કળિયુગમાં સતયુગનો સૂરજ ઉગવાના હવે દિવસો ગણાય છે! ‘ગાગરમાં સાગર’નું દર્શન કરાવશે ઉંઝાની ઉમિયામાં -ભૂમિ ! લક્ષચંડી મહાયજ્ઞના અભૂતપૂર્વ ભકિતભીના થનગનાટને અભિવંદના: છતા રાજગાદીલક્ષી રાજપુરૂષોથી ચેતવું
એક વખત કોઈ એક ભાવિક મનુષ્યે એક સંત મહાત્માના ચરણે પૈસાનો ઢગલો કર્યો અને બે હાથ જોડીને કહ્યું, ‘મહારાજશ્રી, મંદિર બાંધવા અને ભગવાનને ગમતા કોઈપણ કાર્યમાં ઉપયોગમાં લેવા હું આ પૈસા તમારા ચરણે ધરૂ છું મહાત્માએ પ્રસન્નતાપૂર્વક એ પૈસા સમાજના ભૂખ્યા દુ:ખ્યા ગરીબોને ભોજન કરાવવામાં અને અને તેમના ઉઘાડા દેહને ઢાંકવામાં ખર્ચી નાખીને ભારપૂર્વક કહ્યું કે, ગરીબ માનવીનાં હૃદય કરતા વધુ ઉમદા મંદિર બીજા કોઈ નથી. જયાં જયાં ભૂખ્યા જનના પેટ ભરાય છે. ત્યાં પરમાત્મા પ્રગટે છે. અને તે સ્થાન મંદિર બની જાય છે. દાયકાઓ પહેલા આમ કહેનાર સંત મહાત્મા તે પરમ પૂજય શ્રી રણછોડદાસજી મહારાજ હતા, જેમણે રાજકોટમાં ૧૯૪૬માં અભૂતપૂર્વ શ્રી રામ મહાયજ્ઞ કર્યો હતો. જે એક મહિના સુધી ચાલ્યો હતો અને આખા સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી અગણિત લોકો એમાં જોડાયા હતા. અને જીવનભર ન વિસરાય એવો દુર્લભ લાભ લીધો હતો. તે પછી હમણાં સુધી રાજકોટની ઝડપભેર ચઢતી કળા થતી રહી છે. અને આ યજ્ઞ વખતનું ખોબા જેવડુ રાજકોટ કલ્પનામાં ન આવે એટલો બહુમુખી વિકાસ પામ્યું છે.
આ સુખદ ઘટના એટલા માટે યાદ આવી છે કે માતા ઉમાના ભકતોની સમગ્ર કોમ ઉંઝા (સૌરાષ્ટ્ર)માં અભૂતપૂર્વ અને ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ સ્વરૂપનો લક્ષચંડી મહાયજ્ઞ કરવા સજજ થઈ છે.
એના આયોજકોએ દર્શાવ્યું છેકે, આ ‘યાવત્ચંદ્ર દિવાકરૌ સ્મૃતિ’ સમો યજ્ઞનો મંત્ર છે, ‘સર્વ જન હિતાય, સર્વજન સુખાય’ છે, એટલે કે જનજનનાં સુખ, શાંતિ અને માનવ માત્રના કલ્યાણ અર્થે છે. આ ‘ભવ્યાતિભવ્ય’ અને દિવ્યાતિદિવ્ય’ મહાયજ્ઞનાં સુખદાતા-દુ:ખહર્તા દર્શનનો એક કરોડથી વધુ ભકતજનો લાભ લેશે એવું અનુમાન છે. ‘કડવા પાટિદાર સમાજ’ દ્વારા દશ લાખ લોકોને આ મહાયજ્ઞનો દુર્લભ લાભ લેવા દશલાખ નિમંત્રણ પત્રિકાઓ પહોચાડવાનો લક્ષ્યાંક છે જે અમેરિકા, પોલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન જેવા વિદેશોમાં ઘેર ઘેર જઈને પહોચાડાશે.
સર્વશ્રી બાબુભાઈ જમનાભાઈ પટેલ, મણિભાઈ મમ્મી, અરવિંદભાઈ કે. પટેલ, દિલીપભાઈ નેતાજી, એમ.એસ. પટેલ (આઈએએસ), મુકેશભાઈ પટેલ, અરવિંદભાઈ સોમાભાઈ પટેલ, હરેશભાઈ કાપડિયાનાં માર્ગદર્શન અને અન્ય મહારથીઓનાં પ્રબુધ્ધ અને બળુકા સહાય, સંગાથ તેમજ સહકાર હેઠળ સેવાર્થી બંધુ ભગિનિઓની સારી પેઠે મોટી સ્વયંસેવક ફોજ આ મહત્વાકાંક્ષી આયોજનના વિવિધ કાર્યોમાં ખડે પગે સેવા આપવા સુસજજ રહેશે, જેને ‘મા ઉમિયા સેવા સ્વયંસેવક દળ’ તરીકે બહુમાનિત કરાશે એવું કલ્પી શકાય છે !
આ મહાયજ્ઞ અંતર્ગત બુધ્ધિગમ્ય અને મનોરંજક છતાં હેતુલક્ષી એવા એકસ્પો, વ્યસનમૂકિત, એમ્યુઝમેન્ટ પાર્ક, બાળનગરી જેવા અનેકવિધ આયોજનો થયા છે, જે આબાલવૃધ્ધ સહુ કોઈ માટે આકર્ષણના કેન્દ્રો બનશે અને સરવાળે સમગ્ર પાટિદાર સમાજ માટે પ્રેરણા રૂપ અને કલ્યાણકારી બનશે.
‘અબતક’ના માહિતી ભરપૂર અહેવાલ મુજબ ૧ લી ડિસે.થી ૧ લાખ ચંદીપાઠના પઠનનો શાસ્ત્રોકતવિધિ પ્રમાણે પ્રારંભ કરવામાં આવશે. ત્યારબાદ લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. જેમાં એક લાખ ચંદીપાઠના ૧૦માં ભાગનાં ૧૦,૦૦૦ પાઠની શાસ્ત્રોકતવિધીથી આહુતી પણ આપવામાં આવશે. લક્ષચંડી મહાયજ્ઞ નિમિતે ઠેર ઠેર જગ્યા પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બધું દર્શાવે છે કે, ગણતરીના દિવસોમાં ઉંઝાની ‘મા ઉમિયા ભૂમિ’ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવના અતિ શુભ અને પરમપાવક અવસરનાં મંગલાચરણીય વાતાવરણથી ધમધમશે. એનો થનગનાટ આખા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નિહાળવા મળશે. એમાં ઉમીયામાતાજીના જયજયકારનો મંગલમય ધ્વનિ રેલાશે અને કળિયુગમાં સતયુગની રોમાંચક સુગંધ પણ હશે.
અહીં એમ કહી શકાય કે આવા મહાયજ્ઞથી પ્રજાકીય એકતા સર્જાય છે. અને એકસંપની ભાવના દ્દઢ બને છે.
આપણા સમાજને અને આપણા દેશને અત્યારે સૌથી મોટી ખોટ રાષ્ટ્રીય એકતાની અને સામાજિક એકતાની છે. રાજકીય ગંદવાડે અને છીછરી તથા સંકુચિત માનસિકતાએ એને છિન્નભિન્ન કરી નાખી છે. રાજગાદીના અને રાજકીય લાભાલાભનાં રાજકારણે આપણા દેશની લોકશાહીને પણ બેસુમાર ખંડિત અને ખોખલી કરી છે. આ મહાયજ્ઞ ‘સર્વ જન સુખાય-સર્વજન હિતાય’ની ભાવનાને વાતાવરણના અણુ પરમાણુઓમાં આંદોલિત કરશે અને સંભવત: રાષ્ટ્રીય-સામાજિક એકતા એકસંપના નૂતન ક્ષિતિજો ખોલી આપશે.
દુનિયામાં એવી ઘણી વ્યકિતઓ છે કે જે સફળતા મેળવીને સારી પેઠે આગળ નીકળી જઈ શકી છે, જેમાં ચાણકય, રતન તાતા, મુકેશ ધીરૂભાઈ અંબાણી, વિજય શેખર શમા, (પેટીએમ), માર્ક ઝકરબર્ગ (ફેસબુક), જેફ બેઝોસ (એમેઝોન), ઈલોન મસ્ક (ટેસ્લા મોટર્સ)નો સમાવેશ થાય છે. ઉમિયા માતાજીનાં સંતાનો સમા કડવા પાટિદાર સમાજના દીકરા-દીકરીઓ પરિવારજનો ઉમિયા માતાજીની દયા-કરૂણામાં દ્દઢ શ્રધ્ધા રાખીને કોઈ પણ પરમ ધ્યેય પ્રત્યે એકસંપની ભાવના સાથે આગળ વધે તો એમના પ્રત્યેક પગલે સફળતાના સાથિયા પૂરાતા રહે છે.
લક્ષચંડી મહાયજ્ઞના સુખદાતા-દુ:ખહર્તા, પવિત્ર અને મંગલકારી અવસરને ‘અબતક’ અલૌકિક અને અલભ્ય અવસર ગણીને આવકારે છે. અને આવા આયાજેનના ઉમદા વિચાર માટે અને એના સમયસર અમલ માટે આનાં શુભચિંતકો-આયોજકોને અભિનંદન તથા શાબાશીના અધિકારી માને છે. સમગ્ર સમાજ અને સુકાનીઓ આ આયોજનને સફળ બનાવવા માટે તેનો બળુકો હાથ લંબાવે એવી પ્રભુને પ્રાર્થના કરે છે. આમાં ‘અબતક’ના પૂરેપૂરા સાથ સહકારની ઓફર કરે છે. અહી સૌથી મહત્વનું સૂચન એ છે કે પરમ સંત પૂ. રણછોડદાસજી મહારાજના ઉપદેશને ન ભૂલે કારણ કે એ ઉપદેશ સંતગુરૂ શ્રી જગાબાપા અને બધા જ સંત મહંતનો છે !