ભારતમાં ૧૮૨ કે તેથી વધુ દિવસ રહેનારા એનઆરઈ લોકો પણ આધાર માટે આવેદન કરી શકે !
છેલ્લા ઘણા સમયથી લગભગ તમામ ક્ષેત્રે આધારને લિંક કરવા સરકારે કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે ટેકસ રીટર્ન ફાઈલ કરવામાં, પાન માટે અરજી કરવામાં અને એક કરતા વધુ નાણાકીય (આર્થિક) વ્યવહારો કરવામાં આધાર નંબર ફરજીયાત બની ગયો છે. આથી આધારકાર્ડને લઈ લોકોએ મુશ્કેલી સહન કરવાનો પણ વારો આવ્યો છે.
આવા સમયે લોકોમાં પણ ઘણી બધી પ્રકારની મુંઝવણો ઉભી થઈ છે. તેમાં પણ પ્રશ્ર્ન થાય છે કે, આધારકાર્ડને મેળવવા માટે કોણ સક્ષમ છે ? આધાર માટે કોણ અરજી કરી શકશે ? આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈન્કમ ટેકસ એકટમાં સેકશન ૧૩૧-એએ હેઠળ કાયદાઓમાં અમુક સંશોધનો અને ફેરફાર કર્યા હતા. જેમાં કહેવાયું હતું કે, ૧લી જુલાઈથી ઈનકમટેકસ રીટર્ન કરતી વખતે આધાર નંબર આપવો ફરજીયાત થશે. આ સાથે જ પાનકાર્ડ માટે અરજી કરતી વખતે પણ આધાર બતાવવું પડશે. આ ઉપરાંત કહેવાયું હતું કે, તમે ઈન્કમટેકસ રીટર્ન ફાઈલ ન કરતા હોય તો પણ જુના પાન સાથે આધાર લિંક કરવું ફરજીયાત જ ગણાશે.
તો આ મુંઝવણના સમયે પ્રશ્ર્નો ઉભા થાય છે કે ખરેખર કોણ આધાર માટે સક્ષમ છે ? શું બીન રહેવાસી ભારતીય (એનઆરઆઈ) લોકો અથવા વિદેશમાં રહેનારા ભારતીયો પણ ભારતમાં આધાર માટે અરજી કરી શકે ? કે આ સુધારા-વધારા માત્ર ભારતમાં રહેનારા લોકો માટે જ છે ?
આધાર એકટ-૨૦૧૬માં જણાવ્યા અનુસાર દરેક રહેવાસી નામાંકન પ્રક્રિયાના માધ્યમથી પોતાની ડેમોગ્રાફીક માહિતી અને બાયોમેટ્રિક જાણકારી રજૂ કરી આધારકાર્ડ પ્રાપ્ત કરી શકશે અને આધાર મેળવવા અરજી કરી શકશે. આ એકટમાં વધુ કહેવાયું છે કે, જે વ્યક્તિ એક વર્ષમાં ભારતમાં અમુક સમય માટે અથવા ૧૮૨ દિવસ અથવા તેના કરતા વધુ સમયથી ભારતમાં રહે છે તો તે દરેક નિયત તારીખ પહેલા આધાર મેળવવા આવેદન કરી શકે છે.
ટ્રાયલીગલના પાર્ટનર હિમાંશુ સિન્હાએ સામાન્ય શબ્દોમાં જણાવ્યું કે, જો તમે આધાર માટે અરજી કરી હોય તો તમારે અરજીની તારીખથી એક વર્ષ વિદેશમાં પાછું જવું પડે અને આકલન કરવું પડે કે તમે ભારતમાં ૧૮૨ દિવસ રોકાણ કર્યું છે કે કેમ ? ટૂંકમાં આધાર મેળવવા માટે ૩૬૫ દિવસમાંથી ૧૮૨ અથવા તેના કરતા વધુ દિવસો ભારતમાં રોકાણ જ‚રી છે. આનો મતલબ એ છે કોઈ ફર્ક પડતો નથી કે તમે ભારતીય છો કે વિદેશી. તમે ભારતમાં ૧૮૨ દિવસ રહ્યાં હોય તો તમે આધાર માટે અરજી કરી શકો છો.