ગુરુ શિષ્ય વચ્ચે ઝઘડો ચાલતો હતો ત્યારે યુવક પગે લાગવા જતાં કર્યો ખૂની હુમલો

અબતક,રાજકોટ

જૂનાગઢ શિવરાત્રીના મેળામાં ગયેલા રાજકોટના યુવક પર સાધુના શિષ્યએ કુહાડીથી હુમલો કરતા ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. સાધુ અને શિષ્ય વચ્ચે માથાકૂટ ચાલતી હતી તે તકરારમાં યુવાન સાધુને પગે લાગવા ગયો ત્યારે તેના શિષ્યએ યુવકને પાછળથી કુહાડીનો ઘા ઝીંકી દીધો હતો. જૂનાગઢ પોલીસે શિષ્ય સામે હત્યાની કોશિશનો ગુનો તેની શોધખોળ શરૂ કરી હતી.

બનાવની મળતી માહિતી મુજબ રાજકોટમાં માલવિયા કોલેજ પાછળ આવેલા અંબાજી કડવા પ્લોટમાં રહેતો હાર્દિક કમલભાઇ પંડ્યા (ઉ.વ.35) એ તેના મિત્ર પાર્થ સાથે જૂનાગઢ શિવરાત્રીના મેળામાં ગયા હતા, બંને મિત્ર સવારે જૂનાગઢમાં તળેટી વિસ્તારમાં વડલી ચોક પાસે આવેલા સાધુના અખાડામાં સાધુના દર્શન કરવા ગયા હતા, હાર્દિક અને તેનો મિત્ર પાર્થ સાધુના દર્શન કરવા અંદર ગયા હતા ત્યારે સાધુ અને તેના શિષ્ય વચ્ચે કોઇ મુદ્દે ઝગડો ચાલી રહી હતો. પગે લાગી હાર્દિક પંડ્યા પોતાના બૂટ પહેરી રહ્યો હતો ત્યારે અચાનક જ શિષ્ય પાછળથી ધસી આવ્યો હતો અને હાર્દિક પર કુહાડીનો ઘા ઝીંકી દીધો હતો.

જેમાં યુવાન લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો, હુમલો કરી હુમલાખોર શિષ્ય નાસી ગયો હતો, હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે જૂનાગઢના પીએસઆઇ ડવ સહિતની ટીમ રાજકોટ દોડી આવી હતી. પોલીસએ જણાવ્યું હતું કે, હાર્દિક વેબ ડિઝાઇનર તરીકે કામ કરે છે, અને રવિવાર હોવાથી શિવરાત્રીના મેળામાં તેના મિત્ર સાથે આવ્યો હતો, અખાડામાં સાધુના દર્શન કરવા ગયા હતા ક્યા સાધુ અને ક્યા શિષ્ય વચ્ચે માથાકૂટ ચાલતી હતી અને હુમલો કરનાર શિષ્ય કોણ છે તે અંગે હાર્દિક અને તેનો મિત્ર અજાણ હોય અજાણ્યા શિષ્ય સામે હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.