મુખ્ય ન્યાયમૂર્તિ બોબડેએ કરી ભલામણ
સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ એન.વી. રમના દેશના નવા મુખ્ય ન્યાયમૂર્તિ સી.જે.આઈ. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયા બની શકે છે. વર્તમાન ચીફ જસ્ટીસ એસ.એ.બોબડેએ જ પોતાના અનુગામી તરીકે જસ્ટીસ રમનાના નામની દરખાસ્ત કરી છે. સીજેઆઈ બોબડે 23 એપ્રિલના રોજ નિવૃત થઈ રહ્યા છે. જો સરકાર બોબડેની ભલામણ માનશે તો 24 એપ્રિલે જસ્ટીસ રમનાની સોગંદ વિધિ થઈ શકે છે.દેશના મુખ્ય ન્યાયમૂર્તિ એસએ બોબડેએ પોતાના ઉતરાધિકારી તરીકે અને દેશના 48મા મુખ્ય ન્યાયમૂર્તિ માટે ન્યાયમૂર્તિ એન.વી.રમનાના નામની ભલામણ કરી છે.
સુત્રોનાં જણાવ્યા પ્રમાણે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ માટે અગ્રતાક્રમના નિયમો જોતા દેશના મુખ્યમૂર્તિ પદ માટે બોબડેએ રમનાના નામની ભલામણ કરી છે.
પોતાની નિવૃત્તિના એકમાસ અગાઉ મુખ્ય ન્યાયમૂર્તિએ પોતાના અનુગામી તરીકે નામ નકકી કરી સરકારને ભલામણ કરવાની હોય છે. તે મુજબ આ ભલામણ થઈ છે.
એન.વી. રમના જે આંધ્રપ્રદેશના છે, વર્ષ 2000માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં કાયમી ન્યાયાધીશ તરીકે હતા. ફેબ્રુઆરી 2014 માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક પહેલાં તે દિલ્હી હાઈકોર્ટમાં હતા. 63 વર્ષીય નુથલાપથી વેંકટે રમના 10 ફેબ્રુઆરી, 1983ના રોજ તેની ન્યાયિક કારકીર્દિની શરૂઆત કરી હતી. તેમણે આંધ્રપ્રદેશથી વકીલ તરીકે શરૂઆત કરી હતી.
45 વર્ષથી વધુ ન્યાયિક અનુભવ, બંધારણીય બાબતોમાં જાણકાર
ત્યારબાદ તેણે આંધ્રપ્રદેશ હાઇકોર્ટ, આંધ્રપ્રદેશ વહીવટી ટ્રિબ્યુનલ તેમજ સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. તેઓ બંધારણીય, ગુનાહિત અને ઈન્ટર-સ્ટેટ નદીના પાણી વહેંચણી કાયદાના નિષ્ણાંત માનવામાં આવે છે. લગભગ 45 વર્ષો લાંબો અનુભવ ધરાવતા એન.વી. રમના બંધારણીય બેંચનો ભાગ રહ્યા છે, જેણે સુપ્રીમ કોર્ટના ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે.