- રાષ્ટ્રીય મહામંત્રી રાધામોહન અગ્રવાલની ઉપસ્થિતિમાં ‘કમલમ્’ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કાર્યશાળા
- મંડલ પ્રમુખની પસંદગી માટે આકરા નિયમો સામે રાજ્યભરમાં વિરોધ વંટોળ ઉઠ્યો હોય જિલ્લા-મહાનગરોના પ્રમુખ માટે ક્રાઇટેરિયા “હળવો” રખાશે
ભાજપ દ્વારા હાલ સંગઠન રચનાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યભરમાં મંડલ પ્રમુખોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. આ વખતે સંગઠનમાં હોદ્ા આપવા માટે કેટલાક નીતિ નિયમો બનાવવામાં આવ્યા હતા. જેની સામે કાર્યકરોમાં વિરોધ વંટોળ ઉઠ્યો હતો. દરમિયાન રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરો માટે અધ્યક્ષની નિયુક્તી કરવા માટે ગાઇડલાઇન જાહેર કરવા આજે કમલમ્ ખાતે ભાજપની કાર્યશાળા યોજાશે. જેમાં પ્રમુખની પસંદગી માટેના નિયમો અને ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખોનું એલાન કરવામાં આવશે.
સંભવત: આવતા સપ્તાહે ફોર્મ ભરવાની કામગીરી હાથ પર લેવામાં આવશે. મંડલ પ્રમુખ માટેના નિયમોના કારણે રાજ્યભરમાં વિરોધ વંટોળ ફાટી નિકળ્યો હતો. જેને ધ્યાનમાં રાખી જિલ્લા અને મહાનગરના પ્રમુખ માટેના નિયમો પ્રમાણમાં થોડી હળવા રાખવામાં આવશે.
આજે સવારે 11 કલાકે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય “કમલમ્” ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રાધામોહન અગ્રવાલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ભાજપની કાર્યશાળા બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપના ચૂંટણી અધિકારી અને રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ ઉપરાંત તમામ જિલ્લા અને મહાનગરો માટે પ્રદેશ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ચૂંટણી અધિકારી સહચૂંટણી અધિકારી ઉપરાંત સ્થાનિક બે ચૂંટણી સહ અધિકારી, જિલ્લા અને મહાનગરોના વર્તમાન પ્રમુખ પણ હાજર રહ્યા હતા.
જિલ્લા અને મહાનગરોના પ્રમુખ માટે એક નિયમ અગાઉ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં 60 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા આગેવાનને જ પ્રમુખ બનાવવામાં આવશે. જેઓ સતત બે ટર્મથી ભાજપના સક્રિય સભ્ય હોવા જોઇએ. મંડલ પ્રમુખોની નિયુક્તીમાં એવો નિયમ રાખવામાં આવ્યો હતો કે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ મંડલના પ્રમુખ બની શકશે નહી. સંગઠનમાં હશે તેને સત્તામાં સામેલ કરવામાં આવશે નહીં. આવા નિયમોના કારણે રાજ્યભરમાં કાર્યકરોમાં નારાજગી વ્યાપી જવા પામી હતી. જેના કારણે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંગઠન રચનાની કામગીરી તાત્કાલીક અસરથી સ્થગીત કરી દેવામાં આવી હતી. છેલ્લા ચારેક દિવસથી પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા ક્રમશ: રાજ્યના અલગ-અલગ જિલ્લા અને મહાનગરોના મંડલના પ્રમુખના નામોની ઘોષણા કરવામાં આવી રહી છે.
આજે સવારથી ભાજપ કાર્યાલય ખાતે ચાલી રહેલી પક્ષની કાર્યશાળા પર રાજ્યભરના કાર્યકરો અને પક્ષના વરિષ્ઠ આગેવાનોની નજર ટકેલી છે. આજે ગમે ત્યારે પક્ષ દ્વારા જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની પસંદગી કરવા માટેની ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે.
કર્ણાવતી મહાનગરના 40 વોર્ડના પ્રમુખના નામ જાહેર
પ્રદેશ ભાજપ દ્વારા શુક્રવારે મોડી સાંજે કર્ણાવતિ મહાનગરના 40 વોર્ડના પ્રમુખના નામની ઘોષણા કરવામાં આવી છે. બબ્બે મુખ્યમંત્રીના પી.એ. તરીકે ફરજ અદા કરી ચૂકેલા ધ્રુમીલ પટેલને ધાટલોડિયા વોર્ડના પ્રમુખ બનાવવામાં આવ્યા,
વોર્ડ નંબર નામ ગોતા વોર્ડના પ્રમુખપદે ભાર્ગવભાઇ વ્યાસ, ચાંદખેડામાં કેતનભાઇ દેસાઇ, રાણીપમાં સચિનભાઇ પટેલ, નવા વાડજમાં વિરાટભાઇ પુરોહિત, ઘાટલોડિયામાં ધ્રુમીલકુમાર પટેલ, થલતેજમાં રોનકભાઇ પટેલ, નારણપુરામાં ચિંતનભાઇ શાહ, સરદારનગરમાં મનિષ સાધનાણી, નરોડામાં કિરણભાઇ રાવલ, સૈજપુર બોઘામાં રાકેશભાઇ ખાચર, કુબેરનગરમાં રામપ્યારે ઠાકુર, અસારવામાં ગીરીશકુમાર વણઝારા, શાહીબાગમાં મનભાવન જૈન, શાહપુરમાં હિતેન્દ્રભાઇ પરમાર, નવરંગપુરમાં હેમંતભાઇ કાબરા, બોડકદેવમાં હાદિર્કભાઇ પરમાર અને જોધપુરમાં વોર્ડમાં ભાગ્યેશભાઇ પટેલની પ્રમુખ તરીકે નિયુકિત કરવામાં આવી છે. જયારે ઠકકરબાપાનગર વોર્ડના પ્રમુખ પદે રજનીકાંત રાદડીયા, નિકોલમાં પ્રવિણભાઇ પટેલ, વિરાટનગરમાં ધર્મેશભાઇ ગવેરીયા, બાપુનગરમાં અશોકકુમાર પરમાર, સરસપુર રખિયાલમાં હરેશ દેસાઇ, જમાલપુરમાં રવિ ચુડાસમા, પાલડીમાં મંત્ર કંસારા, વાસણામાં સાજન શાહ, મકતમપુરામાં દિગ્વિજયસિંહ ચુડાસમા, બહેરામપુરામાં ભાવિક પરમાર, દાણીલીમડામાં ભૌમિક સોખડીયા, મણીનગરમાં વિરાજ પટેલ, ગોમતીપુરમાં નરેશકુમાર રાઠોડ, અમરાઇવાડીમાં જ્ઞાનેન્દ્ર મિશ્રા, ઓઢવમાં વિપુલભાઇ પ્રજાપતિ, વસ્ત્રાલમાં પ્રદીપકુમાર પટેલ, ઇન્દ્રપુરીમાં કેવલ પટેલ, ભાઇપુરા હાટકેશ્ર્વરમાં ભાવેશભાઇ પટેલ, ખોખરામાં ચિરાગભાઇ શેટે, ઇસનપુરમાં દર્શિત દેસાઇ, લાંભામાં હિતેશભાઇ બસીટા, વટવામાં પ્રતિકકુમાર પટેલ અને રામોલ હાથીજણ વોર્ડના પ્રમુખ તરીકે હિતેશભાઇ ભરવાડની વરણી કરામાં આવી છે.