વિકાસમાં આડખીલીરૂપ બનતા લોકોને ઘર વિહોણા કરતા પહેલા ‘ઘરનું ઘર’ આપો: હાઇકોર્ટે ડિમોલીશન સામે એક દિવસનો સ્ટે આપ્યો
શહેરના મઘ્યમાંથી પ્રસાર થતી આજી નદીમાં વર્ષોથી ગંદકીના ગંજ ખડકાય ગયા છે. બે દાયકાથી માત્ર ફાઇલો પર ધમધમતો આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ હવે પર્યાવરણ વિભાગનું કિલયરન્સ સર્ટિફીકેટ મળતા સાકાર થાય તેવા સુખદ સંજોગો ઉભા થયા છે. આજી નદીના પટમાં ખડકાયેલા 182 બાંધકામોને દુર કરવા માટે કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશનની નોટિસ ફટકારવામાં આવી છે. દરમિયાન આજે બુલડોઝર સાથે તંત્ર ત્રાટકવાનું પણ હતું દરમિયાન ગુજરાત હાઇકોર્ટ દ્વારા ડિમોલીશન સામે એક દિવસનો સ્ટે આપવામાં આવ્યો છે. અને જંગલેશ્ર્વરમાં કોક્રીંટનું જંગલ ખડકાય ગયું ત્યાં સુધી ઇજનેરો શું કરતા હતા તેઓ સવાલ પણ કર્યા છે.
આજી નદીના પટમાં 70 મીટરની પહોળાઇમાં બન્ને કાંઠે ગેરકાયદે ખડકાય ગયેલા દબાણો દુર કરવા માટે થોડા દિવસ પૂર્વ ડિમોલીશનની નોટીસ કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આપવામાં આવી હતી અને આજે મંગળવારે ડિમોલીશન પણ કરવામાં આવનાર હતુ. દરમિયાન નોટીસ મળતા કેટલાક અસરગ્રસ્તોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદ કુમાર અને જસ્ટીસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, જો આ તમામ 182 બાંધકામો અનઅધિકૃત હોય તો વર્ષો સુધી તંત્ર કયાં હતું.
રાજકોટમા ટી.પી. શાખાની મહેરબાનીથી શહેરના તમામ વિસ્તારોમાં ગેર કાયદે બાંધકામોનો ધમધમાટ ચાલી રહ્યા છે. થોડા ઘણા તોડ કરી આવા બાંધકામો સામે આંખ આડા કાન કરવામાં આવે છે. પછી જયારે કાયદાનો સંકેજો કસાય ત્યારે ઇજનેરો ગેરકાયદે બાંધકામ તોડી પાડવા નીકળી પડે છે. હાઇકોર્ટ અમદાવાદના સાબરમતિ રીવરફ્રન્ટનું ઉદાહરણ ટાંકતા જણાવ્યું હતું કે કોઇપણ ગરીબ વ્યકિતઓને ઘર વિહોાણા કરતા પહેલા તેને ઘરનું ઘર આપવું જોઇએ.
હાઇકોર્ટ જંગલેશ્ર્વરમાં ડિમોલીશન સામે એક દિવસનો સ્ટે આપ્યો છે. આવતીકાલે 1પ જુનથી ચાર મહિના સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ચોમાસામાં ડિમોલીશન કરી શકાતુ નથી. આવામાં હવે જોવાનું રહ્યું કે, કાલે જંગલેશ્ર્વરમાં ડિમોલીશન હાથ ધરાશે કે વધુ એકવાર મુદત આપવામાં આવશે.
માનવતાના ધોરણે ચોમાસાની સિઝન હોય કે અન્ય કોઇપણ સિઝન ગરીબ લોકોને બેઘર બનાવતા પહેલા તેઓને ઘરનું ઘર આવી દેવું જોઇએ. કોર્પોરેશન પાસે હાલ અલગ અલગ આવાસ યોજનાના સેંકડો આવાસો ખાલી પડયા છે. જેની ફાળવણી ડિમોલીશનના અસર ગ્રસ્તોને ફળવી દેવી જોઇએ.
જંગલેશ્ર્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટમાં ખડકાયેલા 182 દબાણો દૂર કરવા માટે નોટિસ અપાયા બાદ હવે હાઇકોર્ટે એક દિવસ માટે ડિમોલીશન અટકાવવા સ્ટે આપ્યો છે. કોર્પોરેશનની માલિકીના અનામત પ્લોટ, રોડ-રસ્તા કે નદીના પટ્ટમાં સેંકડોની સંખ્યામાં ગેરકાયદે બાંધકામો ખડકાઇ જાય છે ત્યાં સુધી તંત્ર મુક પ્રેક્ષક બની તમાસો નીહાળે છે. જ્યારે કોઇ પ્રોજેક્ટ સાકાર કરવાનો થાય ત્યારે આવા બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. જ્યારે ગેરકાયદે બાંધકામો ખડકાતા હોય ત્યારે જ જો ડિમોલીશન કરી નાખવામાં આવે તો ગરીબો ક્યારેય ઘર વિહોણા બને નહીં. ચોમાસુ માથે છે અને છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે જો આજી નદીના પટ્ટમાં 182 બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે તો સેંકડો લોકો ઘરવિહોણા બની જશે. કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓએ માનવતાના ધોરણે આવા પરિવારોને ઘરવિહોણા બનાવતા પહેલા ઘરનું ઘર ફાળવી દેવું જોઇએ.
હાઇકોર્ટ ગેરકાયદે બાંધકામ અટકાવવા માટે સ્થાનિક પ્રશાસનને સતત ટકોર કરતું રહે છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓના પાપે ગેરકાયદે બાંધકામો ક્યારેય અટકતા નથી. સમય જતા અધિકારીઓ બદલાય જાય છે પરંતુ થોડા ઘણા પૈસા ખવડાવી આવા બાંધકામો ખડકનાર લોકો પર આજીવન આશરો છિનવાઇ જવાનો ભય સતત જંળુબતો રહે છે. આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે આગામી દિવસોમાં અનેક બાંધકામો દૂર કરવાની જરૂરીયાત ઉભી થશે ત્યારે તંત્રએ આ માટે કોઇ વચગાળાનો રસ્તો કાઢવાની આવશ્યકતા છે. ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ દરમિયાન જ્યારે આજી નદીમાં ઘોડાપુર આવે ત્યારે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવું પડે છે. આ માટે નદીના પટ્ટમાં ખડકાયેલા ગેરકાયદે બાંધકામો સાથોસાથ ઇંટના ભઠ્ઠા સહિતના અનેક પરિબળો કારણભૂત છે. તંત્ર માટે બુલડોઝર ફેરવી દેવું એક આસાન બાબત છે પરંતુ જે લોકો ચોમાસાની સીઝનમાં આશરા ગુમાવે તેનું જીવન દોહલું થઇ જાય છે.