ગત નાણાંકીય વર્ષમાં કપાસની નિકાસમાં 77 લાખ ગાંસડીનો વધારો
સિલ્વર ગોલ્ડના ઉત્પાદન અને એક્સપોર્ટમાં ગુજરાત મોખરે: કુલ ઉત્પાદનમાં 40થી 45% જેટલો ફાળો
કોરોનાની વૈશ્વિક મહામારીની નકારાત્મક અસરો હવે ભૂતકાળ બની હોય તેમ દરેક ક્ષેત્રે ગતિવિધિઓ વધુ તેજ બની છે. દેશનું અર્થતંત્ર તો ઝડપભેર આગળ ધપી રહ્યું છે પણ આ સાથે ગુજરાતમાં પણ ઉત્પાદન પ્રવૃત્તિ ઝડપી બની છે. હીરા, ઝવેરાત, પેટ્રોલિયમ પેદાશો તેમજ એન્જીનીયરીંગ ચિજ-વસ્તુઓની નિકાસ તો વધી છે પણ આ સાથે જાણે વ્હાઈટ ગોલ્ડ હવે પ્લેટીનમ બની રહ્યું હોય તેમ તેની માંગમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. જેના પરિણામ સ્વરૂપ સફેદ સોના તરીકે જાણીતા એવા કપાસની નિકાસમાં અધધ…. ઉછાળો થયો છે. જે છેલ્લા સાત વર્ષના સમયગાળામાં સૌથી વધુ છે.
વિદેશી બજારોની મજબૂત માંગને કારણે દેશની કપાસની નિકાસમક 2020-21માં 77 લાખ ગાંસડી (એક ગાંસડી 170 કિલો જેટલી) જેટલો વધારો નોંધાયો છે.જે છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ છે. નિકાસ અગાઉ વર્ષ 2013-14માં 112 લાખ ગાંસડીની સપાટીએ પહોંચી હતી. ભારતમાં કપાસનું સૌથી મોટું ઉત્પાદક ગુજરાત છે. આથી દેશની કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો 40-45% જેટલો છે.
કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (CAI)એ તાજેતરમાં નિકાસકારો દ્વારા પૂરા પાડવામાં આવેલ નિકાસ શિપમેન્ટ બુકિંગ ડેટાના આધારે ભારતની કપાસની નિકાસ માટેનો અંદાજ 5 લાખ ગાંસડી વધાર્યો છે. કપાસના વેપારમાં હવે 77 લાખ ગાંસડી વધી છે, જે 2019-20ની કપાસની સિઝનમાં 50 લાખ ગાંસડીની નિકાસ કરતા 54% વધારે છે. 31 જુલાઇ સુધીમાં લગભગ 70 લાખ ગાંસડી પહેલેથી જ અન્ય દેશોમાં મોકલવામાં આવી હતી. CAIના આંકડા મુજબ, દેશમાંથી કપાસની નિકાસ 42 લાખ ગાંસડી, 69 લાખ ગાંસડી, 63 લાખ ગાંસડી અને 72 લાખ ગાંસડી એમ એનુક્રમે 2019, 2018, 2017 અને 2016 માં થઈ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય કપાસના નીચા ભાવ સાથે મજબૂત માંગને કારણે કપાસની નિકાસમાં વધારો થયો છે. ભારતીય કપાસના ભાવ 2000-2,500 રૂપિયા પ્રતિ કેન્ડી (એક કેન્ડી 356kg વજન) રહ્યા, જે સમગ્ર વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય કિંમતો કરતા ઓછા હતા. કોટન યાર્નની મજબૂત માંગને પગલે વિદેશી ખરીદદારો તરફથી કપાસની માંગમાં વધારો થયો છે, જે યાર્ન ઉત્પાદકોને સારા માર્જિન આપે છે.