ભારત અને અન્ય દેશોને ગુજરાત મોડલ અપનાવવા વિશ્વ આરોગ્ય સંસ્થાનું આહવાન
વૈશ્ર્વિક મહામારી કોરોના સામે વિશ્વ આખુ લડી રહ્યું છે ત્યારે અનેકવિધ દેશો અને અનેકવિધ રાજયો સૌથી સરાહનીય કામગીરી કરી રહ્યા છે ત્યારે કોરોના સામેની લડાઈમાં ગુજરાત દ્વારા જે પગલાઓ લેવામાં આવ્યા છે તેની સરાહના ડબલ્યુએચઓ દ્વારા કરવામાં આવી છે. ડબલ્યુએચઓના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા જે વિકાસલક્ષી પગલાઓ લેવામાં આવ્યા છે તેનાથી ગુજરાતની સ્થિતિમાં અનેકગણો સુધારો જોવા મળ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓએ વેબીનાર યોજી ગુજરાત દ્વારા કરવામાં આવેલા વિકાસલક્ષી પગલાઓ અંગે માહિતી પણ પ્રાપ્ત કરી હતી જે અંગેની માહિતી હેલ્થ વિભાગનાં પ્રિન્સીપાલ સેક્રેટરી જયંતી રવિએ આપી છે.
ડબલ્યુએચઓનાં ૨૦ તજજ્ઞો કે જે જીનેવા અને ભારતથી વેબીનારમાં જોડાયેલા છે તેઓએ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ અંગે માહિતી એકત્રિત કરી હતી અને કયાં પ્રકારની નવી યોજનાઓ બનાવવામાં આવી છે તે અંગેની માહિતી પણ પ્રાપ્ત કરી હતી. વેબીનારનાં અંતમાં ડબલ્યુએચઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજય ભારત અને અન્ય દેશો માટે રોલ મોડેલ બની શકે છે અને અન્ય દેશોને આહવાન કરતા વિશ્ર્વ આરોગ્ય સંસ્થાનાં અધિકારીઓએ ગુજરાત મોડેલ અપનાવવા માટેનું આહવાન કર્યું હતું. હેલ્થ વિભાગનાં પ્રિન્સીપલ સેક્રેટરી જયંતી રવિએ પ્રેઝન્ટેશનમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં હાલ ૫૦૦૦ ટીમો બનાવવામાં આવી છે કે જે ધન્વંતરી રથ મારફતે લોકોની કોવિડ ટેસ્ટ અને હેલ્થ ચેકઅપ કરાવતું હોય છે.
આરોગ્યના મુખ્ય સચિવની માહિતી મુજબ દિન-પ્રતિદિન ગુજરાત રાજયમાં કોરોના ટેસ્ટીંગ વધારવામાં આવ્યા છે જયારે ૧૯ ઓગસ્ટના રોજ રેકોર્ડબ્રેક ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત રાજયએ ૬૩ હજાર કેસોની તપાસ કરી હતી. જયંતી રવિના જણાવ્યા મુજબ ગુજરાત રાજયનો રીકવરી રેટ ૭૯ ટકાએ પહોંચ્યો છે ત્યારે સમગ્ર રાજયમાં કોરોના દર્દીઓની સારવાર માટે ૫૧ હજાર બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ડબલ્યુએચઓનાં જણાવ્યા મુજબ અન્ય દેશોએ પણ ગુજરાત દ્વારા અપનાવવામાં આવેલી સર્વેલન્સ સિસ્ટમને અપનાવવી જોઈએ. બીજી તરફ રાજયમાં કોરોના દર્દીઓમાં જાગૃતતાનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે જેના કારણોસર દેશમાં રીકવરી રેટ અનેકઅંશે વઘ્યો છે.