કોરોનાની બીજી લહેરના કહેરથી માનવીના મગજમાં ડરી બેસી ગયો છે આથી જ તો ત્રીજી લહેરથી બચવા માટે ઝડપથી વેક્સીનેશનન કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ અભિયાનો ચલાવી લોકોને વહેલી તકે રસી લેવા પ્રેરિત કરી રહી છે. જો કે વેક્સીન લેવાને લઇને હજુ પણ લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે. પહેલો સવાલ જે હાલ ખુબ જ ચર્ચામાં છે કે સરકાર દ્વારા કોવિશીલ્ડ અને કોવાક્સિન એમ બે પ્રકારની રસી આપવામાં આવી રહી છે જેમાંથી સૌધુ વધુ કારગર રસી કઇ છે ?.
વેક્સીનના ડોઝ વચ્ચેના સમયગાળાને વધાર્યા બાદ ચર્ચા વધુ તેજ બની કે આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો. ડોક્ટરોનું કહેવું છે કે કોવાક્સિનના પ્રથમ ડોઝ બાદ વધુ એન્ટીબોડી બનતી નથી. તો કોવિશીલ્ડના પ્રથમ ડોઝ બાદ એન્ટીબોડી વધુ સારી બની હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
કોવાક્સીન વેક્સીન
ભારતમાં બનેલી આ સ્વદેશી વેક્સીનને લઇને કંપની તરફથી એવું કહેવામાં આવ્યું છે કે વેક્સીન 81 ટકા કારગર છે. આ વેક્સીનને ભારત બાયોટેક અને આઇસીએમઆરે સાથે મળી તૈયાર કરી છે. વેક્સીનના બંને ડોઝ બાદ એન્ટીબોડી વધી જાય છે. ત્રીજી ટ્રાયલના પરિણામની જાહેરાત કરતા ICMR અને ભારત બાયોટેકે કહ્યું હતું કે સામાન્ય કોરોના દર્દી પર કોવેક્સિનનો ડોઝ 78 ટકા સુધી અસરદાર ચે. કોવાક્સિન એ કાંકીડાની જેમ રંગ બદલતા કોરોના સામે એન્ટીબોડી બનાવવાનું કામ કરે છે. કોવાક્સીનના બંને ડોઝ વચ્ચેના સમયગાળામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કોવિશીલ્ડ વેક્સીન
ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાની વેક્સીન જેને ભારતમાં કોવિશીલ્ડ નામથી ઓળખવામાં આવે છે અને ભારતમાં તેનું પ્રોડક્શન સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા. પુણે તરફથી કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ ભારતમાં કોવિશીલ્ડ વેક્સીનના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેના ગેપને 12થી 16 સપ્તાહ કરી દેવામાં આવ્યો છે. કોવિશીલ્ડને લઇને કહેવામાં આવ્યું કે બે ડોઝ બાદ 90 ટકા સુધી આ વેક્સીન કોરોના સામે લડવામાં કારગર છે. શરૂઆતના રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે કોવિશીલ્ડના પ્રથમ ડોઝ બાદ આ વેક્સીન 80 ટકા સુધી કારગર છે. પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાએ કહ્યું કે તેમની કોરોના વેક્સીન સંપૂર્ણ રીતે સુરક્ષીત છે અને એન્ટીબોડી ક્ષમતા વધારો કરનારી છે.
રિસર્ચમાં સામે આવી આ વાત…
ઇન્ટરનેશનલ રિસર્ચ ટીમો દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં બહાર આવ્યું કે બે ડોઝ વચ્ચે 12 સપ્તાહનું અંતર રાખવાથી વધુ સારી અસર થાય છે. અમેરિકા, પેરુ અને ચીલીમાં કરવામાં આવેલા ટ્રાયલમાં જાણવા મળ્યું કે ચાર સપ્તાહથી વધુ સમય બાદ બીજો ડોઝ આપવાથી 79 ટકા વધુ અસર થાય છે. અન્ય દેશોના ડેટા પરથી જાણવા મળ્યું કે 6 સપ્તાહ બાદ બીજો ડોઝ લેવાથી વધુ ફાયદો થાય છે. બ્રાઝિલ, બ્રીટેન અને દક્ષીણ આફ્રિકામાં જાણવા મળ્યું કે બીજો ડોઝ 6-8 સપ્તાહ બાદ આપવાથી 59.9 ટકા. 9-11 સપ્તાહ બાદ આપવાથી 63.7 ટકા અને 12 કે તેથી વધુ સપ્તાહ બાદ આપવાથી 82.4 ટકા અસર જોવા મળી છે.
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના એક નવા રિસર્ચમાં જાણવા મળ્યું કે ઓક્સફર્ડ/એસ્ટ્રાજેનેકા કે બાયોએનટેક રસીના એક ડોઝ પણ કોવિડ-19 સંક્રમણના દરને અડધો કરી નાખે છે. હાલ ચલાવવામાં આવેલા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત જે લોકો એક ડોઝ લગાવ્યા બાદ ત્રણ સપ્તાહમાં સંક્રમિત થઇ ગયા હતા તેના કરતાં વેક્સીન ન લેનારા લોકોને સંક્રમિત થવાની આશંકા 38થી 49 ટકા વચ્ચે રહી જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક વેક્સી સ્વદેશી ભારત બાયોટેકની અને બીજી વેક્સીન બનાવતી દુનિયાની સૌથી મોટી કંપની સીરમ છે. આ બંને જ વેક્સીનને લઇને દેશના જાણીતા ડોક્ટરો સહિત અન્ય દેશોના તજજ્ઞોએ પણ કારગર સાબિત થાય છે તેમ જણાવ્યું છે. બંને જ વેક્સીન કોરોના સામે સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે. આથી મનમાં કોઇ આશંકા રાખ્યા વગર વારો આવે ત્યારે વેક્સીનેશન જરૂર કરાવવું જોઇએ અને હંમેશા એ વાત યાદ રાખવી જોઇએ કે અનેક પરિક્ષણ અને સંશોધન બાદ વેક્સીનને મંજુરી આપવામાં આવે છે તો ખોટી અફવા કે ગેરસમજણ મગજમાં રાખવી જોઇએ નહીં.