બોટાદ, ભાવનગર જિલ્લાનાં ૧૬ ગામોના ખેડુતોને સિંચાઈ માટે અપાયેલા નર્મદાના પાણીની ચોરી અટકાવવા રાજય સરકારે કોઈ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ સામે હાઈકોર્ટનું આકરૂ વલણ
છેલ્લા બેક વર્ષથી પડતા અપૂરતા વરસાદના કારણે રાજયના ખેડુતો માટે નર્મદા કેનાલના પાણી ખેતી માટે સિંચાઈનો મુખ્ય આધાર છે. જયારે બોટાદ અને ભાવનગર જિલ્લાના ૧૬ ગામોને સિંચાઈ માટે નર્મદા કેનાલના પાણીમાંથી મોટાપાયે પાણી ચોરી થતી હોવાની એક ખેડુત સંગઠનની અરજી પર ગુજરાત હાઈકોર્ટે નર્મદા કેનાલના પાણીના હકકદાર કોણ? તેવો પ્રશ્નાર્થ કરીને રાજય સરકાર પાસે આ અંગે અહેવાલ મંગાવી સોગંદનામા પર વિગતો આપવા તાકીદ કરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ એક ખેડુત સંગઠન ખેડુત હિતરક્ષક સમિતિએ બોટાદ અને ભાવનગર જિલ્લાના ૧૬ ગામોના ખેડુતોને સિંચાઈ માટે અપાતા પાણીની માથાભારે લોકો દ્વારા ખૂલ્લેઆમ ચોરી કરવામા આવત હોવાના પૂરાવા સાથે અરજી કરી હતી. આ અરજીમાં આ સંગઠ્ઠને એવો પણ દાવો કર્યો હતો કે આ ખૂલ્લેઆમ પાણીચોરીના પુરાવા રાજય સરકારના વિવિધ વિભાગોને આપ્યા હોવા છતાં સરકારી તંત્રો દ્વારા પાણી ચોરી અંગે કોઈપણ પગલા લેવામાં આવ્યા નથી.
ખેડુત હિત રક્ષક સમિતિ દ્વારા વર્ષ ૨૦૧૭માં થયેલી આ અરજી અંગેની વિગતો આપતા અરજદારના વકીલ જીતેન્દ્ર પંડયાએ જણાવ્યું હતુ કે રાજય સરકાર દ્વારા નર્મદા કેનાલના પાણી બોટાદ અને ભાવનગરનાં ૧૬ ગામોનાં ખેડુતોના સિંચાઈ માટે આપવામાં આવ્યા હતા. પરંતુ નર્મદા કેનાલ પર માથાભારે લોકોએ પંપો મૂકીને મોટા પ્રમાણમાં પાણી ચોરી કરી લેતા ખેડુતોને સિંચાઈમાટે અપૂરતુ પાણી મળ્યું હતુ આ પાણી ચોરીના ફોટોગ્રાફસ સાથે રાજય સરકારના વિવિધ વિભાગોને રજૂઆતો કરી પાણી ચોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા રજૂઆતો કરી હતી.પરંતુ એકપણ સરકારી તંત્રએ આ પાણી ચોરી સામે કોઈ કાર્યવાહી કરી નહતી.
જેથી નારાજ થયેલી ખેડુત સમિતિએ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી તેમ જણાવીને પંડયાએ ઉમેર્યું હતુ કે હાઈકોર્ટે આ અરજીની સુનાવણીમાં નર્મદા કેનાલનાં પાણીના હકકદાર કોણ? તેવો પ્રશ્નાર્થ ઉઠાવીને આગામી મુદતે આ અંગેની તમામ વિગતો સોગંદનામા પર આપવા હાઈકોર્ટે રાજય સરકારને તાકીદ કરી છે. જેથી રાજય સરકારના વિવિધ વિભાગો દોડતા થઈ ગયા છે. અને પાણી ચોરી અટકાવવા કાર્યરત થઈ ગયા છે.