પશુઓને પાંજરાપોળમાં ઋગ્ણાલયની જેમ સેવા આપવાના ચાર્જિસ નક્કી કરવામાં આવતા નથી: હાઇકોર્ટમાં રીટ
પોલીસ કેસ બાદ પાંજરાપોળમાં લાવવામાં આવતા પશુઓની જાળવણી માટેના ખર્ચના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરવામાં આવી છે. પશુઓને અનેક પાંજરાપોળમાં ઋગ્ણાલય (દવાખાના)ની જેમ સારવાર આપવામાં આવે છે અને તેના માટેની જાળવણીનો ખર્ચ માલિક અથવા તો જે તે આરોપીએ ચુકવવો જોઇએ. પરંતુ આ માટેના ચાર્જિસ આજદિન સુધી ફિક્સ કરવામાં આવ્યા નથી. બીજી તરફ પાંજરાપોળમાં પશુને લાવ્યા બાદ તેની પાછળ થતો પ્રતિદિનનો ખર્ચ સરકાર ઉપાડે છે, જે એક રીતે પ્રજાના નાણાંનો જ વપરાશ છે. તેથી પ્રજાના નાણાંનો અહીં દુર્વ્યય ના થાય અને આરોપી અથવા પશુના માલિક જોડે ખર્ચ પેટે ચોક્કસ ચાર્જ લેવાનું નક્કી કરવાની માગ કરવામાં આવી છે. આ કેસમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન અને અહિંસા મહાસંઘ વતી એડવોકેટ એન.એમ. કાપડિયાએ જાહેરહિતની અરજી કરીને એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે,પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ-૧૯૬૦ની જોગવાઇઓ મુજબ પોલીસ કેસ બાદ પાંજરાપોળમાં રાખવામાં આવતા પશુઓની જાળવણીનો ખર્ચ આરોપી અથવા તો પશુના માલિકે ચૂકવવો પડે. આ અંગે જાળવણી ખર્ચ નક્કી કરવો પડે પરંતુ તે હજુ સુધી નક્કી જ થયો નથી. આ કાયદા અન્વયે ચાલતા પશુ ઋગ્ણાલયો એક પ્રકારની સામાજિક સેવાઓ પુરી પાડે છે. આ સેવાઓ માટે જો ચાર્જિસ ચુકવવામાં ના આવે તો આવા ઋગ્ણાલયો ચલાવી શકાય નહીં. કેમ કે કેટલાક પાંજરાપોળને ઋગ્ણાલય તરીકે જાહેર કર્યા છે, પરંતુ તેનો ૧૦૦ ટકાનો ખર્ચ સરકાર ના ઉઠાવી શકે અને તેથી આવા ઋગ્ણાલયો આર્થિક રીતે અસક્ષમ બની જતા તે પશુઓની યોગ્ય જાળવણી કરવામાં નિષ્ફળ નીવડશે. એટલું જ નહીં આવા પાંજરાપોળમાં વૃદ્ધ થતાં અથવા માંદા પશુઓને લેવામાં પણ આવશે નહીં. જે તેમના પ્રત્યે અન્યાય થશે.વધુમાં એવી રજુઆત કરવામાં આવી છે કે,આ પશુ ઋગ્ણાલયો એક રીતે હોસ્પિટલ જેવા જ છે. જેમાં હોસ્પિટલમાં માણસોને ભરતી કરવામાં આવે છે અને ખાનગી કે સરકારી હોસ્પિટલમાં નિર્ધારિત પેમેન્ટ બાદ તેમને છોડવામાં આવે છે. પરંતુ પશુઓના પાંજરાપોળ માટે આરોપીઓ પાસેથી ચાર્જ લેવામાં આવતા નથી. મહાનગરપાલિકા દ્વારા રખડતાં પશુઓને પકડવામાં આવે છે અને ત્યારબાદ પશુઓના માલિક પાસેથી નક્કી કરેલા દર વસુલવામાં આવે છે. બીજી તરફ, પાંજરાપોળ પણ આ પ્રકારના રખડતાં પશુઓની જાળવણી કરે છે અને તેમની જાળવણીનો ખર્ચ પાંજરાપોળને જ ઉઠાવવો પડે છે. મહત્વનું છે કે, રાજ્યમાં કુલ ૨૮૪ પાંજરાપોળ અને ૫૭૫ ગૌ શાળા છે.