- વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીના અત્યંત વિશ્ર્વાસુ એવા પોંડીચેરીના લેફ્ટનન્ટ ગર્વનર કે.કે.ની ગુજરાતની મુલાકાત અને રાજનેતાઓ સાથેની મેરેથોન બેઠક બાદ અનેક તર્ક-વિતર્કો
- ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને ઝાંખુ પાડી દેવા ભાજપ મોટો ખેલ પાડવાના મૂડમાં હોવાની પણ ચર્ચા
ગુજરાતના તત્કાલીન પ્રિન્સિપલ સેક્રેટરી અને હાલ પોંડીચેરીના લેફ્ટનન્ટ ગર્વનર તરીકે જવાબદારી નિભાવી રહેલા કે.કૈલાશનાથનની ગુજરાત મુલાકાત અને મુખ્યમંત્રીના બંગલે યોજેલી મેરેથોન મિટીંગ બાદ રાજ્યના રાજકારણમાં ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી છે. કે.કે.નું ગુજરાતમાં આગમન માત્ર મોદી અને શાહના સૂચક સંદેશા પહોંચાડવા માટે જ થયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં મોટા બદલાઓની શક્યતા પણ નકારી શકાતી નથી.
ગુજરાતછેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે. બજેટ સત્ર પુરૂં થયા બાદ મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવશે. તે વાતે જોર પકડ્યું છે. કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં ભળેલા અર્જુન મોઢવાડીયા અને ચાવડાને મંત્રી બનાવવામાં આવે તે નિશ્ર્ચિત મનાઇ રહ્યું છે. બીજી તરફ કેટલાક મંત્રીઓનું પરર્ફોમન્સ નબળું છે. જેઓને પડતા મુકવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. કે.કૈલાશનાથને તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. તેઓએ મુખ્યમંત્રીના બંગલે ત્રણ કલાકની મેરેથોન બેઠક યોજી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ હાજર રાખવામાં આવ્યા હતા. ગુજરાતમાં ગૃહ વિભાગ દ્વારા છેલ્લા 10 દિવસથી જે પ્રકારની કાર્યવાહી ગુનેગારો સામે કરવામાં આવી રહી છે. તે કોઇ મોટી ઘટનાના સંકેતો આપી રહી હોવાની ચર્ચા પણ ભાજપના કાર્યકરો અને રાજ્યવાસીઓમાં થઇ રહી છે. કે.કે.ની ગુજરાતની મુલાકાતથી રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. એક તરફ મંત્રી મંડળના વિસ્તરણ ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલના અનુગામી તરીકે કોઇ મજબૂત નેતાની નિયુક્તી કરવા માટે પણ ભાજપ છેલ્લા 10 મહિનાથી કસરત કરી રહ્યું છે. પરંતુ કોઇ કારણોસર પક્ષને મજબૂત નેતા મળતા ન હોય તેવું લાગી રહ્યું છે. કે.કે.ની મુલાકાતને બીજા સમિકરણો મુજબ જોવામાં આવે તો 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે મજબૂતાઇ સાથે ઉતરવાનું રણશીંગુ ફૂંકી દીધું છે. આગામી 8 અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પણ અમદાવાદમાં યોજાવાનું છે. ભાજપના અડીખમ ગઢ ગણાતા ગુજરાતમાં કોંગ્રેસ થોડું પણ મજબૂત બને તે ભાજપને પાલવે તેમ નથી. કોંગ્રેસનું સંગઠન માળખું મજબૂત થાય તે પૂર્વે તેને વધુ કમજોર કેવી રીતે કરવું તેની વ્યૂહરચના પણ ભાજપ દ્વારા ગોઠવવામાં આવી રહી હોવાનું અંદરખાને ચર્ચાઇ રહ્યું છે. કારણ કે વિધાનસભાની ચુંટણીના આડે હજુ અઢી વર્ષથી વધુ સમય બાકી છે. આ પૂર્વે આવતા વર્ષના આરંભે રાજ્યના આઠ મહાનગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયત ઉપરાંત નગરપાલિકા અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી યોજાવાની છે. જો કોંગ્રેસ પોતાનું સંગઠન માળખું મજબૂત કરવામાં વધતાં-ઓછા પ્રમાણમાં પણ સફળ રહે તો સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપના નુકશાની જઇ શકે તેમ છે. એક સમયે ગુજરાતમાં કે.કૈલાશનાથન પાસે ખૂબ જ વિશાળ સત્તા હતી. તેઓ આજની તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના અત્યંત વિશ્ર્વાસુ મનાઇ રહ્યા છે. કે.કે.ને ગુજરાતમાં વર્તમાન રાજકીય ઉપરાંત વહિવટી માહોલ જાણવા માટે જ મોકલવામાં આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ભલે એવું કહેવાતું હોય કે સાબરમતી આશ્રમના મહત્વપૂર્ણ પ્રોજેક્ટના તેઓ ઇન્ચાર્જ હોવાના કારણે પ્રોગ્રેસ રિપોર્ટ જાણવા માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ મુખ્યમંત્રી ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક યોજી હતી. પરંતુ અંદરખાને કંઇક અલગ જ રંધાઇ હોવાનું મનાઇ રહ્યું છે.
મંત્રી મંડળના વિસ્તરણની વાતો છેલ્લા 10 માસથી સતત ચર્ચાઇ રહી છે. પરંતુ કોઇ કારણોસર ભાજપ મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં સતત ઢીલ દાખવી રહ્યું છે. આવામાં કે.કૈલાશનાથનની ગુજરાત મુલાકાત અને ગાંધીનગરમાં સીએમ તથા એચ.એમ. સાથેની તેઓની મેરેથોન બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેઓએ વડાપ્રધાન અને ગૃહમંત્રીનો ગુપ્ત સંદેશો ગુજરાતમાં ભાજપના નેતાઓ સુધી પહોંચાડી દીધો છે. આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં મોટાપાયે ફેરફાર થવાની સંભાવના નકારી શકાતી નથી. ગત મે માસમાં લોકસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ કેન્દ્રમાં સતત ત્રીજી વખત ભાજપ પ્રેરિત એનડીએની સરકાર બની છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સંગઠન પર પુરતું ધ્યાન આપી શકતા નથી. જેના કારણે રાજ્યમાં ભાજપનું સંગઠન હાલ થોડું નબળું પડી રહ્યું છે. જેનો લાભ કોંગ્રેસ ઉઠાવી ન લે તે માટે હાઇકમાન્ડ દ્વારા સોગઠા ગોઠવવામાં આવી રહ્યા છે. પાટીલના સ્થાને ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ કોને બનાવવા તેની પણ મથામણ ચાલી રહી છે. આ ઉપરાંત આઇએએસ અને આઇપીએસ લોબીમાં પણ મોટાપાયે ફેરફાર થવાની સંભાવના જણાઇ રહી છે. કે.કે.ની ગુજરાત મુલાકાતે ફરી એક વખત રાજ્યના રાજકારણમાં રોમાંચક ઉત્તેજના જગાવી દીધી છે.