દર માસના અંતિમ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો કાર્યક્રમ “મન કી બાત” થકી દેશવાસીઓને સંબોધન કરે છે. દર વખતની જેમ આ વખત એટલે કે આજના 77માં સંસ્કરણમાં વર્તમાન સ્થિતિને સંબધિત પરિબળો પર દેશવાસીઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં વડાપ્રધાને કોરોનાકાળ દરમિયાન દેશને મદદ કરી દિવસ રાત કામ કરનાર વોરિયર્સને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
આ દરમિયાન પીએમ મોદી સાથે મન કી બાતમાં વાત કરનાર એક ઓક્સિજન ટેન્કર ડ્રાઈવર હતા. જેની ભારે ચર્ચા થઈ રહી છે. પણ છે કોણ આ દિનેશ ઉપાધ્યાય અને વડાપ્રધાન મોદી સાથે શુ વાત કરી તેના વિશે એક નજર કરીએ….
દિનેશ ઉપાધ્યાય એક ઓક્સિજન ટેન્કર ડ્રાઈવર છે. જેમણે રાત દિવસ કામ કરી જરૂરિયાતમંદને પ્રાણવાયુ પૂરો પાડી દર્દીઓમાં પ્રાણ પૂર્યા છે. તેમનું પૂરું નામ દિનેશ બાબુનાથ ઉપાધ્યાય છે. તે ઉત્તર પ્રદેશના જૌનપુરના જામુઆ પોસ્ટમાં આવેલ હસનપુર ગામના રહેવાસી છે. તેમન પત્ની, એક પુત્ર, બે પુત્રીઓ અને માતા-પિતા છે.
“મન કી બાત”માં દિનેશ ઉપાધ્યાયની
વડાપ્રધાન મોદી સાથે વાતચીત
દિનેશ: ઓક્સિજન ટેન્કરનું ડ્રાઇવિંગ કરતાં 15 થી 17 વર્ષ થયા છે. સાહેબ, અમારું કામ જ એવું છે કે અમારી કંપની આઇનોક્સ પણ આપણી ખૂબ કાળજી લે છે. જ્યારે અમે કોઈને ઓક્સિજન આપીએ છીએ ત્યારે અમને ખુબ જ ખુશી મળે છે.
પીએમ મોદી- હવે જ્યારે તમે પહેલાની તુલનામાં ઓક્સિજન આપવા જાઓ છો ત્યારે તમારા મનમાં શું રહે છે?
દિનેશ- અમે સમયસર અમારી ફરજ પૂરી કરવાની કાળજી રાખીએ છીએ. જો ટાઈમે ઓક્સિજન પહોંચે અને કોઈનું જીવન બચી જાય, તો તે અમારા માટે જરૂરી હોય છે.
પીએમ મોદી- શું લોકોના વલણમાં પરિવર્તન આવ્યું છે?
દિનેશ- પહેલા અમે ટ્રાફિક જામમાં અટવાતા. હવે ખૂબ મદદ મળે છે. તંત્ર પણ મદદ કરે છે. જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચે છે, ત્યારે હોસ્પિટલોના લોકો વિજયની નિશાની બતાવે છે. વી નો ઈશારો કરે છે. અમને લાગે છે કે સારું કામ કર્યું છે, જે આ સેવા માટેની તક મળી છે. બાળકોને ફોન પર જણાવીએ છીએ. 8-9 મહિનામાં ઘરે જઈએ છીએ. બાળકો કહે છે કે પપ્પા કામ કરવું જોઇએ પરંતુ સલામતીથી કરવું જોઈએ.