સૌરાષ્ટ્રની ભૂમિ સંત અને શુરવીરની ગણવામાં આવે છે. તેમ સૌરાષ્ટ્રમાં સાવ સામાન્ય બાબતે હત્યા અને મારામારી થતી હોય છે. ‘હું કોણ?, મને ઓળખે છે?’ તેવા ઇગો સાથે ફરતા શખ્સો બાઇક અથડાવવા કે સામું જોવા જેવી નજીવી બાબતે હત્યા કરતા ખચકાતા નથી. સૌરાષ્ટ્રની તાસીર મુજબ મારી ઘરે કેમ ઉઘરાણી કરવા આવ્યો તેમ કહી અહંમ ઘવાતા બે શખ્સોએ કારખાનેદાર યુવાનને માર મારી ચાલુ કારે ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દીધાનું પોલીસમાં નોંધાયું છે. આજી ડેમ પોલીસે બંને શખ્સોની અટકાયત કરી તપાસ હાથધરી છે.
મવડી નજીક આવેલા રોયલ પાર્કમાં રહેતા અને વાવડી ખાતે સબ મશીબલ પંપના સ્પેર પાર્ટ બનાવવાનું કારખાનું ધરાવતા કિશોરભાઇ ભીખાભાઇ સાવલીયા નામના પટેલ યુવાનની બે દિવસ પહેલાં ભાવનગર હાઇ-વે પરથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. આજી ડેમ પોલીસે કિશોરભાઇ સાવલીયાની હત્યા કરી લાશને ફેંકી દીધાની શંકા સાથે શરૂ કરેલી તપાસ દરમિયાન માંડા ડુંગર પાસે રહેતા કાનો ઉર્ફે કાનદાસ ભીખુ રાણીંગરીયા નામના બાવાજી શખ્સ અને રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટીમાં રહેતા દેવેન્દ્ર ઉર્ફે દેવો પિતાંબર નામના સિંધી શખ્સની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે બને શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.
રૂા.20 હજારની ઉઘરાણી કરતા બંને મિત્રોએ પટેલ યુવાનને દીધો: બે શખ્સો સામે નોંધાતો ગુનો
કાના બાવાજીની પત્ની નિશિતા વાવડી ખાતે કિશોરભાઇના કારખાનેથી જોબ વર્કનું કામ ઘરે લાવીને કરતી હોવાથી કાનો બાવાજી પરિચયમાં આવ્યો હતો. કાના બાવાજીને કિશોરભાઇ સાવલીયાએ રૂા.20 હજાર ઉછીના આપ્યા હતા તે અવાર નવાર માગવા છતાં પરત આપતો ન હોવાથી ઉઘરાણી કરવા કિશોરભાઇ સાવલીયા તેના ઘરે જતા કાના બાવાજીને સારૂ ન લાગતા સોમનાથ સોસાયટીમાં રહેતા પોતાના મિત્ર દેવો ઉર્ફે દેવેન્દ્ર સિંધી સાથે મળી કિશોરભાઇ સાવલીયાને માર મારવાનો પ્લાન બનાવી ભાવનગર રોડ પર ખોડીયાર હોટલે કિશોરભાઇ સાવલીયાને બોલાવ્યા હતા.
કિશોરભાઇ સાવલીયા ખોડીયાર હોટલે ગયા ત્યારે કાનો બાવાજી અને દેવો સિંધી ગાળો દઇ માર મારતા હોવાથી હોટલ માલિકે દુર જઇ ઝઘડો કરવા અને ગાળો બોલવાનું કહેતા ત્રણેય અર્ટિકા કારમાં બેસી ઝઘડો કરતા હતા તે દરમિયાન દેવા સિંધીએ કાર ચાલુ કરી ભાવનગર તરફ જતા રહ્યા હતા અને કાના બાવાજીએ ચાલુ કારે કિશોરભાઇ સાવલીયાને ધક્કો મારી ફેંકી દીધાનું બહાર આવતા આજી ડેમ પી.આઇ. ચાવડા, પી.એસ.આઇ. વાળા અને રાઇટર જાવિદભાઇ રીઝવી સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.