• કેન્દ્ર સરકારે નિકાસને લઈને આપી રાહત :  2000 મેટ્રિક ટન સુધીનો જથ્થો બાગાયત કમિશનરનું પ્રમાણ પત્ર મેળવીને નિકાસ કરી શકાશે

કેન્દ્ર સરકારે સફેદ ડુંગળીની નિકાસને લઈને રાહત જાહેર કરી છે. જેમાં કંડલા, પીપાવાવ અને ન્હાવા શેવા પોર્ટ ઉપરથી ડુંગળીની નિકાસને છૂટ આપવામાં આવી છે. વધુમાં 2000 મેટ્રિક ટન સુધીનો જથ્થો બાગાયત કમિશનરનું પ્રમાણ પત્ર મેળવીને નિકાસ કરી શકાશે.

ભારત સરકાર દ્વારા સફેદ ડુંગળી પર નિકાસ પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો છે.  સરકારે દેશના ત્રણ બંદરો પરથી સફેદ ડુંગળીના વિદેશી શિપમેન્ટને મંજૂરી આપી છે. ડીજીએફટીએ જાહેરનામું બહાર પાડ્યું છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે સફેદ ડુંગળીની નિકાસ કરતા નિકાસકારોએ માલ અને એસેસરીઝના જથ્થાને પ્રમાણિત કરવા માટે ગુજરાત સરકારના હોર્ટિકલ્ચર કમિશનર પાસેથી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

White onion can be exported from Kandla, Pipavav and Nhawa Sheva ports only
White onion can be exported from Kandla, Pipavav and Nhawa Sheva ports only

સફેદ ડુંગળીની નિકાસ માટે સરકાર દ્વારા કેટલાક બંદરોના નામ નક્કી કરવામાં આવ્યા છે.  ડીજીએફટી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશ તાત્કાલિક અસરથી જારી કરવામાં આવશે કે નિયુક્ત બંદરો પરથી વધુમાં વધુ બે હજાર મેટ્રિક ટન સફેદ ડુંગળીની નિકાસ કરી શકાય.  સરકારે નિકાસ માટે મુન્દ્રા પોર્ટ, પીપાવાવ પોર્ટ અને ન્હાવા શેવા પોર્ટના નામ નક્કી કર્યા છે.

નોટિફિકેશનમાં વધુમાં જણાવાયું છે કે રાજકીય રીતે સંવેદનશીલ કોમોડિટી ડુંગળીની નિકાસ પર સામાન્ય રીતે પ્રતિબંધ છે પરંતુ સરકાર દ્વારા મિત્ર દેશોની વિનંતી પર તેના ચોક્કસ જથ્થાને મોકલવાની મંજૂરી આપવામાં આવી છે.

ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ એ વાણિજ્ય મંત્રાલયની એક શાખા છે, જે આયાત અને નિકાસ સંબંધિત ધોરણો નક્કી કરે છે. અગાઉ 8 ડિસેમ્બર, 2023 ના રોજ સરકારે સ્થાનિક ઉપલબ્ધતા વધારવા અને કિંમતોને નિયંત્રિત કરવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.  આ પગલા બાદ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો હતો.

અગાઉ કેન્દ્ર સરકારે યુએઇ અને બાંગ્લાદેશને ૬૪,૪૦૦ ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી હતી. જેમાં બાંગ્લાદેશને ૫૦,૦૦૦ ટન અને યુએઇને ૧૪,૪૦૦ ટન ડુંગળીની નિકાસ કરવાની પરવાનગી અપાઈ છે. વાણિજ્ય મંત્રાલયના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર “નેશનલ કો-ઓપરેટિવ એક્સ્પોર્ટ્સ દ્વારા યુએઇને ૧૪,૪૦૦ ટન ડુંગળીની નિકાસ કરાશે. જેની ત્રિમાસિક ટોચમર્યાદા ૩,૬૦૦ મેટ્રિક ટન રહેશે.” વાણિજ્ય મંત્રાલયનો ભાગ એવા ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આયાત અને નિકાસના ધોરણો નિર્ધારિત કરવામાં આવે છે. નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર બાંગ્લાદેશને કરવામાં આવનારી ડુંગળીની નિકાસના નિયમ એનસીઇએલ  ગ્રાહક બાબતોના વિભાગ સાથે ચર્ચા પછી કરશે. ઉલ્લેખનીય છે કે, સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે પણ મિત્ર દેશોને ચોક્કસ જથ્થામાં નિકાસની મંજૂરી આપવામાં આવે છે. જે તે દેશની વિનંતીના આધારે સરકાર પાસેથી પરવાનગી લીધા પછી આવી પરવાનગી અપાય છે. સરકારે ગયા વર્ષની ૮ ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર ૩૧ માર્ચ સુધી પ્રતિબંધ મૂક્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.