સરદાર સરોવર યોજનામાં ગુજરાતે રોકેલા નાણાંની મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકારે ચુકવણી હજુ કરી નથી!!!
દેશના કુલ ચાર રાજ્યોમાં પાણીની સવલત ઉભી કરવા માટે સરદાર સરોવર યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને હાલ સરદાર સરોવર યોજના થકી પીવાના પાણીથી માંડી ને તમામ પ્રકારના પાણીની સવલત મળે છે. કુલ 138 મીટરની ઊંચાઈ ધરાવતી આ ડેમના નિર્માણ કાર્યમાં સૌથી વધુ પૈસા ગુજરાત સરકારે એટલે કે ગુજરાતની પ્રજાએ ચૂકવ્યા હતા. ગુજરાત સરકારે ડેમના બાંધકામ સમયે આશરે રૂ. 7 હજાર કરોડ રોક્યા હતાં જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રએ પણ ભાગ દેવાનો હતો પરંતુ તે સમયે આ ત્રણેય રાજ્યોએ ભાગ નહીં આપતા હાલ સુધી ગુજરાતની પ્રજાના રૂ. 7 હજા કરોડ ત્રણેય રાજ્યના સરકારો પાસે અટવાયેલા છે. હવે આ પૈસા ઉઘરાવાનો હવાલો કોના શિરે છે ? તે સવાલ ઉદ્દભવ્યો છે. સવાલ એ પણ ઉદ્દભવ્યો છે કે, પ્રજાના પૈસાની ઉઘરાણી થશે કે ખૂન-પસીનો એક કરીને કમાયેલા રૂપિયા એડે જશે?
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ પૂછેલા સવાલના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ જણાવ્યું હતું કે, નર્મદા પ્રોજેક્ટમાં ગુજરાત સરકારે રોકેલા નાણાં પૈકી 4764.35 કરોડ રૂપિયા મધ્ય પ્રદેશ સરકાર પાસેથી, 1627.66 કરોડ રૂપિયા મહારાષ્ટ્ર સરકાર પાસેથી અને 542.18 કરોડ રૂપિયા રાજસ્થાન સરકાર પાસેથી હજુ લેવાના બાકી છે. જેની ઉઘરાણી હજુ સુધી થઈ નથી. ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આ સમયે પૂછ્યું હતું કે, આ નાણાની ઉઘરાણી માટે હાલ સુધી સરદાર સરોવર નિગમ લિમિટેડે શું પગલાં લીધા છે ? ત્યારે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરદાર સરોવર નિગમ લિમિટેડ દ્વારા દર મહિને ત્રણેય રાજ્યોને પત્ર લખીને નાણાની ચુકવણી માટેની યાદી આપવામાં આવે છે પરંતુ હાલ સુધી ત્રણેય રાજ્યની સરકારે કોઈપણ પ્રકારની ચુકવણી કરી નથી.
વિશ્ર્વ બેંકની શરત માની લેવાઈ હોત તો પ્રજાના નાણાં એડે ગઈ ન હોત
જ્યારે સરદાર સરોવર ડેમના નિર્માણની દરખાસ્ત મૂકવામાં આવી હતી ત્યારે વિશ્વ બેંકે નર્મદા ડેમના નિર્માણ બજેટ ફાળવવાની વાત મૂકી હતી. વિશ્વ બેંકે શરત મૂકી હતી કે, નર્મદા ડેમ થકી સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોને પાણી પહોંચાડી વેરાન જગ્યાને હરિયાળી બનાવવી. નોંધનીય બાબત છે કે, તે સમયે સૌરાષ્ટ્ર-કચ્છમાં અવારનવાર દુષ્કાળની પરિસ્થિતિ સામે આવતી હતી જેથી વિશ્વ બેંકે ક્લોઝ કેનાલ બનાવવાની શરત મૂકી હતી તે સમયે ચીમનભાઈ પટેલની સરકારે ક્લોઝ કેનાલ ની જગ્યાએ ઓપન કેનાલ બનાવવાનો નિર્ણય કર્યો હતો જેના કારણે વિશ્વ બેંકે બજેટ ફાળવણી મુદ્દે પીછે હઠ કરી હતી. વિશ્વ બેંકનું કહેવું હતું કે, જો ઓપન કેનાલ કરવામાં આવશે તો સૌરાષ્ટ્ર-કચ્છ સુધી પાણી પહોંચતાં પહોંચતાં 50 ટકાથી પણ વધુ પાણીનો ઉપયોગ અન્ય વિસ્તારોમાં થઇ જશે જેથી સૌરાષ્ટ્ર-કચ્છ ધાર્યા કરતાં ખૂબ ઓછો લાભ મેળવી શકશે. જેના કારણે વિશ્વ બેંકે ક્લોઝ કેનાલની શરત મૂકી હતી. જો તે સમયે વિશ્વ બેંકની શરતને મંજુર કરી લેવામાં આવી હોત તો ગુજરાતની પ્રજાના મહેનત અને પરસેવાની કમાણી એળે ન ગઈ હોત.
ફાયદો લેવામાં અવ્વલ અને કિંમત આપવામાં પીછેહઠ?
સરદાર સરોવર ડેમ બનવાને કારણે ગુજરાતથી પણ વધુ ફાયદો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સરકારને અને તેમની પ્રજાને થયો છે. આ ડેમમાંથી સૌથી વધુ પાણી આ ત્રણેય રાજ્યો લે છે. તેમજ જે વીજળીનું ઉત્પાદન થાય છે તેમાં પણ ત્રણેય રાજ્યનો હિસ્સો ગુજરાત કરતા મોટો છે. ફાયદાની દ્રષ્ટિએ ત્રણ રાજ્યો ગુજરાત કરતાં વધુ લાભ લેનારી છે પરંતુ પૈસાની ચુકવણીમાં ત્રણ રાજ્યોએ હાલ સુધી કોઈ જવાબ આપ્યા નથી. ગુજરાત સરકારે વળતર આપ્યું પરંતુ હાલ સુધી આ ત્રણેય રાજ્યની સરકારે લાગત મૂલ્યની ચુકવણી પણ કરી નથી.