ખેડાવાલા અને આરોગ્ય તંત્રની બેદરકારીના કારણે મુખ્યમંત્રી સહિતના રાજયના ઉચ્ચ કક્ષાના પદાધિકારી- અધિકારીઓ પર કોરોનાનું જોખમ ઉભું થયું
કોરોના વાયરસને ફેલાતો રોકવા સરકારના લોકડાઉન સહિતના અગમચેતીનાં અનેક પ્રયાસો છતા બે-ખૌફ લોકોની બેદરકારીના કારણે દેશભરમા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના ગીચ ગણાતા કોટ વિસ્તારમાં પણ સંક્રમિત દર્દીઓનાં સંપર્કમા આવવાન કારણે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કહેરનો છેડો ખાડિયા-જમાલપુરનાં કોંગ્રેસી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સુધી પહોચતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગઈકાલે રીપોર્ટ પોઝીટીવ આવ્યા તે પહેલા ખેડાવાળાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, રાજય પોલીસ વડા સહિતના ઉચ્ચ પદાધિકારી, અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેથી રાજયનાં રાજકીય વર્તુળોમાં ઈમરાન ખેડાવાળા કોને-કોને અડી ગયા તે ચર્ચાનો મુદો બની જવા પામ્યો છે.
અમદાવાદના ગીચ ગણાતા જૂના કોટ વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વિસ્તારોમાં લોકો લોકડાઉન દરમ્યાન પણ કોરોનાથી બચવા જરૂરી એવા સોશ્યલ ડીર્સ્ટન રાખવા ન હોય કોરોના પોજીટીવ લોકોના સંપર્કમાંથી આવવાથી કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી રાજય સરકારે ગઈકાલે જયાંથી કોરોના વાયરસના કેસો આવે છે તે કોટ વિસ્તારોમાં આજ સવારથી કર્ફયું લાદવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયના અમલ પૂર્વે આ વિસ્તારોનાં ત્રણેય કોંગ્રેસી ધારાસભ્યો વિશ્ર્વાસમાં લેવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમની સાથે ગાંધીનગર સચિવાલયમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં છેલ્લા થોડા દિવસોથી તાવ, ગળામાં દુ:ખાવાની તકલીફથી પીડાવવાના કારણે કોરોનાના ટેસ્ટ કરાવનારા ખાડિયા-જમાલપૂરના કોંગ્રેસી ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા પણ પહોચ્યા હતા.
ઈમરાન ખેડાવાલાએ આ બેઠકમાં ભાગ લીધા બાદ રાજય પોલીસ વડા શિવાનંદ ઝા, આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ સહિતના વરિષ્ટ અધિકારીઓએ સાથે મુલાકાત કરીને પત્રકારોને પણ સંબોધ્યા હતા. જે બાદ સાંજે ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામી હતી. ખેડાવાલાને તુરંત અમદાવાદની એસ.વી.પી. હોસ્પિટલના કોરોના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા. જો કે ખેડાવાલા ગઈકાલે સવારે કોને કોને અડી ગયાની ચર્ચાએ જોર પકડયું હતુ આ કિસ્સામાં ઈમરાન ખેડાવાલાની બેદરકાર બહાર આવવા પામી છે. તેઓ કોરોના જેવા લક્ષણોથી પીડાતા હોવા છતાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથેની બેઠકમાં હાજર રહીને તમામને જોખમમાં મૂકયા હતા.
ઉપરાંત સચિવાલય અને મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સુરક્ષામાં છીંડા હોવાનું પણ બહાર આવવા પામ્યું છે. રાજયભરમાં ઠેર ઠેર થર્મલ ગન લઈને આવતા જતાક લોકોનું ટેમ્પેરેચર માપતા આરોગ્ય તંત્રને મુખ્યમંત્રી કાર્યાલય અને નિવાસ સ્થાને આવી વ્યવસ્થા કરવાનો કેમ વિચાર ન આવ્યો ?
તે યક્ષ પ્રશ્ર્ન ઉભો થવા પામ્યો છે આવી તકેદારીના અભાવે કોઈ કોરોના પોઝીટીવવાળા દર્દી મુખ્યમંત્રી કે ઉચ્ચ પદાધિકારીને મળીને તેમને સ્પર્શીને તેમને જોખમમાં મૂકી શકે છે કે હાલમાં ઈમરાન ખેડાવાલાની અને આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીના કારણે રાજયના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહ રાજય મંત્રી રાજય પોલીસ વડા, આરોગ્ય અગ્રસચિવ, ધારાસભ્યો, પત્રકારો સહિતના અનેક લોકો પર કોરોનાનું જોખમ ઉભુ થવા પામ્યું છે.