તંદુરસ્ત લોકતાંત્રીક વ્યવસ્થા માટે સદેખુ રાજકારણ પ્રાણવાયુ જેવું ગુણકારી હોય છે પરંતુ રાજકારણ હંમેશા સર્વ હિતાયે, સુખાયે…ના અભિગમને અનુસરતું હોવું જોઈએ. લોકશાહીમાં સંગઠન એકયતા અને રાષ્ટ્ર ભાવના આવશ્યક અને પર્યાપ્ત પરિબળ ગણવામાં આવે છે પરંતુ રાજકારણમાં જ્યારે જ્ઞાતિના વાડાના અવરોધો અને જ્ઞાતિલક્ષી અભિગમનો સંચાર થાય ત્યારે રાજકારણનો હેતુ અને તેના પરિણામો સમુળગા બદલાય જાય છે. એ વાત સાચી છે કે, ભારત બિનસાંપ્રદાયિક લોકતાંત્રીક રાજ્ય અને રાજકારણ વ્યવસ્થા માટેનું એક આદર્શ રાષ્ટ્ર બની રહ્યું છે.
21મી સદીના વિશ્ર્વના અનેક દેશો માટે વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની લોકતાંત્રીક વ્યવસ્થા એક આદર્શ અને અનુકરણીય બની છે. પરંતુ દેશની આ વિરાસતને કોઈની નજર લાગી ગઈ હોય તેમ છેલ્લા કેટલાંક સમયથી જાહેર જીવનમાં જ્ઞાતિના રાજકારણમાં પરિમાણોએ એક આગવું વાતાવરણ ઉભુ કર્યું છે.
જ્ઞાતિનું રાજકારણ સામાજીક, સંગઠન અને સ્વવિકાસ માટે એક આદર્શ વ્યવસ્થા ગણાતી હશે પરંતુ જ્ઞાતિના સમીકરણો જ્યારે સાપ્રંત રાજકારણમાં કાઠુ કાઢે ત્યારે ફાયદા કરતા નુકશાન વધારે થાય છે. સંવિધાનની હિમાયત અને લોકતાંત્રીક રાજ વ્યવસ્થામાં દરેક નાગરિકને સમાનતાના ધોરણે અધિકારો આપવામાં આવે છે તેમાં ક્યાંય જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના ભેદભાવ રાખવામાં આવતા નથી. તો પછી શા માટે રાજકીય પ્રભુત્વના ભ્રમને પોષવા માટે સમાજ અને રાજકીય ક્ષેત્રના આગેવાનો પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે જ્ઞાતિવાદને પોષતા હશે ?
જ્ઞાતિનું આ પરિમાણ તંદુરસ્ત, નિરોગી શરીરમાં થતી ફોડકી જેવી હોય જેની અનદેખી કરવામાં આવે તો મોટુ ગુમડુ અને નાસુર બની જાય તેવી જાહેર રાજકીય ક્ષેત્રે જ્ઞાતિના સમીકરણોને હાવી થવા ન દેવાય. ચૂંટણીની મત બેંક, રાજકીય મહત્વકાંક્ષાને પોષવા માટે પોતિકાઓને સંગઠીત કરવાના નામથી ઉભી થયેલી જ્ઞાતિના રાજકારણની આ સમસ્યાની એક લક્ષ્મણ રેખા હોવી જોઈએ જે સર્વહિત અને દેશહિતની દ્રષ્ટિ ધરાવતી હોવી જોઈએ.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીથી લઈ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં વર્ચસ્વની સતત હોડ ચાલતી હોય છે. પોત-પોતાના સમાજ અને જ્ઞાતિના છેવાડાના મતદારોની પ્રભાવી કરવા અને પોતાની તરફ વાતાવરણ બનાવવા માટે જ્ઞાતિના રાજકારણને સતતપણે હવા આપવામાં આવવાની એક ફેશન બની ગઈ છે.
જ્ઞાતિના સમીકરણોના દેતવાઓને ફૂંક મારી-મારીને સળગતા રાખવાની રાજકારણીઓની પ્રવૃતિઓને અત્યારના સાંપ્રત યુગમાં રાજકીય કુનેહ માનવામાં આવે છે પરંતુ તંદુરસ્ત લોકતંત્ર માટે આવશ્યક એવા સામૂહિક સંગઠનમાં જ્યારે જ્ઞાતિના દ્રષ્ટિકોણનું પરિબળ સામેલ થાય છે ત્યારે વિકાસની દ્રષ્ટિ અને તેના વ્યાપમાં ભારે નકારાત્મક સંકોચનનું પડ ચડી જાય છે. જ્ઞાતિના રાજકારણમાં સ્વહિતની દ્રષ્ટિ સર્વજન હિતાય માટે જોખમી બને છે અને તે પાઘડીના વળ છેડાની જેમ છેલ્લે રાષ્ટ્ર સુરક્ષા અને રાષ્ટ્રની એકતા-અખંડતતા સામે મોટો પ્રશ્ર્ન ઉભો થઈ જાય છે. લોકતાંત્રીક વ્યવસ્થામાં લોકોના મન અને મતની કિંમત છે પરંતુ ટોળાશાહીને ક્યારેય આવકાર ન મળે, યોગ્ય વ્યક્તિના હાથમાં શાસન વ્યવસ્થા રહે તે માટે જ્ઞાતિના હિતથી પર રહીને વિચારવું જોઈએ. જ્યારે દેશના રાજકારણમાં રાષ્ટ્રહિતની દ્રષ્ટિ વધુ તેજમય બની જશે ત્યારે આપો-આપ જ્ઞાતિના રાજકારણને બ્રેક લાગી જશે.