રોગી કલ્યાણ સમિતિનાં વહિવટ અને આવક-જાવકના હિસાબ સામે ઉઠ્યા અનેક સવાલો : બહારથી વિઝિટમાં આવતા તબીબો સમયસર આવતા ન હોવાની અનેક ફરિયાદો : આરોગ્ય સેવામાં અનેક છીંડાથી દર્દીઓ પરેશાન
જુનાગઢ તા. ૧૨ હવે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં નવો કેસ કઢાવવામાં પણ રૂપિયા પાંચ અને દાખલ કેસના રૂ. ૨૦ ફી લેવાનુ શરૂ કરી દેવામાં આવી ચૂક્યું છે, આ ઉપરાંત વિવિધ સેવાઓ માટે હવે અન્ય મોટા શહેરોની જેમ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પણ રોગી કલ્યાણ સમિતિના કલ્યાણ માટે તથા જી.ઇ.એમ.આર.એસ.ના ઉદ્ધાર માટે જુનાગઢ સહિત ૫ જિલ્લામાંથી આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પાસેથી પૈસા ઉઘરાવવા લગાયા છે, ત્યારે જૂનાગઢની પ્રજા પર આવી પડેલા ભારણ વ્યાજબી છે કે ગેરવાજબી ? તે અંગે ચર્ચા પ્રજામાં થાય છે, પરંતુ દર વખતની જેમ જુનાગઢના પીઢ નેતા અને અમુક છાપેલા કાટલાં જેવા ઉભરાયેલા નેતાઓ ત્રણ મૂર્તિની જેમ… જોવે છે, સાંભળે છે અને ચૂપ થઈને જૂનાગઢ સિવિલની પેડ સુવિધા અંગે કંઈ બોલતા નથી.
વર્ષો પહેલાં રોગી કલ્યાણ સમિતિ દ્વારા ભંડોળ ઉભુ કરવા માટે અગાઉ લિકર પરમીટ જેવી સામાન્ય પ્રજાને લાગુ ન પડે તેવી સુવિધામાં પૈસા ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે કેસથી લઈને ઓપરેશન અને પ્રમાણપત્ર માટે પણ રૂ. ૧૦ હજાર સુધીની ફી ફરજિયાત કરવામાં આવી છે તે જૂનાગઢની પ્રજા માટે યોગ્ય નથી તેવો સૂર ઉઠયો છે.
જૂનાગઢમાં જૂની સિવિલ હોસ્પિટલ કાર્યરત હતી ત્યારથી રોગી કલ્યાણ સમિતિની રચના કરવામાં આવી છે, પરંતુ હવે નવી બનેલી સિવિલમાં તબીબ પાસે તપાસ કરાવવા રૂ. પ, દાખલ થવા માટે રૂ. ૨૦, ડિજિટલ એક્સરે માટે રૂ. ૧૦૦, માયનોર ઓપરેશન માટે રૂ. ૧૦૦, મેજર ઓપરેશન માટે રૂ. ૨૦૦, સિટી સ્કેન માટે રૂ. ૧૦૦૦, જોબ માટે ફીઝીક્લ ફિટનેસ સર્તી માટે રૂ. ૧૦૦, ઉંમરના સર્ટી માટે રૂ. ૨૦, ઇજા કે પીએમ રિપોર્ટ માટે રૂ. ૨૦, સિક લીવ ફિટનેસ સરટી માટે રૂ. ૨૦૦ તથા લિકર સર્ટિ તેમજ હથિયાર પરમીટ માટે જોઈતા ફીઝીક્લ સર્ટિ માટે પણ રૂ. ૧૦ હજાર સુધીની ફી માટે રોગી કલ્યાણ સમિતિ તથા જીએમીઆરએસ સોસાયટી એ કમર કસી છે, ત્યારે વર્ષે કરોડો રૂપિયાના આકડે પહોંચનાર ભંડોળ ક્યાં વપરાય છે તેની વિગતોમાં લોકોને વધુ રસ છે
સામાન્ય રીતે ઉભુ કરાતું આ ભંડોળ સિવિલ હોસ્પિટલમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગ્રાન્ટ ફાળવણીમાં પગ પહોંચે નહીં ત્યાં રોગી કલ્યાણ સમિતિ ના અનામત ભંડોળ માંથી પૈસા વાપરવામાં આવે છે, દાખલા તરીકે દવા પૂરી પાડનાર કોન્ટ્રાક્ટર સમયસર દવા કે તબીબી સાધનો મોકલવામાં વિલંબ કરે અને જરૂરિયાત ઊભી થાય ત્યારે ગ્રાન્ટની રાહ જોયા વગર રોગી કલ્યાણ સમિતિ પોતાની રીતે જરૂરી સાધન સામગ્રી દવા મેળવી લેશે, હોસ્પિટલમાં જોઈતા સાધનો, સગવડો,આ ઉપરાંત ખુંટતા તબીબોને હંગામી ધોરણે ફરજમાં બોલાવવામાં જે ખર્ચ થાય તે રોગી કલ્યાણ સમિતિ દ્વારા ચૂકવવામાં આવે છે, આમ રોગી કલ્યાણ સમિતિની રચના અને ભંડોળ ઊભું કરવાનો હેતુ પ્રજાલક્ષી છે, સરકારની ગ્રાન્ટમાંથી જ્યાં ખાચ આવે ત્યાં રોગી કલ્યાણ સમિતિનું ભંડોળ વાપરવામાં આવે છે. પરંતુ રોગીઓના કલ્યાણ માટે બનેલી આ સમિતિએ નામ પ્રમાણે રોગીઓના કલ્યાણ કરવાની સાથે ગરીબ દર્દીઓના ખિસ્સા ખાલી કરવાનું ચાલુ કરી દેતા બીપીએલ કાર્ડ ન ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આવશ્યક એવી તબીબી સેવાને વેપાર બનાવી દેતા દર્દીઓ અને એના પરિવાર જનોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી અને રોષ પ્રગટ્યો છે.
બીજી બાજુ રોગી કલ્યાણ સમિતિનો વહીવટ અને આવક-જાવકના હિસાબ સામે અગાઉ અનેક સવાલો ઉઠયા હતા, અને હાલમાં પણ જે બહારથી તબીબોને વિઝિટમાં કે સારવાર અથવા તપાસમાં બોલાવાય છે તે નિયમિત આવતા નથી અથવા આવે છે તો, આવીને પૂરતો સમય આપવાના બદલે વહેલી ચાલતી પકડાતા હોવાની બૂમો અને ફરિયાદો છે, ત્યારે હવે જ્યારે સિવિલ હોસ્પિટલમાં દરેક સેવા રોગી કલ્યાણ સમિતિના કલ્યાણ માટે અને જી.ઇ.એમ.આર.એસ.ના ઉદ્ધાર માટે પેડ બનાવાઈ ચૂકી છે ત્યારે પ્રજા પાસેથી ઉઘરાવેલા પૈસા યોગ્ય અને ઉચિત રીતે વપરાવા જોઈએ તેવો સૂર પણ લોકોમાંથી ઉઠવાનો શરૂ થયો છે.
જો કે જૂનાગઢની પ્રજા પર આવી પડેલી આ સિવિલ હોસ્પિટલની પેડ સુવિધા સામે કોઈ વિરોધ કરવામાં આવતો નથી ત્યારે રોગી કલ્યાણ સમિતિ અને જી.ઇ.એમ.આર.એસ દ્વારા દર વર્ષે લાખો રૂપિયાની રકમ જમા થાય છે, તે ક્યાં વાપરવામાં આવે છે ? જે રકમ વપરાય છે તેનો લાભ દર્દીઓને પૂરતો મળે છે કે કેમ ? તેની ચર્ચાઓ અને અનેક સવાલો ખડા થયા છે, ત્યારે રોગી કલ્યાણ સમિતિની માત્ર વર્ષમાં બે વખત મળતી બેઠકમાં ભંડોળ ઉભુ કરવા માટે સેવામાં ભાવ વધારો કરવાને બદલે રોગીઓ, દર્દીઓ માટે તેના પરિવારજનોના ખિસ્સાને પરવડે તેવી નક્કર સુવિધા આપવામાં આવે અને તેનું યોગ્ય નિરીક્ષણ પણ સમિતિ જ દ્વારા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.