રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ: ૧૫મી સુધીમાં વાર્ષિક પરીક્ષાઓ લેવાઈ ગયા બાદ વેકેશન: શિક્ષણ બોર્ડના કેલેન્ડરમાં ૧લી મે થી સતાવાર ઉનાળુ વેકેશન જાહેર
સૌરાષ્ટ્રભરમાં એકબાજુ આઈપીએલ અને બીજીબાજુ પરીક્ષા ફીવર છવાયો છે. શિક્ષણ બોર્ડની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજથી વાર્ષિક પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. ગઈકાલથી ક્રિકેટના ફેસ્ટીવલ ગણાતા આઈપીએલનો રંગારંગ પ્રારંભ થયો ત્યારે બીજીબાજુ આઈપીએલ ટાંણે વાર્ષિક પરીક્ષાઓ શ‚ થતા વિદ્યાર્થીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
રાજયની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બોર્ડની પરીક્ષા બાદ આજથી ધો.૧ થી ૭, ૮, ૯ અને ધો.૧૧ની વાર્ષિક પરીક્ષાનો દરેક શાળાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉથી જ નકકી કરેલા કાર્યક્રમ મુજબ સમગ્ર રાજયમાં એક સાથે વાર્ષિક પરીક્ષા શ‚ થઈ છે. શિક્ષણ વિભાગે પરીપત્ર જાહેર કરી સ્કૂલોની પરીક્ષા ૧૫ એપ્રિલ પછી રાખવાની સુચના આપી હતી પરંતુ તેમ છતાં શહેરની કેટલીક ખાનગી, ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં પરીક્ષાઓ લેવાઈ રહી છે. શિક્ષણ વિભાગના કેલેન્ડર મુજબ આગામી તા.૧લી મેથી ઉનાળુ વેકેશન જાહેર કરાયું છે પરંતુ શાળાઓમાં વાર્ષિક પરીક્ષા પૂર્ણ થતા જ વિદ્યાર્થીઓને વેકેશન પડી જશે અને ૫ જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. રાજયની ઘણીબધી શાળાઓમાં આજથી વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયો છે. આગામી ૧૫ એપ્રિલ સુધીમાં પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ શાળાઓમાં વેકેશન જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ વહેલી તકે પરીણામ જાહેર કરવા માટે સ્કૂલો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બોર્ડએ જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે જ શાળાઓએ પરીક્ષા લેવાની હોય છે અને સ્કૂલો એ જ રીતે પરીક્ષા લઈ રહી છે પરંતુ કેટલીક સ્કૂલોએ પોતાની રીતે કાર્યક્રમમાં ફેરફાર કર્યો હોવાનું પણ જાણવા મળે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના આદેશ પ્રમાણે શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ૧પ એપ્રિલ દરમિયાન લેવાનો પરીપત્ર જાહેર કર્યો હોવા છતા કેટલીક શાળાઓએ આજથી પરીક્ષા લઈ વહેલુ વેકેશન પાડી દેવા કાર્યવાહી હાથ ધરી છે. સૌરાષ્ટ્રમાં બોર્ડની પરીક્ષા બાદ આજથી ફરી પરીક્ષા ફીવર છવાયો છે. એકબાજુ ક્રિકેટનો મહાસંગ્રામ ગણાતા ઈન્ડીયન પ્રીમીયમ લીગનો ગઈકાલથી રંગારંગ પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓને અતિપ્રિય આઈપીએલ ટાંણે જ વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થતા છાત્રોનો પરીક્ષાના બદલે આઈપીએલમાં ધ્યાન ડાયવર્ટ થાય તેવી પણ સંભાવનાઓ વ્યકત થઈ રહી છે.