મોરબી રોડ પર કાગદડીના પાટીયા પાસે આવેલા ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુએ દસેક દિવસ પહેલાં ઝેરી દવા પી કરેલા આપઘાતની ઘટના છુપાવવામાં કોને રસ હતો અને દેવ હોસ્પિટલના તબીબ દ્વારા પોલીસને કેમ જાણ ન કરી તે અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતા દેવ હોસ્પિટલના જવાબદાર તબીબ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
આ અંગેની સુત્રોમાંથી મળતી વિગતો મુજબ કાગદડી પાટીયા પાસે આવેલા ખોડીયારધામ આશ્રમના મહંમ જયરામદાસબાપુ નામના 65 વર્ષના વૃધ્ધનું ગત તા.1 જુનના રોજ મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને એક દિવસ માટે અનુયાયીઓના દર્શન માટે રાખવામાં આવ્યો હતો. તા.2 જુનના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે ખોડીયારધામ આશ્રમના ટ્રસ્ટીઓ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું હતું કે, મહંતનું હૃદય રોગના કારણે મોત નીપજ્યાનું જાહેર કર્યુ હતું.
મહંત જયરામદાસબાપુનું કુદરતી નહી પરંતું તેઓએ આપઘાત કર્યા અંગેની માહિતી પોલીસને મળતા કુવાડવા પોલીસ મથકના પી.આઇ. એન.એન.ચુડાસમા, પી.એસ.આઇ. પી.જી.રોહડીયા અને રાઇટર હિતેશ ગઢવી સહિતના સ્ટાફે તપાસ શરૂ કરતા આશ્રમમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં કોડીનાર તાલુકાના પેઢાવાળા ગામના અલ્પેશ પ્રતાપભાઇ સોલંકી, સુત્રાપાડા તાલુકાના પ્રશ્ર્નાવાળા ગામના હિતેશ લખમણભાઇ જાદવ અને ગાંધીગ્રામના વિક્રમ દેવજી સોહલા નામના શખ્સો નામના શખ્સો સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધાયો છે.
ત્રણેય શખ્સો દ્વારા મહંત જયરામદાસબાપુનો મહિલા સાથેનો વીડિયો રેકોર્ડીંગ કરી વીડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી દઇ રૂા.21 લાખ અને એક કાર પડાવ્યાનું તેમજ અવાર નવાર મારકૂટ કર્યા અને આશ્રમની મિલકત પડાવી લેવાત્રાસ દેવામાં આવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તેમજ તા.30મીએ વિક્રમ ભરવાડ હાથમાં ધોકા સાથે ખોડીયારધામ આશ્રમના સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યો છે.
મહંત જયરામદાસબાપુના અલ્પેશ પ્રતાપ સોલંકી મહંતનો ભત્રીજો થાય છે. જ્યારે હિતેશ તેનો બનેવી થાય છે. બને મહંતના સતત સંપર્કમાં રહેતા હતા. બંનેએ ગાંધીગ્રામના વિક્રમ સોહલાની મદદથી મહિલા સાથેના વીડિયો શુટીંગ કર્યા અંગે બે મહિલા જોવા મળે છે તે પૈકી એક મહિલાની પોલીસને ઓળખ મળી છે.
મહંત જયરામદાસબાપુના આપઘાતના બનાવને કુદરતી મોતમાં ખપાવવા કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા થયેલા પ્રયાસ અંગે પોલીસ દ્વારા પુરાવાનો નાશ કરવા અંગેનો ગુનો નોંધવા અને મહંતે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવા છતાં તબીબ દ્વારા હાર્ટ એટેકનું ડેથ સર્ટિફીકેટ કેમ આપ્યું અને કોની ભલામણથી આપ્યું તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યાનો પત્રકાર પરિષદમાં ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, એસીપી ટંડન અને પી.આઇ. એન.એન.ચુડાસમા સહિતના સ્ટાફે નિર્દેશ આપ્યો છે.