પર્વાધિરાજ પર્વએ ગિરનાર ગુંજ્યો: હજ્જારો ભાવિકોનાં અંતર અહોભાવે પુજાયા અને માન્યતાઓથી મુક્તિની ઝંખના જાગૃત કરી ગઇ
ઉછળતાં ભક્તિભાવ, આનંદ-ઉત્સાહના લહેરાતાં તરંગો, તપ-ત્યાગની ફૂલબહાર ખીલેલી ભાવનાઓ સાથે ગિરનારની ધન્ય ધરા પર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઉજવાઈ રહેલા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આરાધક ભાવિકોને સ્વયં પ્રભુ, સાક્ષાત હૃદયમાં બિરાજમાન થવા પધાર્યા હોય એવી અલૌકિક અનુભૂતિ કરાવી રહ્યાં.
શબ્દે શબ્દે અમૃતનો આસ્વાદ કરાવતી પરમ ગુરુદેવની વાણીમાં ભીંજાઈને આત્મબોધ પામવા ન માત્ર ગિરનાર ધરા પર 140થી વધુ દેશોના મળીને લાખો ભાવિકો અહોભાવથી જોડાઈને ધન્ય બન્યા હતા.
જીવનની સૌથી મોટી સમૃદ્ધિ તે સંપત્તિ ન હોય પણ અંતરની સમાધિ હોય. પરમાત્મા કહે છે, ધર્મનો સમગ્ર સાર તે સમાધિ હોય. આજ સુધી જેટલાં પણ આત્માનો મોક્ષ થયો છે એનું મુખ્ય ઘટક તે અંતરની સમજણ હોય, જ્ઞાન હોય. જેમ જેમ સમજણ કેળવાતી જાય એમ એમ સમતાભાવ વધતો જાય અને એમ એમ મોક્ષ યાત્રા આગળ વધતી જાય.પરમાત્મા કહે છે આખો મોક્ષ માર્ગ સમજણથી સર્જાયેલો છે.
આ જગતમાં જ્યાં જ્યાં જેટલા જેટલા પ્રોબ્લેમ સર્જાઇ રહ્યા છે તે દરેકના મૂળમાં કોઈ એક મુખ્ય તત્વ હોય તો તે સમજણનો અભાવ! જ્યાં જ્ઞાન અને સમજ હોય ત્યાં સમાધિ હોય અને જ્યાં અજ્ઞાન અને અણસમજ હોય ત્યાં જ અસમાધિ હોય. આ જગત સંપત્તિની મૂડીને પામવા દોડી રહ્યું છે, આ પર્વાધિરાજ પર્વમાં આપણે સમજણની મૂડી વધારીને આપણા જીવનને સમાધિમય બનાવવું છે. સમજણની મૂડી વધારવા માટે પ્રભુ વચનોરૂપી વરસતા સોનાના સિક્કાના વરસાદને માત્ર પર્યુષણના દિવસો દરમિયાન જ નહીં પરંતુ રોજ રોજ જીલીને ધન્ય બનીએ! આ પર્વાધિરાજમાં પ્રભુ ચરણે પ્રાર્થના કરીએ કે, હે પ્રભુ સમજણ દેહે અમારા હૃદયમાં બિરાજી અમને સમજણનું વરદાન આપીને અમારી મોક્ષ યાત્રાનો પ્રારંભ કરાવો અમારું આત્મકલ્યાણ કરાવો!રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી પ્રગટ થયેલાં આવા પરમ કલ્યાણકારી બોધ વચનો જાણે કે એક ચિનગારી બનીને ભવ્ય જીવોની સુષુપ્ત આત્મા ચેતનાને ઝંકૃત કરી ગયાં હતાં.
વિશેષમાં જગતની દરેક સમસ્યાનું જેમાં સમાધાન સમાયું છે એવા પ્રભુ મહાવીર કથિત 32 આગમ ગ્રંથોનું અહોભાવથી નત મસ્તક બનીને પૂજન-અર્ચન અને પ્રદક્ષિણા વંદન કરતા ભાવિકોના એ વંદનીય દ્રશ્યો પ્રભુની વિદાયના 2600 વર્ષ પછી આજે પણ પ્રભુની પ્રત્યક્ષ ઉપસ્થિતિની અનુભૂતિ કરાવી ગયાં હતાં.પર્વાધિરાજ પર્વ જેવા પાવન દિવસોમાં માત્ર આત્મધર્મ જ નહીં પરંતુ પરમાર્થ ધર્મ એટલે કે દાન ધર્મનું કર્તવ્ય બજાવવાની પરમ ગુરુદેવની પ્રેરણાને જીલીને આજના દિવસે હજારો ભાવિકોએ જરૂરિયાતમંદ લોકો માટે અઢળક વસ્ત્રદાન કરીને એક બહોળું સત્કાર્ય પાર પાડ્યું હતું.
ઉપરાંતમાં અનંતકાળની ઈચ્છાઓ-આકાંક્ષાઓ, દુર્ગુણ અને પાપદોષોના પિંજરમાં કેદી બની બેઠેલા આત્માની મુક્તિ માત્ર ને માત્ર પ્રભુના શરણમાં સમાયેલી છે એવી અનુભૂતિ કરાવતા અદભુત પ્રયોગે ન માત્ર હજારો આંખોને આંસુઓથી ભીંજવી દીધી પરંતુ અનેકના અંતરમાં પોતાની માન્યતાઓના બંધનથી મુક્તિ પામવાની એક અદ્મ્ય ઝંખના જગાવી દીધી હતી.બપોરના સમયે બાળકો માટે બાલ આલોચના વિધિ યોજાશે. પર્વના અંતિમ દિન તારીખ 19/9/2023ના દિને બપોરના સમયે “સંવત્સરી આલોચના વિધિ” તેમજ સાંજના સમયે “સંવત્સરી પ્રતિક્રમણ આરાધના” વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે.
પરમ ગુરુદેવના સાંનિધ્યે અંતર દ્રષ્ટિને સત્યનો ઝબકાર આપી જનારા એવા આયોજિત કરવામાં આવેલા દરેકે દરેક અવસરનો લાભ લઈ આત્મકલ્યાણ સાધવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા પારસધામ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.આયોજિત દરેક કાર્યક્રમ નેમ દરબાર, રૂપાયતન રોડ, ભવનાથ તળેટી, જુનાગઢ ખાતે રાખવામાં આવ્યાં છે.