જળ એ જ જીવન પાણી વિના જીવન જ શક્ય નથી. આથી જ પાણીને કુદરતી સંપદાનો દરજ્જો અપાયો છે. તેના પર કોઇનો હક્ક નથી પણ ત્રણ પ્રકારના વિશેષાધિકાર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ હક્ક પીવાનો, પછી બીજો હક્ક ખેતી માટે સિંચાઇનો અને ત્રીજો હક્ક ઘરેલુ જીવન જરૂરી જરૂરીયાતો અને પછી વધે તો પાણી પર ઉદ્યોગીક પ્રવૃતિનો હક્ક નિશ્ર્ચિત કરવામાં આવ્યો છે. પાણી પર કર ન હોય પણ વ્યવસ્થા માટે વેરો લેવાનો વ્યવહારૂં બનાવવામાં આવ્યું છે.
ગાંધીજીએ જીવન જરૂરી ચીજવસ્તુ એવી મીંઠા પર વેરો લગાવવાની ગૌરી હુકુમતની ભૂલને સત્યાગ્રહનું શસ્ત્ર બનાવીને ‘સબરસ’ના માધ્યમથી સમગ્ર દેશને એક કરીને આઝાદી મેળવી. પાણી પણ દરેકની જરૂરીયાત ગણવામાં આવે. પાણી કોઇની મિલકત નથી. પાણી વહેંચવા પર તંત્રનો પ્રતિબંધ હોય પણ વપરાશ પર ન હોય જો કે પાણીનો બગાડ ન થાય તે માટે અંકુશ જરૂરી છે. આથી જ પાણી પર ક્યાંય કર નથી. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા માત્ર વ્યવસ્થાનો વેરો લઇ શકે છે. જો કે પાણીનો બગાડ અને કુદરતી સંશાધનો એવા ભૂગર્ભ જળ ભંડાર ઉલેચાઇ ન જાય તે માટે નિયંત્રણો આવતાં રહે છે.
ભૂગર્ભ જળ ઉંડા ઉતરી ગયાં હોય ત્યાં ડાર્ક ઝોન જાહેર કરીને વિજ કનેક્શન પણ આપવામાં આવતા નથી અને મંજૂરીઓ માટે મોટી રકમ લેવાની જોગવાઇ કરવામાં આવે છે. પાણીને સુરક્ષિત રાખવાની અને જરૂર મુજબ ઉપયોગ થાય તેવી વ્યવસ્થા તંત્ર માટે આવશ્યક હોય છે. પાણીનો કુવો હોય તો તેના પર પીવાનું હક્ક પ્રથમ પાણી પીતા વધે તો ખેતી માટે વાપરી શકાય અને છેવટ જીવન જરૂરી પ્રવૃતિઓ અને છેલ્લે ઉદ્યોગ માટે વાપરવાની છૂટ મળી શકે. પાણીના યાંત્રિક પરિવહન અને પેકીંગ વિનિમય પર 18% જેટલો જીએસટી સૂચવવામાં આવ્યો છે.
પાણીના પરિવહન પર લેવાતાં આ કરને પાણી પરનું કર ન ગણી શકાય પરંતુ આ કરના માધ્યમથી ઉભા થતાં ભંડોળને જળસંચય, જળ સંવર્ધન અને ભૂગર્ભ જળની સ્થિતિ અને પર્યાવરણ સુધારણા માટે સરકારની યોજના વ્યાજબી ગણી શકાય. ભૂગર્ભ જળનો ઉપયોગ મર્યાદામાં રહે તેવી વ્યવસ્થા પણ જરૂરી છે. ભલે દુનિયામાં 1 ભાગની જમીન અને 3 ભાગનું પાણી હોય પરંતુ પીવા લાયક પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. વળી પાણી એક એવી કુદરતી સંપદા છે કે તે લેબોરેટરીમાં તૈયાર કરી શકાતું નથી.
પર્યાવરણમાં પાણીનું જૈવિકચક્ર અને રૂપ બદલાતું રહે છે. પરંતુ પાણીની વધઘટ થઇ શકતી નથી. ભૂગર્ભ જળ સંશાધન વરસાદના સંચય થકી જ બચાવી શકાય. પાણી પર કોઇનો હક્ક નથી પરંતુ અધિકાર દરેક જીવનો છે. માનવ, પ્રાણી, વનસ્પતિ અને પર્યાવરણના અસ્તિત્વ સાથે સીધો સંબંધ ધરાવતાં પાણીની કિંમત વસૂલી ન શકાય પરંતુ કુદરતી સંપદાના રક્ષણ માટે પાણીના અતિરેક ભર્યા ઉપયોગના નિયંત્રણ માટે કોઇપણ વ્યવસ્થાને આવશ્યક બની શકાય. પાણીના પરિવહન, પેકીંગ પરના જીએસટીને પ્રકૃતિ વિરોધી નહીં પરંતુ પ્રાકૃતિક સુરક્ષા માટેની વ્યવસ્થા ગણવી જોઇએ. પાણી કુદરતી સંપતિ છે તેનું જેટલું વિવેકપૂર્ણ ઉપયોગ કરશું તેટલું જીવસૃષ્ટિ માટે ફાયદા થશે તે ન ભૂલવું જોઇએ.