૩૦૭ પાક કેદીઓમાંથી ૫૬ કેદીઓની ટર્મ પુરી થતા તેમને છોડવા ભારત તૈયાર પણ આ કેદીઓ પોતાના નાગરીકો ન હોવાનો પાકિસ્તાનનો ઈન્કાર: કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કરી રજુઆત
કાફીર કોણ ? ૫૬ કેદીઓને ઓળખવાનો પાકિસ્તાને નનૈયો કર્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કેન્દ્ર સરકારે કહ્યું કે, માછીમારો સહિતના ૩૦૭ પાક કેદીઓ ભારતીય જેલમાં બંધ છે. જેમાંથી ૫૬ કેદીઓની સજા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ પાકિસ્તાન આ કેદીઓ પોતાના નાગરિકો ન હોવાનું કહેતા તેઓ હજુ તેમના ઘરે પહોંચ્યા નથી.
ગૃહ મંત્રાલયે આ તમામ ૫૬ પાકિસ્તાની કેદીઓની માહિતી પ્રસ્તૃત કરી હતી અને કહ્યું કે, ભારત સરકાર આ કેદીઓને તેમના ઘરે પહોંચાડવા પાકિસ્તાન સરકાર સાથે સમયાંતરે વાતચીત કરી રહી છે. પાકિસ્તાને આ કેદીઓ તેના નાગરિકો હોવાનો નનૈયો કરતા હજુ તેમને છોડાયા નથી. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, આ ૫૬ કેદીઓ પાકિસ્તાની હોવાનું કહી રહ્યા છે.
સરકારે કહ્યું કે, આ કેદીઓની રાષ્ટ્રીયતા નકકી થતા તેમને વહેલીતકે છોડી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટ આ મામલે તપાસ કરશે. એફીડેવીટના રેકોર્ડને ધ્યાને લેતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એ.કે.સીકી અને અશોક ભુષણે કેન્દ્રની રજુઆતો સાંભળી હતી. કેન્દ્ર સરકારે વધુમાં કહ્યું હતું કે, જુલાઈથી નવેમ્બર ૨૦૧૭ સુધીમાં ભારતે ૨૦ પાકિસ્તાની કેદીઓને છોડયા હતા. જયારે વધુ પાંચ કેદીઓને છોડવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. જયારે અન્ય ૨૧ પાકિસ્તાની કેદીઓમાંથી ૨૦ કેદીઓને બે વર્ષથી માનસિક બિમારી છે અને ચાર કેદીઓ મૃત્યુ પામ્યા છે.
પાકિસ્તાને ભારત સરકારની વેબસાઈટો પણ બ્લોક કરી નાખી !!
પાક તેની નાપાક હરકતોથી કયારેય બાજ આવ્યું નથી. ઈસ્લામાબાદમાં ઈન્ડીયન રેસીડેન્સીઅલ કોમ્પ્લેક્ષમાં રેડ પાડતા ભારત-પાક વચ્ચે શત્રુતા વધુ વધી છે. ઓફિસીઅલ કોમ્યુનીકેસ રોકવા માટે પાકિસ્તાને ભારત સરકારની વેબસાઈટો બ્લોક કરી નાખી છે.
શુક્રવારે પાકિસ્તાને ડબલ્યુટીઓ મંત્રી સ્તરીય બેઠક કરી હતી જે આવતા અઠવાડીયામાં ભારતમાં મળવાની છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકારની વેબસાઈટોને બ્લોક ન કરવા ફાઈવ નોટ વર્બલ (ડીપ્લોમેટીક કોમ્યુનીકેશન ફોર્મ) પાકિસ્તાનને જારી કરાયું હતું.
પ્રથમ નોટ વર્બલ ૧૮ મે, ૨૦૧૭માં જારી કરાઈ હતી. જયારે બીજી એક નોટ આ અઠવાડીયાની શરૂઆતમાં જારી કરાઈ હતી. ભારતીય અધિકારીઓએ આ વિશે જણાવ્યું કે, પાકિસ્તાન ત્યાંના ભારતીય રહેવાસીઓને પોતાની સરકારની વેબસાઈટો જોવા કે તેની સાથે સંકલનમાં રહેવા દેવા ઈચ્છતુ નથી.
જણાવી દઈએ કે, ૧૫ ફેબ્રુઆરીના રોજ ઈસ્લામાબાદ સ્થિત ભારતના રેસીડેન્સીઅલ કોમ્પ્લેક્ષમાં રાત્રે રેડ પાડી હતી અને પાણી, વીજ જોડાણો કાપી નાખ્યા હતા. જેની જાણ ઈન્ડિયન હાઈ કમિશનર અજય બિસારીયાને થતા તેમણે પાકના વિદેશ સચિવ સાથે વાટાઘાટો કરી હતી અને ઈસ્લામાબાદ કલબની મેમ્બરશીપ બ્લોક ન કરવા જણાવ્યું હતું. જયારે પાકિસ્તાનના હાઈ કમિશનર સોહિલ મહમદે ઈસ્લામાબાદને પત્ર લખી જણાવ્યું હતું કે, જયાં સુધી દિલ્હીમાં પાકિસ્તાની ડીપ્લોમેટસને સરખી કિંમતે સુવિધાઓ ન અપાય ત્યાં સુધી કલબ મેમ્બરશીપને મંજુરી ન આપતા.