧ દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોનાના ચેપને આગળ વધતો અટકાવવા માટે પોલીસ દ્વારા ગત તા.૧૮ એપ્રિલે કફર્યુ જાહેર કયો હતો અને તેમજ કોર્પોરેશન દ્વારા જંગલેશ્ર્વરને ક્ધટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યુ છે. કોર્પોરેશન દ્વારા ક્ધટેઇનમેન્ટ ઝોનમાંથી મૂક્તિ આપવાની જાહેરાત કરી જંગલેશ્ર્વરને લાગુ સોસાયટીના પતરા હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આ જોઇ જંગલેશ્ર્વરમાં પણ ક્ધટેઇનમેન્ટ જાહેર કરવામાં આવ્યું હોવાનું સમજી કેટલાક શખ્સોએ પોતાની જાતે જ પતરાની આડસ દુર કરવાનું શરૂ કરતા પોલીસ દ્વારા અટકાવતા ઘર્ષણ થયું હતું.
પોલીસે બળપ્રયોગ કરતા ટોળુ વિફર્યુ હતુ અને પોલીસ પર પથ્થરમારો કરી વળતો હુમલો કરતા તંગદીલી સાથે પરિસ્થિતી બેકાબુ બનતા પોલીસે ટીયર ગેસ છોડયા હતા. ટોળાએ પોલીસ અને ખાનગી વાહનમોં તોડફોડ કરી મોટુ નુકસાન કર્યુ હતુ. બેકાબુ બનેલા ટોળા પૈકી પોલીસે ૬૮ જેટલા શખ્સોની ધરપકડ કરી છે.
જ્યારે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીય વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેલા શ્રમજીવીઓને તેમના વતન જવા માટે તંત્ર દ્વારા ટ્રેનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તમામ પરપ્રાંતિયોને ફિલ્ડ માર્શલ કારખાના પાસે એકઠાં થયા બાદ બસમાં તમામને રેલવે સ્ટેશન પહોચતા કરવાના હતા તે દરમિયાન પરપ્રાંતિય શ્રમજીવીઓના મોબાઇલમાં ટ્રેન રદ થયા અંગેનો મેસેજ આવતા વિફર્યા હતા અને શાપર હાઇ-વે પર ચક્કાજામ કરતા પોલીસે ટોળાને વિખેરવા કરેલા પ્રયાસ દરમિયાન પોલીસ પર અને પત્રકાર પર હુમલો કરતા નાસભાગ મચી ગઇ હતી. પરપ્રાંતિય શખ્સોએ કરેલા પથ્થરમારામાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, શાપરના વિશ્ર્વજીતસિંહ ચુડાસમા, અશ્ર્વિનભાઇ મકવાણા, મયુરસિંહ જાડેજા અને પત્રકાર હાર્દિક જોષીને ઇજા થઇ હતી. પોલીસે ૨૯ પરપ્રાંતિય શખ્સોની ધરપકડ કરી છે.