નલીયા 5.8 ડિગ્રી, રાજકોઠ 8.7 ડિગ્રી, ગીરનાર 9 ડિગ્રી, પોરબંદર 9 ડિગ્રી, ગાંધીનગર 9.2 ડિગ્રી, ભુજ 9.7 ડિગ્રી, અમરેલી 10.4 ડિગ્રી સાથે ઠંડાગાર: હજી બે દિવસ કોલ્ડ વેવની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત કાતીલ ઠંડીમાં ઠુંઠવાય રહયું છે. બર્ફિલા પવનના સુસવાટાના કારણે જન-જીવન થર થર ધ્રુંજી રહ્યું છે. નલીયા 5.8 ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડી શહેર રહ્યું હતું. રાજકોટમાં પણ પારો 8.7 ડિગ્રી સુધી સરકી ગયો હતો. બફિલા પવનના કારણે ઠારનો અનુભવ થઇ રહ્યો છે. આગામી બે દિવસ હજી કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે.
ઉતર ભારતના પહાડી રાજયોમાં થઇ રહેલી બફર વર્ષા અને રાજસ્થાનમાં સાયકલોનિક સરયુલેશન સર્જાયાના કારણે ગુજરાત ઠંડીની આગોશમાં જકડાય ગયું છે. બર્ફિલા પવનના કારણે જનજીવન રિતસર ધ્રુંજી ઉઠયું છે. હજી બે દિવસ કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે. આજે કચ્છનું નલીયા 5.8 ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. રાજકોટમાં આજે લધુતમ તાપમાનનો પારો પટકાયો હતો આજે શહેરનું તાપમાન 8.7 ડિગ્રી નોંધાયું હતું.
1ર કી.મીની ઝડપે પવન ફુંકાવાના કારણે રાજકોટવાસીઓ આખો દિવસ ઠંડીમાં ઠુંઠવાયા હતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 ટકા રહેવા પામ્યું હતું. સવારે 8.30 કલાકે તાપમાન 10.6 ડિગ્રી એ પહોંચી ગયું છે. મોડી રાત સુધી જાગતું શહેર રાજકોટ ગાત્રો થીજાવતી ઠંડીમાં છેલ્લા ઘણા દિવસથી રાતે વહેલું પોઢી જતુ હોય તેમ રાત્રીના સમયે રાજમાર્ગો પર સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ સર્જાય જાય છે.
આજે અમદાવાદ શહેરનું લધુતમ તાપમાન 10.4 ડિગ્રી, અમરેલીનું તાપમાન 10.4 ડિગ્રી, વડોદરાનું તાપમાન 11 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 12 ડિગ્રી, ભુજનું તાપમાન 9.7 ડિગ્રી, દમણનું તાપમાન 14.8 ડિગ્રી, ડિસાનું તાપમાન 9.8 ડિગ્રી, દિવનું તાપમાન 9.9 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 14.1 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 9.2 ડિગ્રી, નલીયાનું તાપમાન 5.8 ડિગ્રી, પાટણનું તાપમાન 8.1 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 9 ડિગ્રી અને વેરાવળનું તાપમાન 12.4 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે લધુતમ તાપમાનનો પારો વધુ પટકાય તેવી શકયતા પણ નકારી શકાતી નથી.