2027 સુધીમાં ભારત અર્થતંત્ર મોટી છલાંગ લગાવશે, માથાદીઠ આવક ત્યારે 2.83 લાખે પહોંચી જશે જે ટોચની 10 અર્થવ્યવસ્થામાં સૌથી ઓછી હશે

ભારતની અર્થવ્યવસ્થા 2027 સુધીમાં મોટી છલાંગ લગાવી ટોચની અર્થવ્યવસ્થાઓમાં ત્રીજા ક્રમે પહોંચશે. ત્યારે ભારતની માથાદીઠ આવક 2.83 લાખે પહોંચી જશે. જે ટોચની 10 અર્થવ્યવસ્થામાં સૌથી ઓછી હશે પરંતુ ફાયદો એ હશે કે માથાદીઠ આવકની સાથે દેણું પણ ઓછું રહેશે.

26 જુલાઈના રોજ, પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત તેમની હવેની ટર્મમાં વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે.  ભારતની ત્રીજા સ્થાને પહોંચવાની દોટ વિશે જોઈએ તો 2014 માં, ભારત 2 ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર હતું અને વિશ્વમાં 10મા ક્રમે હતું.  એક વર્ષ પછી, તે સાતમા સ્થાને પહોંચ્યું. 2017 સુધીમાં, તે છઠા સ્થાને હતું, અને 2021માં 5માં ક્રમે આવી ગયું. હવે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના અંદાજો દર્શાવે છે કે 2027 સુધીમાં તે યુએસ અને ચીન પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

બીજું, ભારતે બે સ્થાનની છલાંગ લગાવવા માટે, ચોથા સ્થાને રહેલું જર્મની સુસ્ત રહેવું જોઈએ અને ત્રીજા સ્થાને રહેલા જાપાનને પણ પાછળ રાખવું પડશે.  જાપાનની અર્થવ્યવસ્થા 2022માં 5 ટ્રીલીયન ડોલર કરતાં ઓછી થઈ ગઈ હતી અને 2027 સુધી તે આંકથી નીચે રહેવાની ધારણા છે.

ભારતે માથાદીઠ મોરચા પર ધ્યાન આપવાની જરૂર છે ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ રેન્કિંગમાં વધારો અનિવાર્ય છે, પરંતુ તેનું નીચું માથાદીઠ જીડીપી-સમૃદ્ધિનું વધુ સારું સૂચક ચિંતાનો વિષય છે.  તે 10 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં વ્યક્તિ દીઠ સૌથી ઓછી જીડીપી ધરાવે છે.

ભારતની જીડીપી ફ્રાન્સ અને યુકે કરતાં વધુ છે, પરંતુ માથાદીઠ જીડીપીની દ્રષ્ટિએ તે યમન, ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન જેવી સંઘર્ષશીલ અર્થવ્યવસ્થાઓ સાથે સ્થાન ધરાવે છે. 2014 માં, જ્યારે તે વિશ્વની 10મી-સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી, ત્યારે તે 195 દેશોમાંથી 157માં ક્રમે હતી જેના માટે આઈએમએફ માથાદીઠ જીડીપી ડેટા પ્રદાન કરે છે.  2027 માં, તે 189 દેશોમાં 138માં સ્થાને પહોંચવાનો અંદાજ છે. સરેરાશ બાંગ્લાદેશી 2027 માં સરેરાશ ભારતીય કરતાં 282 ડોલર વધુ કમાશે.

ટોચની 10 અર્થતંત્રમાં ભારતની માથાદીઠ આવક સૌથી ઓછી

ડોલરના સંદર્ભમાં, સરેરાશ ભારતીયે 2014માં 1,560 ડોલરની કમાણી કરી હતી, જ્યારે સરેરાશ અમેરિકને 55,084 ડોલર એટલે કે ભારતીયોથી 35 ગણી વધુ કમાણી કરી હતી.  જર્મનોએ 31 ગણી, બ્રિટીશરોએ 30 ગણી અને ફ્રેન્ચ, જાપાનીઝ અને ઈટાલિયનોએ સરેરાશ ભારતીય કરતાં ઓછામાં ઓછી 20 ગણી વધુ કમાણી કરી છે. જ્યારે પડોશમાં, સરેરાશ ચીની વ્યક્તિ સરેરાશ ભારતીય કરતાં પાંચ ગણી વધુ કમાણી કરે છે.

ભારતે ડોલરના સંદર્ભમાં 8 ટકાના દરે વૃદ્ધિ નોંધાવી પડશે

2024 અને 2027 ની વચ્ચે ભારતે ત્રીજા સ્થાને પહોંચવા માટે ડોલરના સંદર્ભમાં 8 ટકાના દરે વૃદ્ધિ નોંધાવી પડશે. આના માટે સરકારે માથાદીઠ આવક વધારવાની જરૂર રહેશે. આ ઉપરાંત રાજકોશીય ખાધને અંકુશમાં રાખવી પડશે. સાથોસાથ ડોલર સામે પણ રૂપિયાને મજબૂત કરવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.