છેલ્લા એક અઠવાડિયાથી ગ્રામ્ય કક્ષાએ મહેસુલી કામગીરીને મોટી અસર: તલાટીના ઓનલાઈન હાજરી સહિતના પ્રશ્ર્નો અંગે સરકાર નમતુ જોખવાની તૈયારીમાં

પંચાયત સેવાના તલાટી કમ મંત્રીઓ ઓનલાઈન હાજરી સહિતના મુદે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. ગત ૨ ડિસેમ્બરથી તલાટીઓએ મહેસુલી કામગીરીનો બહિષ્કાર કરી દીધો છે. જેથી મહેસુલી કામગીરીમાં ભારે અસર જોવા મળી રહી છે. જેને ધ્યાને લઈને સરકાર કુણી પડી રહી હોવાનું જાણવા મળ્યું છે. ટુંક સમયમાં જ સરકાર મહામંડળ સાથે મંત્રણા કરશે તેવા અહેવાલો મળી રહ્યા છે. મંત્રણા બાદ તલાટીઓનાં તમામ પ્રશ્ર્નોનો સુખદ અંત આવે તેવી આશા સેવાઈ રહી છે.

સમગ્ર રાજયમાં માત્ર તલાટી કમ મંત્રીની એક જ કેડર માટે ઈ-તાસની અમલવારીનો નિણૅય કરવામાં આવ્યો છે. ત્યારે રાજયનાં અંતરીયાળ વિસ્તાર તથા ડુંગરાળ પ્રદેશનાં ઘણા જીલ્લાઓમાં નેટવર્ક સિસ્ટમ પકડાતી નથી.

આવા વિસ્તારમાં ઈ-તાસ તેમજ કોમ્પ્યુટર એપ્લીકેશનનો અમલ થઈ શકે તેમ ન હોવાથી તલાટી કમ મંત્રીઓ હાજરી પુરી શકે તેમ નથી. વધુમાં રેવન્યુ તલાટી મર્જ કરવા, ૨૦૦૪ની ભરતીવાળા તલાટીની નોકરી સળંગ ગણવી, તલાટી મંત્રીને વિસ્તરણ અધિકારી સહકાર તથા આંકડામાં પ્રમોશન આપવું તે સહિતના પડતર પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે ગુજરાત રાજય તલાટી મહામંડળે તા.૨ ડિસેમ્બરથી મહેસુલી કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનું એલાન આપ્યું હતુ જેના પગલે ત્યારથી ગ્રામ્ય કક્ષાએ મહેસુલી કામગીરીને મોટી અસર પહોચી છે.

7537d2f3 7

આંદોલન અંગે ગુજરાત રાજય તલાટી મહામંડળના પ્રમુખ ભરતભાઈ આહિરે જણાવ્યું હતુ કે વ્યાજબી માંગણી સાથે રાજયભરનાં પંચાયત સેવાના તલાટી કમ મંત્રીઓએ આંદોલન શરૂ કર્યું છે.

સરકાર આ આંદોલન સામે હકારાત્મક વલણ દાખવી રહ્યું છે. ટુંક સમયમાં મંત્રણા માટે આમંત્રણ મોકલવાની તૈયારી છે. આ મંત્રણામાં તલાટી કમમંત્રીઓનાં પ્રશ્ર્નોના ઉકેલ આવે તેવી આશા છે.

ખેડૂતોની હાલત કફોડી, કૃષિ રાહત પેકેજ માટે અરજી કયાં કરવી તે મોટો પ્રશ્ર્ન

તલાટી કમ મંત્રીઓએ મહેસુલી સહિતની વધારાની કામગીરીનો બહિષ્કાર કર્યો છે. જેના કારણે સૌથી વધુ મુશ્કેલી ખેડુતોને પડી રહી છે. અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે પાકને થયેલા નુકશાન માટે સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ રાહત પેકેજનો લાભ લેવા ખેડુતોએ ઓનલાઈન અરજી કરવાની રહે છષ. આ ઓનલાઈન અરજી ખેડુતો ગ્રામ પંચાયતમાંથી જ કરી શકતા હોય પરંતુ તલાટીઓએ મહેસુલી સહિતની વધારાની કામગીરીનો બહિષ્કાર કરી દીધો છે. માટે ખેડુતોની હાલત કફોડી બની ગઈ છે. તલાટી કમ મંત્રીઓનાં આંદોલનનો અંત આવે તેની ખેડુતો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

કર્મચારીઓનાં ૪ સંગઠનો આંદોલન ઉપર: સરકારી કામો ટલ્લે ચડયા

રાજયભરમાં કર્મચારીઓનાં ૪ વિવિધ સંગઠ્ઠનો આંદોલનના માર્ગે હોવાથી સરકારી કામો ટલ્લે ચડી રહ્યા છે. હાલ ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મંડળ અચોકકસ મુદતની હડતાલનું એલાન કર્યું છે. જેથી નાયબ મામલતદારો અને કલાર્કોની સજજડ હડતાલ છે. જયારે ગુજરાત રાજય તલાટી મહામંડળે મહેસુલી સહિતની વધારાની કામગીરીનો બહિષ્કાર કરી દીધો છે. સાથે પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓએ પણ વધારાની કામગીરી તેમજ રીપોટીંગ બંધ કરી દીધું છે. આમ ત્રણ સંગઠ્ઠનોએ પોતાની પડતર માંગણીને લઈને સરકાર સામે સીધી બાયો ચઢાવી છે.જયારે ગુજરાત રાજય કર્મચારી મંડળે પડતર પ્રશ્ર્ને વિરોધ દર્શક કાર્યક્રમો આપવાની જાહેરાત કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.