પોલીસ, પ્રેસ અને પોલીટીકસ વમળો સર્જે ત્યારે પ્રજાની શાંતિ ડહોળાય!
પોલીસ સામે ચિંધાયેલી આંગળીથી નવનિયુકત એસપી દિપેન ભદ્રેન માટે પોલીસનું મોરલ ટકાવવું સૌથી મોટો પડકાર
ઇન્દિરા ગાંધીને ફરી લાઇમ લાઇટમાં લાવનાર જામનગરના રાજકીય નેતાઓથી હાલારના પલટવારના રાજકારણ પર દબદબો
જામનગરનો વિશાળ દરિયા કિનારો અને રિલાયન્સ-એસ્સાર જેવી મોટી કંપનીમાં કોન્ટ્રાકટ રાખવા ધંધાકીય હરિફાઇ વચ્ચે જ્ઞાતિનું વર્ચસ્વ જાળવવાની હોડ
ભગવાન કૃષ્ણની દ્વારકાનગરી અને મોટા સ્ટેટ તરીકે જાણીતા જામનગરના ઇતિહાસ અને તાસીરને કલંકિત કરવામાં કોને રસ
હાલારમાં ભગવાન દ્વારકાધીશની રાજધાની સાથે ધાર્મિક મહત્વ, રાજાશાહીમાં જામ સાહેબનો રાજ પ્રમુખનો દબદબો, દેશમાં કટોકટી બાદ ઇન્દિરા ગાંધીના રાજકીય વનવાસ બાદ ફરી લાઇમ લાઇટમાં લાવનાર જામનગરના રાજકીય નેતા બાદ પલટવારના રાજકારણ સાથે જામનગરનો ઇતિયાસને છેલ્લા કેટલાક સમયથી કલંકિત કરવાના હીન પ્રયાસ પાછળ ધંધાકીય હરિફાઇ, રાજકીય અસ્તિત્વ ટકાવવા અને જ્ઞાતિમાં વર્ચસ્વ જાળવવાની હોડ કારણભૂત ગણવામાં આવી રહી છે. ત્યારે કેટલાક લેભાગુ નેતાઓના ઇશારે પોલીસનું જે રીતે મોરલ તોડવાનો પ્રયાસ થઇ રહ્યો છે ત્યારે જામનગર જિલ્લાના નવનિયુકત એસપી દિપેન ભદ્રેન માટે પોલીસનું મોરલ ટકાવી રાખવા મોટો પડકાર બની ગયો છે. જામનગર જિલ્લાનો વિશાળ દરિયા કિનારો, રિલાયન્સ અને એસ્સાર જેવી મલ્ટીનેશન કંપનીમાં કોન્ટ્રાકટ મેળવવા સહિતના મુદે ચાલતી રમતમાં લેભાગુ મિડીયાના કહેવાતા પત્રકારો પણ બાકાત રહ્યા નથી કોઇનો હાથો બની રહ્યા છે.
ભગવાન કૃષ્ણએ મથુરા છોડી દ્વારકામાં રાજધાની બનાવી ત્યારે દ્વારકાનગરીને સોનાની નગરી કહેવામાં આવતી હતી ત્યારથી જ હાલારનો ઇતિહાસ સુર્વણ અક્ષરે લખાયો હતો અને ભગવાન કૃષ્ણને ચક્રવતી રાજા ગણવામાં આવ્યા તે રીતે જામ સાહેબ પણ રાજ પ્રમુખનો દબદબો જાળવી જામનગરને સમગ્ર વિશ્ર્વમાં અલગ ઓળખ આપી છે જામનગર રાજાશાહી યુગમાં પણ જોડીયા, સચાણા, બેડી, સિક્કા, વાડીનાર જેવા બંદરના કારણે જ વિશ્ર્વમાં વ્યપાર જાણીતુ હતું.
કટોકડી બાદ પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી રાજકીય વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે જામનગરના ઘેલુ માડમ તેમની વહારે આવ્યા હતા અને ફરી લાઇમ લાઇટમાં લાવવાનું કાર્ય જામનગરના નેતાઓને ફાળે જાય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી જામનગર જિલ્લાના નેતાઓમાં ચાલતી પક્ષપલ્ટા અને પલટવારના રાજકારણનું પણ મહત્વ એટલું જ રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં કોગ્રેસમાંથી ટિકિટ ન મળતા રાતોરાત ભાજપમાંથી ચૂંટણી લડીને પૂનમબેન માડમ વિજેતા બન્યા તે રીતે કોંગ્રેસના ધારાસભ્ય ધમેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ પણ ધારાસભ્ય તરીકે રાજીનામું આપી ભાજપની ટિકિટ મેળવી મંત્રી પદ હાસલ કર્યુ છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રિલાયન્સ, ન્યારા એનર્જી રિફાઇનરી, ઘડી ડિર્ટઝન, ક્રેઇન ઇન્ડિયા, ટાટા કેમિકલ અને સિક્કા થર્મલ પ્લાન, ડીસીસી સિમેન્ટ, જીએનએફસી સહિતની કંપનીમાં કોન્ટ્રાકટ મેળવી બાહુબલીમાંથી રાજકીય અગ્રણી બનેલાઓને પોલીસ સાથે અવાર નવાર સંઘર્ષમાં આવવું પડતું હોય છે. જેના કારણે કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા છે.
રિલાયન્સ કંપનીના કર્તા હર્તા પરિમલ નથવાણી, સાંસદ પૂનમબેન માડમ, કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ અને પબુભા માણેક જેવા મોટાગજાના રાજકીય નેતાઓની આંતરિક લડાઇમાં પ્રજાની શાંતિ હણાઇ રહી છે. તેવું જાણકારો કહી રહ્યા છે.
હાલાર એટલે નવાનગર, નવાનગરમાં મિડીયાનો દબદબો જાળવવા રિલાયન્સ અને એસ્સાર જેવી કંપનીઓમાં કોઇના ઇશારે અને હાથો બનીને અન્યના ખંભે બંદુક ફોડવામાં આવી રહી છે. મિડીયાના ખંભે થતા ધાણીફુટ ગોળીબાર પાછળ જવાબદાર કોણ તેવી પણ ચર્ચા થઇ રહી છે. ત્યારે ભૂમાફિયા જયેશ પટેલ દુબઇ બેઠા જામનગર પંથકમાં ખંડણી પડાવવી, હવાલા સુલટાવવવા, કરોડોની જમીન હડપ કરવા માટે હત્યા અને સરાજાહેર થતા ફાયરિંગની ઘટના પાછળ ખરેખર જવાબદાર કોણ અને જયેશ પટેલને રાજકીય ઓથ કોની તેવો સવાલ થઇ રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા પંથકમાં તાજેતરમાં રાજકોટ રેન્જના આઇજી સંદિપસિંહના સિધા માર્ગદર્શન હેઠળ પકડાયેલી ખનિજ ચોરીમાં પણ કેટલાક ખનિજ માફીયાના ગળામાં કાયદાનો ગાળીયો કસતા ખનિજ માફીયાઓ રાજકીય આંકાનું શરણું લીધુ ત્યારથી જ રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહને પાડી દેવા માટે રાજકીય નેતાઓ મેદાને આવ્યા છે. બીજી તરફ જેઓની કાબીલેદાદ કામગીરીના કારણે રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો છે તેવા પ્રમાણિક અને કર્તવ્યનિષ્ટ પોલીસ અધિકારીઓ પર રાજકીય દબાણ કામ ન આવતા તેઓને બેકફુટ લાવવા ચોકઠા ગોઠવવામાં આવી રહ્યા છે.
ધ્રોલના દિવ્યરાજસિંહની થયેલી હત્યાના ગુનામાં ઝડપાયેલા હાડાટોડાના બે ગરાસીયા યુવાનને એલસીબીમાં સારી સગવડ આપવામાં આવ્યાના આક્ષેપ સાથેનો વીડિયો વાયરલ કરી કેટલાક રાજકીય નેતાઓ પોતાની મેલી મુરાદ સાથે પોલીસનું રીતસર મોરલ તોડી રહ્યા છે ત્યારે નવનિયુકત એસપી દિપેન ભદ્રન માટે પોલીસનું મોરલ ન તુટે અને જામનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કપરી કામગીરી સાથે ચાર્જ સંભાળ્યો છે.