- આતંકીઓને પનાહ આપવાથી માંડી ટાર્ગેટ સુધી પહોંચાડવાની ભૂમિકા ભજવનાર ઘરના ઘાતકીઓને ઝડપી પાડવા તપાસ એજન્સી કામે લાગી
- ગુજરાતમાં 26/11 જેવા હુમલાની દહેશત
અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકાના વતની અને આઈએસ આતંકી સંગઠન સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આતંકીઓને એરપોર્ટ પર પહોંચ્યા બાદ ટાર્ગેટ અંગે જાણ થવાની હતી અને ત્યારબાદ તેઓ કાવતરું ઘડી સુસાઇડ બોમ્બર બનીને હુમલો કરવાની ફિરાકમાં હતા દરમિયાન એટીએસએ એરપોર્ટ પરથી જ આતંકીઓને ઝડપી લેતા રાજ્યમાં 26/11 જેવો હુમલો થતાં સહેજથી અટક્યો છે. મહત્વપૂર્ણ બાબત છે કે, આતંકવાદીઓને ચિલોડાથી હથિયાર મળવાના હતા જ્યાં અગાઉથી જ પથ્થરની નીચે હથિયાર છુપાવીને રાખવામાં આવ્યા હતા જે એટીએસની ટીમે કબ્જે કરી લીધા છે. આતંકીઓને જો એરપોર્ટ પરથી જ ઝડપી લેવાયા તો પછી ચિલોડા ખાતે હથિયાર મુકનાર કોણ? આતંકીઓને પનાહ કોણ આપનાર હતું? ટાર્ગેટ સુધી પહોંચાડવામાં મદદ કોણ કરનાર હતું? આ તમામ બાબતોમાં સ્થાનિક ગદ્દારોની સંડોવણી હોવાની પ્રબળ શક્યતા છે. ઉપરાંત ઝડપાયેલા હથિયારો પાકિસ્તાનમાં બનેલા હોય તેવું ખુલવા પામ્યું છે તો પછી પાકિસ્તાની હથિયાર ગુજરાતમાં કેવી રીતે પહોંચ્યા? આ તમામ ભેદ ઉકેલવા તપાસ એજન્સી કામે લાગી છે.
ગુજરાત એટીએસ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર ગત તા. 18-05 ના રોજ ગુજરાત એટીએસઅન ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ગુપ્ત બાતમી મળેલ હતી કે, ચાર વ્યક્તિઓ જે જેમના નામ મોહંમદ નુસરથ, મોહંમદ નફરાન, મોહંમદ ફારીશ અને મોહંમદ રસદીન કે જેઓ શ્રીલંકાના નાગરિકો અને રહેવાસીઓ છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ’ઇસ્લામિક સ્ટેટ’(આઈએસ)ના સક્રિય સભ્યો છે તેઓ અમદાવાદ આવી રહ્યા છે અને અહીંયા આવીને કોઈક મોટા આતંકવાદી કૃત્યને અંજામ આપવાનું કાવતરું ઘડી રહ્યા છે. આતંકવાદીઓ 18 અથવા 19 મેના રોજ હવાઈ અથવા ટ્રેન મારફત અમદાવાદ આવવાના હોય તેવી બાતમી મળી હતી.
બાતમી મળતાની સાથે જ ગુજરાત એટીએસની ટીમો દ્વારા ફ્લાઇટ્સ તથા ટ્રેનના બુકીંગ મેનીફેસ્ટો અંગેની માહિતી એકત્રિત કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન શ્રીલંકાના ચાટ નાગરિકોની ટિકિટ એક જ પીએનઆર પર બુક કરવામાં આવેલ છે તેવું ખુલવા પામ્યુ હતું. જે અંગે ઊંડી તપાસ શરૂ કરાતા આ શખ્સો 19 મેના રોજ સવારે કોલંબોથી ચેન્નઈ એરપોર્ટ અને ત્યાંથી ઈન્ડિગો ફ્લાઇટ નંબર 6ઊ 848માં અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડ થવાના હોય તેવહ ખુલતાની સાથે જ એટીએસના એસપી કે સિદ્ધાર્થ, કે કે પટેલ અને નાયબ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય અને એસ એલ ચૌધરીના નેતૃત્વ હેઠળની ટીમો અમદાવાદ એરપોર્ટ પર સાદા પહેરવેશમાં ડિપ્લોય થયાં હતા. દરમિયાન ચારેય શખ્સો એરપોર્ટ પર લેન્ડ થતાં ઝડપી લેવાયા હતા.
આ ચારેય શખ્સો હિન્દી કે અંગ્રેજી ભાષા બરાબર જાણતા ન હોય તમિલ ભાષાના જાણકાર મારફ્તે આ ઈસમોની પૂછપરછ કરતા તેમણે પોતાના પુરા નામ જાહેર કરતા મોહંમદ નુસરથ અહેમદ ગની (ઉ.વ.33) રહે, 27/17, રહમાનાબાદ, પેરીયમોલ, નીગંબુ, શ્રીલંકા, મોહમ્મદ નફરાન નૌફેર(ઉ.વ.27) રહે 203/17, લિયાર્ડ્સ, બ્રોડ વે, કોલંબો-14, શ્રીલંકા, મોહમ્મદ ફારીસ મોહમ્મદ ફારૂક(ઉ.વ.35) રહે 415/29, જુમ્મા મસ્જિદ રોડ, માલિકાવત, કોલંબો, શ્રીલંકા અને મોહમ્મદ રસદીન અબ્દુલ રહીમ(ઉ.વ.43) રહે 36/20, ગુલફન્ડા સ્ટ્રીટ, કોલંબો-13, શ્રીલંકાવાળા તરીકે ઓળખ થઇ હતી.
આતંકી મોહમ્મદ નુસરથ પાસેથી મળી આવેલ મોબાઈલમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઈએસસાથે જોડાવવા હીજરા કરવા આઈએસ હેન્ડલર અબુ બકર બગદાદીય ઉશ્કેર્યા હોય અને ભાજપ, આરએસએસ, યહૂદી અને ખ્રિસ્તી આગેવાનોને ટાર્ગેટ કરવાના પુરાવાઓ મળી આવ્યા હતા. આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રોટોન ડ્રાઇવમાંથી 5 ફોટોગ્રાફ મળી આવ્યા હતા. જે પૈકી એક ફોટોગ્રાફ પાણીની કેનાલ, બીજો મોટા પથ્થરની નીચે બખોળમાં ગુલાબી કલરના પાર્સલના રાખેલ કોઈ વસ્તુ, ત્રીજું બ્રાઉન સેલોટેપ વિંટાળેલ ગુલાબી કલરનું પાર્સલ, ચોથું ઝંડાના ગોળ સર્કલમાં અરબી ભાષામાં લખાણ આંઉં આજુબાજુમાં ગોઠવેલ ત્રણ પિસ્ટલ આકારના પાર્સલ તેમજ ત્રણ પિસ્ટલ તથા ત્રણ લોડેડ મેગઝીનના ફોટો મળી આવ્યા હતા.
આતંકવાદીઓ દ્વારા ઉપયોગના લેવાતા પ્રોટોન મેઈલમાં એક સેલ્ફ ઇમેઇલ મળી આવતા તેની તપાસ કરતા આઈએસ હેન્ડલર અબુ બકર બગદાદીએ જણાવ્યું હતું કે, હથિયારોના ફોટા અને તે કંઈ જગ્યાએ છુપાવેલ છે તે જગ્યાનું લોકેશન પ્રોટોન ડ્રાઇવ અને પ્રોટોન મેઈલ ઉપર શેર કરવામાં આવેલ છે. જે જગ્યાએથી હથિયાર મેળવી લેશો અને ત્યારબાદ આ હથિયારોનો ઉપયોગ ક્યાં કરવાનો છે તેની જાણ કરવામાં આવશે.
પ્રોટોન મેઈલમાં મળી આવેલા લોકેશન પર સર્ચ કરતા હથિયારો મળી આવ્યા
પ્રોટોન મેઈલ પરથી મળી આવેલી માહિતીને આધારે આ લોકેશન ચિલોડાનું હોવાનું ખુલ્યું હતું. જ્યાં નદી કિનારે પથ્થરની ખાણ પાસેથી એટીએસની ટીમને સર્ચ ઑપરેશન દરમિયાન ગુલાબી કલરના પાર્સલમાંથી 3 પિસ્ટલ અને એક કાળા કલરનો ફ્લેગ મળી આવેલ હતો. ત્રણેય પિસ્ટલ ઉપર સ્ટારનું ચિહ્નન હતું અને બેક ટ્રેકિંગ થઇ ન શકે તે હેતુથી ત્રણેય પિસ્ટલ પરથી સિરિયલ નંબર ભૂંસી નખાયેલ હતા. આ ત્રણેય પિસ્ટલમાં એટેચ મેગેઝીનમાં 7-7 રાઉન્ડ તથા 1 પિસ્ટલની મેગેઝીનમાં 6 રાઉન્ડ એમ કુલ 20 રાઉન્ડ કાર્ટિસ રિકવર કરવામાં આવેલ હતું. આ તમામ કાર્ટિસ પર ’ઋઅઝઅ’ લખેલ હતું જેનો અર્થ ’ફેડરલી એડમિનિસ્ટર્ડ ટ્રાયબલ એરિયા’ થાય છે એટલે કે આ કાર્ટિસ પાકિસ્તાનના આદિવાળી વિસ્તારમાં બનાવવામાં આવ્યાનું સામે આવ્યું હતું. સર્ચ દરમિયાન મળી આવેલ ફ્લેગ ઇસ્લામિક સ્ટેટનું હોવાનું ખુલ્યું હતું.
ચારેય આતંકીઓ મૂળ પ્રતિબંધિત શ્રીલંકન આંતકવાદી સંગઠન એનટીજેના સભ્યો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા ચારેય આતંકીઓ મૂળ શ્રીલંકામાં સક્રિય આંતકવાદી સંગઠન રેડિકલ મિલીટન્ટ આઉટફિટ નેશનલ તૌહીથ જમાત (એનટીજે)ના સભ્યો છે જેને શ્રીલંકન સરકાર દ્વારા ઇસ્ટર બોમ્બિંગ ઘટના જે એપ્રિલ 2019માં બની હતી ત્યારબાદ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું હતું. આ ચારેય આતંકી આઈએસ હેન્ડલર અબુ બકર બગદાદીના અનુયાયીઓ છે અને અબુએ જ આ સમગ્ર હુમલો કરવા માટે 4 લાખ શ્રીલંકન કરન્સી આપ્યાનું જાહેર થયું છે.
ઝડપાયેલા આંતકીઓની મોડેસ ઓપરેન્ડી 26/11ના હુમલા જેવી જ!!’
ઝડપાયેલા આતંકીઓની મોડાસ ઓપરેન્ડીની જો વાત કરવામાં આવે તો 26/11 હુમલામાં જે રીતે આતંકીઓ આવ્યા તે પૂર્વે જ દારૂ-ગોળાનો જથ્થો પોરબંદરના દરિયામાંથી મુંબઈ પહોંચાડી દેવામાં આવ્યો હતો તેવી જ છે. ચારેય આતંકીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા તે પૂર્વે જ હથિયારનો જથ્થો ચિલોડા ખાતે સંતાડી દેવામાં આવ્યો હતો. ઉપરાંત 26/11 હુમલાની જેમ જ આ આતંકીઓ જેહાદ કરવા આવ્યા હતા. આતંકીઓ સુસાઇડ બોમ્બર બનીને હુમલો કરવાની ફિરાકમાં હતા.
આતંકીઓને મદદ કરનાર ઘરના ઘાતકીઓ કોણ?
આતંકીઓને પ્રોટોન મેઈલના મળેલા હથિયારોના ફોટા જે મૂળ રૂપે ચિલોડા ખાતે સંતાડી દેવામાં આવ્યા હતા. જે હથિયારો એટીએસ દ્વારા કબ્જે કરવામાં આવ્યા છે તે હથિયારો ત્યાં સુધી પહોંચ્યા કેવી રીતે? અહીંયા હથિયારો સંતાડનાર કોણ? કાર્ટિસ પરથી જાણવા મળ્યું છે કે, આ કાર્ટિસનું ઉત્પાદન પાકિસ્તાનમાં થયું હતું તો પછી આ કાર્ટિસ છેક પાકિસ્તાનથી ચિલોડા કેવી રીતે પહોંચ્યા? આ તમામ બાબતોના ઘરના ઘાતકીઓની સંડોવણી હોવાની પ્રબળ શક્યતા છે ત્યારે હવે આ ઘરના ઘાતકી સમાન ગદ્દારોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.