હાથી જીવતો લાખનો, મરે તો સવા લાખનો
ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતવામાં સફળ ન થાય તો પણ અગ્રણી ઉદ્યોગપતિ અને જાયન્ટ પોલીટીકલ પર્સનાલીટી તરીકે સેનેટ પર તેમનો પ્રભાવ ‘બરકરાર’ રહેશે
ટ્રમ્પના આત્મવિશ્ર્વાસુ સ્વભાવ અને બોલેલુ કરીને છૂટવાની મનની ગાંઠ અમેરિકાના ઇતિહાસમાં હવે નવા સમીકરણો સર્જે તો નવાઇ નહીં
કહેવત છે ને કે હાથી જીવતો લાખનો, મરે તો સવા લાખનો… આ કહેવત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ પર બિલકુલ બંધ બેસે છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધાર્યા કરતા ઘણા ઉલટા સંજોગો ઉભા થયા છે. મતદાન પ્રક્રિયામાં ‘છબરડા’ થયા હોવાનો ડોનાલ્ડ ટ્રંપે આક્ષેપ કરતા સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં પહોચ્યો છે. હરિફ જો બિડેન ‘મતચોરી’ કરતા હોવાના આરોપથી આ ચૂંટણી પ્રક્રિયાએ નવો વળાંક લીધો છે. મહાસત્તાના મહારથી કોણ બનશે? એ ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ ડોનાલ્ડ ટ્રંપ રાષ્ટ્રપ્રમુખ બને કે ન બને તેમનું ‘ટ્રંપ કાર્ડ’ યથાવત જ રહેશે તે સ્પષ્ટ છે.
ઘણા પોલ અને વિશ્ર્લેષકોનું માનવું છે કે, ડોનાલ્ડ ટ્રંપ ‘રાષ્ટ્રપતિ પછી’ વધુ ઘાતક સ્વભાવી સાબિત થાય તેવી પૂરી શકયતા છે. આ વર્ષે ૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણીમાં કદાચ ડોનાલ્ડ ટ્રંપ રાષ્ટ્રપતિ ન બની શકે તો પણ તેમનો પ્રભાવ એટલો જ રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
અમેરિકાની ચૂંટણીમાં આ વખતે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના હરિફ બિડેન વચ્ચે કસોકસની ટક્કર જામી ચૂકી છે ત્યારે એવું માનવામાં આવે છે કે, કદાચ આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ વર્તમાન પ્રમુખ હોવા છતાં બીજીવાર પ્રમુખ બનવામાં ચૂકી જાય અને અમેરિકન રાજદ્વારી ક્ષેત્રમાં પ્રમુખના પરાજયનો એક નવો ઈતિહાસ રચાય તેવા સંજોગોમાં અમેરિકા માટે ટ્રમ્પકાર્ડ વધુ જોખમી બને તેવું દેખાઈ રહ્યું છે. પ્રમુખપદ પછી અત્યારે દેખાય છે તેના કરતા ટ્રમ્પ વધુ ઘાતક બની શકે છે. ૨૦૨૧ના ટ્રમ્પ અને ૨૦૨૪ના ટ્રમ્પમાં આસમાન જમીનનો નહીં પરંતુ હાથી અને સિંહ જેવો તફાવત આવી શકે છે.
એક દાયકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની આક્રમકતા વાળો સ્વભાવ પ્રદર્શીત કરતા હજ્જારો ટ્વીટ કર્યા છે. દરેક પ્રસંગે પોતાની એક વિશિષ્ટ લાગણીનું પ્રદર્શન કરતા ટ્રમ્પના સ્વભાવ પ્રમાણે બિડેન કદાચ ચૂંટણી જંગ જીતી જાય તો પણ સત્તાના કેન્દ્રમાં ડોનાલ્ડ ટ્રમ્પ રહે તેવું દેખાઈ રહ્યું છે. તેમણે ‘ટ્રમ્પે’ ટવીટરમાં જણાવ્યું હતું કે, જો કોઈપણ સંજોગોમાં બિડેન વિજય મેળવવામાં સફળ થઈ જાય તો તમે મને સામાન્ય જીવતા નહીં જોઈ શકો, હું આ દેશ છોડી દઈશ. જો ટ્રમ્પ આ ચૂંટણી જીતવામાં સફળ ન થાય અને બિડેન પ્રમુખ બને તો પણ ટ્રમ્પ પોતે એક મોટા એક ઉદ્યોગપતિ છે. સેનેટમાં તેમનો પ્રભાવ બરકરાર રહેશે. સત્તામાં ન આવે તો પણ ટ્રમ્પનું પ્રભુત્વ અમેરિકાના રાજકારણમાં રહેશે.
ટ્રમ્પે પરોક્ષ રીતે જો પોતે પરાજીત થશે તો નાઈઝીરીયા ચાલ્યા જશે તેવી ટ્વીટ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની પરિસ્થિતિ અગાઉ ૨૦૧૬માં ૬ કરોડ મતો મળ્યા હતા. આ વખતે ૭ કરોડ મતો મેળવ્યા છે. તેમ છતાં બિડેન જીતે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે અમેરિકા માટે ટ્રમ્પ વધુ આક્રમક બની શકે છે. અગાઉ ક્લીન્ટન, બુશ અને ઓબામાં બે ટર્મ સુધી શાસનમાં રહ્યાં. તેઓએ જોન કેરી, જોન મીકેઈન, રોમની જેવા પૂર્વ પ્રમુખોના બે ટર્મના રીવાજને જાળવી રાખ્યો હતો .પરંતુ ટ્રમ્પ કદાચ આ ચૂંટણી જીતવામાં સફળ ન રહે તો તેઓ વધુ આક્રમક બની શકે તેમ છે.
ટ્રમ્પ અત્યારે પરાજીત થઈને વ્હાઈટ હાઉસમાંથી બહાર નીકળવા જ માંગતા નથી. તેમણે ચૂંટણી પ્રક્રિયાને અને મત ગણતરીને અદાલતમાં પડકારી છે. તેઓ જાન્યુઆરી સુધીમાં પ્રમુખ તરીકે રહેશે અને નવા પ્રમુખનો કાર્યકાળ જાન્યુઆરી ૨૦૨૦થી શરૂ થશે. ચૂંટણી બાદ મતદાનના દિવસથી ૧૦ અઠવાડિયાના સમયગાળા દરમિયાન નવેમ્બર મહિનામાં જાન્યુઆરીમાં નવા પ્રમુખને વ્હાઈટ હાઉસનો કબજો મળે છે તેવા સંજોગોમાં ટ્રમ્પે અત્યારથી જ આ મુદ્દો અદાલતના આંગણે લઈ ગયા છે. ટ્રમ્પ એક મોટા ઉદ્યોગપતિ અને જીદ્દી રાજનેતા છે ત્યારે જો ચૂંટણીના પરાજય થઈ જાય તો ૨૦૨૪ના ટ્રમ્પ અત્યારના ટ્રમ્પથી સાવ અલગ અને આક્રમક બની જશે તેમાં બે મત નથી.