વાળને સ્ત્રીઓનું ઘરેણું માનવામાં આવે છે. લાંબા, જાડા અને ચમકદાર વાળ મહિલાઓના વ્યક્તિત્વની શોભામાં વધારો કરે છે. જ્યારે, છોકરાઓ પણ તેમના વાળની ખૂબ કાળજી લે છે. હેર સ્ટાઈલિંગની નવી પ્રોડક્ટ્સ પણ માર્કેટમાં આવી રહી છે. વાળની સુંદરતા માટે, કેટલાક ઘરગથ્થુ ઉપચાર અપનાવે છે તો કેટલાક હેર એક્સેસરીઝનો ઉપયોગ કરે છે. પરંતુ વાળની સુંદરતા વધારવા માટે સૌપ્રથમ ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુ છે કાંસકો.
વાળની માવજત માટે આ સૌથી મહત્ત્વપૂર્ણ અને મૂળભૂત સાધન છે, પરંતુ ઘણા લોકો તેમના વાળ માટે કયો કાંસકો યોગ્ય છે તે વિશે અજાણ છે.
કાંસકો વાળને ચમકદાર બનાવે છે:
વાળને ઓળવવા માટે મોટા બ્રિસલ્સ વાળો કાંસકો હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો બ્રશ બરાબર હશે તો માથાની સાથે વાળનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
કોમ્બિંગ કરવાથી વાળનું કુદરતી તેલ, જેને સીબુમ કહેવાય છે, માથાની ચામડીમાં સમાનરૂપે ફેલાય છે, જે વાળને નરમ, વ્યવસ્થિત અને ચમકદાર બનાવે છે. સ્પ્લિટ એન્ડ અને ડેડ સ્કિનની સમસ્યા પણ સ્કેલ્પમાંથી દૂર થાય છે. દિવસમાં બે વાર કાંસકો કરવાથી ડેન્ડ્રફની સમસ્યા થતી નથી.
જો કે કોમ્બિંગ દરમિયાન દરરોજ 50 થી 100 વાળ ખરતા હોય છે, પરંતુ જો તેનાથી વધુ વાળ ખરતા હોય તો વાળ માટે ખોટા કાંસકાનો ઉપયોગ થતો હોવાની શક્યતા છે.
100 થી વધુ દાંતા વાળો કાંસકો અથવા બ્રશ સારાં માનવામાં આવે છે.
કાંસકા અનેક પ્રકારના હોય છે:
પેડલ બ્રશઃ લાંબા વાળ ધરાવતા લોકો માટે પેડલ બ્રશ બેસ્ટ છે. ચોરસ આકારનું આ બ્રશ માથાની ચામડી પર રક્ત પરિભ્રમણને સુધારે છે.
પિન બ્રશઃ આ હેર બ્રશને પિન બ્રશ કહેવામાં આવે છે. તેમાં મેટલ પિન છે જે જાડા અથવા વાંકડિયા વાળ માટે અનુકૂળ છે.
કોઇલ બ્રશ: તેનો ઉપયોગ કરવાથી માથાની ચામડીની મસાજ થાય છે જેના કારણે માથાની ચામડી પર કુદરતી વાળનું તેલ ફેલાય છે. આ બ્રશ તમામ પ્રકારના વાળ માટે બનાવવામાં આવે છે.
પહોળા દાંતાનો કાંસકોઃ આ જાડા દાંતાવાળો કાંસકો છે. વાળ ધોયા પછી આ પ્રકારના કાંસકોનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ગૂંચવાયેલા વાળ સરળતાથી ઉકેલી શકાય. આ કાંસકો વાંકડિયા વાળ માટે અનુકૂળ આવે છે.
કુશન બ્રશ: પ્રોફેશનલ હેર સ્ટાઈલિસ્ટ તેનો ઉપયોગ હેર સ્ટાઇલ માટે કરે છે. આ પેડેડ બ્રશ શુષ્ક, ફ્રઝી અને ગૂંચવાયેલ વાળ માટે યોગ્ય છે.
ફાઈન ટુથ કોમ્બઃ આ કાંસકો જાડા વાળ માટે બનાવવામાં આવે છે.
સામાન્ય કાંસકો: હળવા પાતળા વાળ પર ઉપયોગ કરવો જોઈએ.