ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ગૌ સેવા ગતિવિધીના રાષ્ટ્રીય સંયોજક શંકરલાલજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આર.એસ.એસ.ના પૂર્ણકાલીન પ્રચારક, મુળ રાજસ્થાનના વતની અને કોલેજકાળથી જ આર.એસ.એસ.ના પ્રચારક બનીને પહેલા રાજસ્થાનના વિભાગ પ્રચારક, પ્રાંતમાં અને પછી આખા દેશમાં અત્યારે પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તરફથી ગૌ સેવા વિભાગ સંભાળી રહેલા શંકરલાલજી પોતે ખૂબ જ મોટા ગૌ વૈજ્ઞાનિક છે અને ગૌ ચિકિત્સક છે, રાજકોટના પ્રવાસે તેઓ આવ્યા ત્યારે અહીં રાજકોટ વિભાગની બેઠક લીધી. ગૌ સેવા સાથે જોડાયેલા કાર્યકરો સાથે મુલાકાત લીધી અને માર્ગદર્શન આપ્યું. રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયા સાથે મીટીંગ કરી. કામધેનુ આયોગની ગતિવિધીઓ બાબતની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ બાદ સમગ્ર વિશ્ર્વમાં ‘ગોમય ગણેશ’ નિમીતે જે અભિયાન ચલાવવામાં આવ્યું છે તે બાબતે તેમણે શુભકામના પાઠવી હતી.
આ ઉપરાંત ગૌરક્ષા ગૌસંવર્ધન, ગૌ આધારીત ઉદ્યોગ વિશે સવિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત સંચાલક મુકેશભાઇ મલકાણ, મહેશભાઇ જીવાણી, કિશોરભાઇ મુંગલપરા, નરેન્દ્રભાઇ દવે, મેઘજીભાઇ હીરાણી, વિજયભાઇ રાબડીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા અને ચર્ચામાં સામેલ થયા હતા.