- જયંતિ સરધારાએ પીઆઈ પાદરીયા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાંથી હત્યાની કોશિશની કલમ હટાવવા કોર્ટમાં પોલીસની અરજી\
- પાદરીયાને ટ્રેનિંગ એકેડમીમાંથી હથિયાર ઇસ્યુ જ નહિ કરાયાનું સામે આવતા અનેક તર્ક વિતર્ક
સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર થયેલો હુમલાના બનાવમાં દરરોજ નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે. ખોડલધામને સરદારધામ સાથે વેરઝેર છે તેવું કહી પીઆઈ પાદરીયાએ હુમલો કર્યાનું અગાઉ જયંતિ સરધારાએ નિવેદન આપ્યું હતું. જયારે બીજી બાજુ બંને સંગઠન વચ્ચે કોઈ જ ખેંચતાણ નહિ હોવાનું હોદેદારો જણાવી રહ્યા છે ત્યારે સવાલ એવો ઉઠી રહ્યો છે કે, તો પછી આ બંને સંગઠનો વચ્ચે ખેલ કોણ પાડી રહ્યું છે. જો કે હાલ તો આ જંગ સરદારધામ દત ખોડલધામનો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
જયંતિ સરધારા પર થયેલા હુમલાની ઘટનામાં અગાઉ તાલુકા પોલીસ મથકમાં બીએનએસની કલમ 109(હત્યાની કોશિશ) હેઠળ પીઆઈ સંજય પાદરીયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. તું સરદારધામમાંથી રાજીનામુ આપી દે નહીંતર તને પતાવી દેવાનો છે, નરેશભાઈ પટેલે મને તારો હવાલો આપ્યો છે તેમ કહી પાદરીયાએ રિવોલ્વર વડે હુમલો કર્યાનું જયંતિ સરધારાએ આક્ષેપ કર્યો હતો. ત્યારે હવે મામલામાં નવો ઘટસ્ફોટ થવા પામ્યો છે.
મામલામાં ડીસીપી ઝોન-2 જગદીશ બંગરવાના જણાવ્યા અનુસાર પોલીસે સાહેદોના નિવેદન, સીસીટીવી ફૂટેજ અને મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવા ધ્યાને લેતા હુમલો જીવલેણ નહિ હોવાનું સપાટી પર આવ્યું છે. જેથી જયંતિ સરધારાની ફરિયાદમાં ઉમેરવામાં આવેલી બીએનએસની કલમ 109 રદ્દ કરવા અને નાકમાં ફ્રેક્ચર સહીતની ઇજા હોવાથી કલમ 117(2)નો ઉમેરો કરવા અદાલતને લેખિત અરજી કરવામાં આવી છે. વધુમાં બંગરવાના જણાવ્યા અનુસાર પોલીસની તપાસમાં એવુ સામે આવ્યું છે કે, ટ્રેનિંગ એકેડમીમાંથી પીઆઈ પાદરીયાને કોઈ હથિયાર ઇસ્યુ જ કરવામાં આવ્યું નથી તેમજ સીસીટીવી સહિતના પુરાવા પરથી એવુ સ્પષ્ટ થઇ રહ્યું છે કે, પાદરીયાના હાથમા કોઈ જ હથિયાર હુમલા સમયે હાજર ન હતું.
વધુમાં ડીસીપી જગદીશ બંગરવાએ જણાવ્યું છે કે, પાદરીયા દ્વારા પણ પોલીસને એક અરજી આપવામાં આવી છે જેમાં જયંતિ સરધારા વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા છે. જો પીઆઈ પાદરીયા ઈચ્છે તો પોલીસ તેમની પણ ફરિયાદ લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.
સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદ ઉભો કરવા જયંતિ સરધારાને સોપારી અપાઈ: દિનેશ બાંભણીયા
ખોડલધામ અને સરદારધામ અંગે નેતાઓની હોબાળો બાદ સમગ્ર વિવાદ વધુ ગરમાયો છે. આવા સંજોગોમાં ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ મોટો ખુલાસો કર્યો છે. દિનેશ બાંભણિયાએ એક્સ પર પોસ્ટ કરીને જયંતિ સરધારા પર સમાજને બદનામ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, ખોડલધામ અને સરદારધામને બદનામ કરવા જયંતિ સરધારાને કોણે સોપારી આપી હતી? તે ટૂંક સમયમાં બહાર આવશે. દિનેશ બાંભણિયાએ એમ પણ કહ્યું હતું કે, કોના ફાર્મહાઉસ પર આ પ્રકારનું કાવતરું ઘડવામાં આવ્યું હતું? તેની માહિતી પણ જાહેર કરવામાં આવશે. તેણે એક્સ પર ટ્વીટ કરીને લખ્યું કે, સમાજના ઉત્થાન માટે કામ કરતી પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામ અને સરદાર ધામ વચ્ચે વિખવાદ ઉભો કરવા અને સમાજના બંને સંગઠનોને બદનામ કરવા માટે, જેન્તીભાઈ સરધારાને કોને સોપારી આપવામાં આવી હતી અને કયા ફાર્મહાઉસમાં છે તે તમામ વિગતો આગામી સમયમાં સામે આવશે.
- પીઆઇ પાદરીયાની તરફેણમાં વકીલ નહિ રોકાવાના બારમાં ઠરાવનો આંતરિક વિરોધ
- જયંતિ સરધારા ઉદ્યોગપતિ હોવાથી વકીલાતના રેકોર્ડની ચકાસણી કરાયા બાદ બાર અસો.નિર્ણય કરશે
રાજકોટમાં ખોડલધામ પ્રમુખ સરધારા અને પીઆઇ પાદરીયા વચ્ચે થયેલી ઝપાઝપી મારામારી છેલ્લા કેટલાક દિવસોથી ટોક ઓફ ધી ટાઉન બની છે, ત્યાં આ બાબતે થયેલી ફરજિયાત સંબંધે “પીઆઇ પાદરિયા વતી રાજકોટના એક પણ વકીલે કેસ લેવો નહીં” તે મતલબના રાજકોટ બાર એસોસિએશનના લેટર પેડ ઉપર સર્ક્યુલર ઠરાવ વાયરલ થતા વકીલોની આલમમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે.આ ઠરાવ બાબતે બારના કેટલાક કારોબારી સભ્યો સહિતના હોદ્દેદારો અજાણ હોવાનું જણાતા કેટલાક વકીલો દ્વારા આ ઠરાવ અયોગ્ય હોય આ ઠરાવને રદ કરવા અરજી આપનાર હોવાની થતી ચર્ચાઓ થતી રહી હતી. જેમાં જયંતિ સરધારા ઉદ્યોગપતિ હવા ઉપરાંત જુદી જુદી કંપનીમાં ડાયરેક્ટર હોય તેની વકીલ તરીકે સનદની યોગ્યતા બાબતે પ્રશ્ન ઉઠાવવામાં આવી હતી. આ અંગે વકીલો દ્વારા આ અંગે 12 એસોસિએશનમાં લેખિત રજૂઆત કરવાની વાતો વહેતી થઈ હતી, તેમાં આજે શનિવારે સવારે રાજકોટ બાર એસોસિએશનની બેઠક મળવા બાબતે મીડિયામાં અહેવાલો જાહેર થયા હતા, જે અંગે રાજકોટ બાર એસોસિએશનના ભરોસાપાત્ર હોદ્દેદારને પૂછવામાં આવતા તેઓએ જણાવેલ હતું કે રાજકોટ બાર એસોસિએશન પાસે આજે બપોરે 1:00 વાગ્યા સુધી હજી કોઈપણ વકીલની અરજી આવી નથી, આવી અરજી આવશે તો અગાઉનો ઠરાવ રદ કરવો કે ચાલુ રાખવો તે અંગે જયંતિ સરધારાનું રેકર્ડ તપાસ્યા બાદ બાર એસોસિએશનની મિટિંગમાં ચર્ચા થશે, પરંતુ આ લખાય છે ત્યાં સુધી કોઈ અરજી નહીં આવતા મીટીંગ મળી નથી, અરજી આવશે ત્યારબાદ જ મિટિંગ થશે તેમ જણાવ્યું હતું.
બાંભણીયા પુરાવા લઈને આવે તો જાહેર જીવન છોડી દેવાની સરધારાની ચેલેન્જ
દિનેશ બાંભણીયાના આક્ષેપ મામલે જયંતિ સરધારાએ જણાવ્યું છે કે, મારે બાંભણીયા સાથે કોઈ જ લેવા દેવા નથી. મારે કોઈ જ સોપારી લેવાની જરૂર નથી. મારે કોઈ જ ફાર્મહાઉસ ખાતે કોઈ જાતની બેઠક પણ થઇ નથી. જો દિનેશ બાંભણીયા આ મામલે કોઈ જ પુરાવા લઇ આવશે તો હું જાહેર જીવન છોડી દેવાની ચેલેન્જ આપું છું. તેમણે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, હુમલા સમયે પીઆઈ પાદરીયાના હાથમા હથિયાર હતું જે વાસ્તવિકતા હતી.