પત્ની-પતિ, પિતા-પુત્ર, પિતા-પુત્રી, માતા-પુત્રી અને માતા-પિતાને જીવન નિર્વાહ માટે ઉપેક્ષા ન થઇ શકે

ભરણ પોષણની રકમ મિલકતમાંથી પણ વસુલી કરી શકાય

ભરણ પોષણ ચુકવવામાં કસુરવાર સજા ભોગવે એટલે ભરણ પોષણમાથી મૂક્તિ ન મળે

પુરૂષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં કેટલાક પુરૂષો એક પત્નીની હયાતીમાં ઉપપત્ની એટલે કે પરસ્ત્રી સાથે લગ્નેતર સંબંધ ધરાવતો હોય ત્યારે ઉપપત્ની પણ ભરણ પોષણ ઉપરાંત તેની મિલકતમાં હક્ક માગી શકે છે.

ભરણપોષણના કાયદા નીચે એટલે કે ક્રિમીનલ પ્રોસિજર કોડની કલમ-૧૨૫ થી ૧૨૮ મુજબ ભરણપોષણ માંગનાર અને જેની પાસે માંગવામાં આવે છે તેમના વચ્ચેનો સંબંધ પતિ-પત્ની, પિતા-પુત્ર, પિતા-પુત્રી, માતા-પુત્ર, માતા-પુત્રી અથવા માતા-પિતા અને સંતાનોનો હોવો જોઈએ. આ સિવાય બીજી કોઈપણ વ્યક્તિ આ  ભરણપોષણ માંગી શક્તી નથી. ભરણપોષણ ત્યારે જ માંગી શકાય જ્યારે ભરણપોષણ માંગનારની ઉપેક્ષા થઈ હોવી જોઈએ, જેથી ભરણપોષણ કરવાની જવાબદારી હોય તેણે પોતાની જવાબદારી નિભાવવામાં ઉપેક્ષા અથવા બેદરકારી કરી હોવી જોઈએ. જવાબદારી પ્રત્યે બેદરકારીનો પ્રકાર છે અને આવી ઉપેક્ષા અને બેદરકારી સામાવાળાના વર્તન ઉપરથી સાબિત કરી શકાય.

ભરણપોષણ માંગનાર પોતાનું જીવન નિર્વાર કરવામાં અસમર્થ હોવો અને તેની સ્થિતિ આશ્રિત જેવી હોવી જોઈએ. આવી વ્યક્તિઓમાં મુખ્યત્વે આશ્રિત પત્ની, બાળકો અને વૃદ્ધ માતા-પિતાનો સમાવેશ થાય છે. ભરણપોષણ જેની પાસે, માંગ્યુ હોય તેની પાસે તેના માટે પૂરતા સાધનો હોવા જોઈએ. જેમાં નોકરી, ધંધો વ્યવસાય અથવા  મિલકતની આવક સમાવેશ થાય છે.  આવકના પૂરતા સાધન નથી તેવું સાબિત કરવાનો બોજો સામાવાળા ઉપર હોય છે. તંદુરસ્ત શરીરવાળી વ્યક્તિની કોઈ આવક ન હોય તો પણ તેની વિરુદ્ધ ભરણપોષણનો હુકમ થઈ શકે છે. કાયદાકીય રીતે આવી વ્યક્તિ નાદાર થાય તો પણ ભરણપોષણની જવાબદારીમાંથી છટકી શક્તી નથી. અસહ્ય દેવું થયેલ છે તો તે તેવો બચાવ પણ કરી શક્તો નથી. સગીર પતિ અથવા સંસાર ત્યાગી સાધુ થયેલ વ્યક્તિ આવી જવાબદારીમાંથી છટકી શકતો નથી.

ભરણપોષણની અરજી દાખલ કર્યા પછી ઘણો સમય કાર્યવાહીમાં રહે છે  તેથી આ કાયદામાં સુધારો આવ્યો. આ સુધારા પ્રમાણે કાર્યવાહીનો નિકાલ બાકી હોય તે દરમિયાન મેજિસ્ટ્રેટ વચગાળાનું ભરણપોષણ મંજૂર કરી શકે છે યોગ્ય લાગે તેટલો કાર્યવાહીનો ખર્ચ આપવાનો પણ હુકમ કરી શકે છે. આવો હુકમ સામાન્ય રીતે નોટિસ બજયાની તારીખથી સાઠ દિવસની અંદર કરવાની જોગવાઈ છે, પરંતુ ભરણપોષણની અરજીએ ફરિયાદ સ્વરૂપની નથી તેથી તેને પોલીસ ફરિયાદ ગણી શકાય નહીં અને તેથી સામાવાળા જેની પાસે ભરણપોષણ માંગે છે. તેને આરોપી ગણવામાં આવતા નથી. અરજદાર અરજી કરે એટલે સામાવાળા ઉપર સમન્સ અથવા નોટિસ કાઢવામાં આવે છે અને જો સમન્સ બજયા છતાં સામાવાળા હાજર ન થાય તો કોર્ટ એકતરફી હુકમ કરી શકે છે. જો હુકમનું પાલન ન થાય તો કોર્ટ વોરંટ કાઢી શકે છે અને જેલ પણ કરી શકે છે. પરંતુ વોરંટ કાઢતા પહેલાં કારણદર્શક નોટિસ સામાવાળાને આપવી ખૂબ જરૂરી છે.

ભરણપોષણની રકમની વસૂલાત મિલકતમાંથી કરી શકાતી હોય છે. રોકડ રકમ, ઝવેરાત અથવા પગારમાંથી ભરણપોષણની રકમની વસૂલાત કરી શકાય છે, આને જંગમ મિલકતમાંથી કરેલી વસૂલાત કહે છે. પગારમાંથી સીધી વસૂલાત પણ થઈ શકે છે. તેની જાણ જ્યાં પતિ નોકરી કરતો હોય તેના માલિકને કરવી જરૂરી છે. પતિના રહેઠાણની હકૂમત ધરાવતી કોર્ટમાંથી વસૂલાત કરી શકાય છે. પરંતુ વોરન્ટ કાઢતાં પહેલાં સામાવાળાને સુનાવણીની વાજબી તક આપવી જરૂરી છે. સ્થાવર મિલકતમાંથી ભરણપોષણની રકમની વસૂલાત કરી શકાય છે પણ માટે ક્રિમીનલ પ્રોસિજર કોડની કલમ-૪૨૧ હેઠળ કાર્યવાહી કરી વોરંટ કઢાવવું પડે અને પછી તે કલેકટરને મોકલી વસૂલાત થઈ શકે. સીધી જપ્તી દ્વારા વસૂલાત કરી શકાતી નથી. પ્રથમ જંગમ મિલકતમાંથી વસૂલાત કરવાની કાર્યવાહી કરવી પડે. ભરણપોષણની રકમ આપવામાં બેદરકાર રહે અથવા ઉપેક્ષા રાખે તો, તેને એક મહિનાની અથવા તેથી ઓછી સજા કરી શકાય છે. જેટલા માસની ચડત રકમ હોય તેટલા માસની સજા થઈ શકે છે તેનાથી વધુ સજા કરી શકાય નહીં. કેદની સજા સાદી કે સખત પણ હોઈ શકે. આવો સજાનો હુકમ થતાં ચડત રકમની જવાબદારી બંધ થઈ જતી નથી. ભરણપોષણની ચડત રકમ એક વર્ષની અંદર વસુલવાની હોય છે. બાર માસથી વધુ મહિનાની રકમ વસૂલ થઈ શકતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.