વિશ્ર્વભરમાં દરિયાકાંઠા પર ખડા કરવામાં આવેલા સ્કાય સ્કેપર્સ હવે દરિયાની ખારાંશને કારણે જોખમમાં મુકાઇ ગયાં હોય તેવા એંધાણ મળી રહ્યાં છે અને તેના કારણે મહાનગર મુંબઇથી માંડીને માયામી સુધી દરિયાકાંઠા પર બહુમાળી બાંધકામ ઉપર સમુદ્રને કારણે જ ખતરો ઉભો થતાં મહાનગરોના આયોજકો ચિંતામાં ગરકાવ થઇ ગયાં છે. માયામીમાં બાર માળની એક બહુમાળી ઇમારત પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા બાદ સ્કાય સ્કેપર્સના જનક અમેરિકામાં ચિંતાની લાગણી પ્રસરી વળી છે.
વિશ્વના દરિયા કિનારાના શહેરોના સ્કાય સ્કેપર્સ જોખમી બની જશે ?
બહુમાળીનું જનક ગણાતાં અમેરિકામાં દરિયાઇ કાંઠે રહેતાં લોકોમાં ભય અને લખલખુ, માયામીમાં બાર માળની બહુમાળી ઇમારાત ધરાશાયી
સાગરની ભૂતળમાં આગળ વધતી ખારાંશને કારણે ઇમારતો નબળી પડી રહી છે, તૂટી રહી છે
મુંબઇથી માયામી સુધીના દરિયાકાંઠા પર સર્જાઇ રહી છે એક અનોખી સમસ્યા, હોનારતના એંધાણ
મુંબઇમાં અવાર-નવાર જૂની ઇમારતો તૂટી પડ્યાની ઘટનાઓ બનતી હોય છે. મુંબઇના દરિયાકાંઠા પર મસમોટા બાંધકામો થયાં છે અને સિમેન્ટ , કોંક્રીટના જંગલો ઉભા કરી દેવામાં આવ્યા છે. આવી જ સ્થિતિ અમેરિકાના માયામી શહેરમાં જોવા મળી છે. જેના કારણે તજજ્ઞો મુંજવણમાં મુકાયા છે. ભવિષ્યમાં સાગરકાંઠા પર આવી મહાકાય ઇમારતો એટલે કે સ્કાય સ્કેપર્સ બાંધવાની આખી નીતી પર ફેર વિચારણાં કરવાની જરૂર પડે એવી પરિસ્થિતિ ઉભી થયેલી દેખાય છે.
સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં બાંધકામમાં ભ્રષ્ટાચાર, ગેરરીતીઓ અને નિર્માણના નિતી-નિયમોના ઉલ્લંઘનની વાતો સાંભળીને અમેરિકનો આશ્ર્ચર્ય અનુભવતાં રહ્યાં છે પરંતુ માયામીની દરિયાકાંઠે એક બહુમાળી ઇમારત પત્તાના મહલની જેમ તૂટી પડ્યા બાદ એકાએક અમેરિકાના આંગણે વિકાસશીલ દેશો જેવો ખતરો આવીને ઉભો રહી ગયો છે અને અમેરિકાભરમાં અજંપો જાગી ઉઠ્યો છે. આવી ઘટનાઓ જોવા અમેરિકનો ટેવાયેલાં નથી પરંતુ માયામી મુંબઇવાળી થતી જોઇને અમેરિકનો સ્તબ્ધ બની ગયાં છે.
ખૂબ જ આધુનિક સાધનો અને સરંનજામ મજબૂત હોવા છતાં અમેરિકામાં માયામીની આ દુર્ધટના બાદ 6 દિવસ પછી પણ માત્ર 12 મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢી શકાય હતાં. 159થી વધુ વ્યક્તિઓ કાટમાળ હેઠળ દટાઇ હોવાનું માનવામાં આવે છે. આ વિસ્તારની આજુબાજુ બંધાયેલા બે મહાકાય સ્કાય સ્કેપર્સ હજુ સલામત છે પરંતુ ઘણાં લોકો એપાર્ટમેન્ટ ખાલી કરીને જવા લાગ્યા છે.
બહુમાળીની સુરક્ષા વિશે એમને શંકા ઉભી થઇ ગઇ છે. કેમ કે દરિયાની ખારાંશ જેમ-જેમ આગળ વધતી જાય છે તેમ-તેમ બિલ્ડીંગોના પાયા નબળા પડતાં જાય છે. અહીં આવેલા સાઉથ ટાવરનું બાંધકામ કેનેડાના એક બિલ્ડરે 1981માં કર્યું હતું. બાંધકામની પરમિટ વગેરે લેવામાં ટૂંકા રસ્તા અપનાવવામાં આવ્યાં હતાં અને લાંચ પણ ચુકવવામાં આવી હતી એવું કહેવામાં આવે છે. અમેરિકામાં અને માયામી શહેરના નિયમ મુજબ ઇમારત બંધાયા પછી 40 વર્ષ બાદ ફરીથી પ્રમાણપત્ર લેવું પડે છે. પરંતુ સાઉથ ટાવરનું રિનોવેશન થાય એ પહેલાં ઇમારત ધરાશાયી થઇ ગઇ હતી.
ઇમારતના પુન:નિર્માણ અને સમારકામ માટે 1.5 કરોડ ડોલરનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. બેંકો પાસેથી લોન મેળવવાની વાતો થઇ હતી.તપાસમાં એવું બહાર આવ્યું છે કે તૂટી પડેલી સાઉથ ટાવર બિલ્ડીંગમાં ભૌયતળીયુંમાં એકથી બે ફૂટ જેટલો પાણીનો ભરાવો થઇ ગયો હતો. જેના કારણે પાયા નબળાં પડી ગયા હતાં. સ્થાનિક લોકોએ એવી ફરિયાદ કરી હતી કે 2000ની સાલથી બિલ્ડીંગની જાળવણી કરવામાં આવી જ નથી. આ રીતે વિશ્ર્વમાં બહુમાળી ઇમારતો અને રહેણાંક આવાસોના જનક ગણાતાં અમેરિકા જેવા દેશને કડવી વાસ્તવિકતાનો સામનો કરવાનો આવ્યો છે.
વિકાસશીલ એટલે કે ગરીબ દેશોની સ્થિતિ અને ઇમારતો તૂટી પડવાની ઘટનાને જોઇને મૂંછમાં મલકાતા રહેતાં અમેરિકનો હવે રડવું કે હસવું એ નક્કી કરે તેમ નથી. કેમ કે વિકાસશીલ દેશો જેવી સ્થિતિ એમના માટે હવે ઉભી થઇ રહી છે. અમેરિકામાં પણ બિલ્ડીંગ ક્ષેત્રેમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતીઓ વ્યાપક રીતે ફેલાયા હોવાનું માયમીની ઘટનાએ ઉઘાડું કરી કરી દીધું છે.