સજીવ માટે ત્રણ ચીજ અતિ આવશ્યક મનાય છે હવા,પાણી અને ખોરાક. સજીવ જન્મે,જીવે અને વૃદ્ધિ પામે એ માટે આ ત્રણ વસ્તુ આવશ્યક છે. આ ત્રણ માંથી કોઈપણ એકનો આભાવ સજીવને અકાળે મારી નાખે છે. વાત સજીવની હોય કે સંબંધની ;શ્વસવું આવશ્યક છે. શ્વાસ જેવું કશુંક હોવું જરૂરી છે જે જીવંત હોવાનો પુરાવો છે.
આજકાલ વૈશ્વિક સમસ્યા જેવી કોઈ સમસ્યા હોય તો એ છે સંબંધ વિચ્છેદ. કોઈપણ સંબંધમાં સાતત્યનો અભાવ, જીવંતતાનો અભાવ અને આનું એકમાત્ર કારણ એ છે કે સંબંધમાં સંવાદનો અભાવ છે. બદલાતા સમય સાથે ઘણું બદલાયું છે. સમય, શિક્ષણ, વિચારો, જીવનશૈલી અને કુટુંબપ્રથા- આ બધા બદલાવને લઈને ક્યાંક સંવાદ ખૂટી રહ્યો છે. સંવાદ એ સંબંધનો શ્વાસ છે. સંવાદથી જ સંબંધ શ્વસે છે અને સંવાદથી જ એ વૃદ્ધિ પામે છે. માણસની પ્રગતિમાં સંવાદનો હિસ્સો મોટો છે જે ભાગ્યે જ આપણે માનીએ કે સ્વીકારીએ છીએ. સંવાદના અભાવ માટે ઘણા કારણો જવાબદાર છે.
એક સમય હતો કે જ્યારે સયુંકત કુટુંબપ્રથા અમલમાં હતી. સયુંકત કુટુંબમાં જન્મેલું બાળક પ્રમાણમાં વહેલું બોલતા શીખતું એનું મુખ્ય કારણ એ હતું કે ઘરમાં બહુ બધા લોકો બોલવા વાળા હોય. બાળક કશુંજ નથી સમજતું હોતું ત્યારે પણ અલગ અલગ ધ્વનિ એના કાનને સ્પર્શે છે , એને શબ્દોની સમજ નથી હોતી પણ અવાજ અનુભવતું થાય છે. ઘરમાં એક સાથે અનેક અલગ અલગ અવાજો વચ્ચે એની બોલવાની પ્રક્રિયા તેજ બને છે અને બાળક સમયસર કે ઉંમર કરતા વહેલું બોલતા શીખે છે. સયુંકત પરિવારમાં બાળક સાથે વાત કરનાર કોઈને કોઈ ઘરમાં હોવાનું જ જેના કારણે બાળકમાં સંવાદનો ગુણ વિકસે છે. ઘરમાં જેટલા વધારે સભ્યો એટલા વધુ વિચારો, એટલીવધુ વ્યસ્તતા અને એટલા વધુ વિષયો જેના કારણે બાળકમાં બહુ બધા વિષયોનું જ્ઞાન વધે છે. પરિવાર સાથે બાળપણથીજ સંવાદ કરતું રહેતું બાળક ડિપ્રેશન કે એવી કોઈ બીમારીનો ભોગ નથી બનતું. બાળક એની સમસ્યા સહેલાઈથી જણાવી શકે છે અને એનો ઉકેલ પણ સમજુતીથી મેળવી શકે છે. સયુંકત પરિવારમાં વડીલો સાથે હોવાથી માતા-પિતા પણ કોઈ વાતને લઈને બાળકની હાજરીમાં વાદ-વિવાદ પર નથી આવી જતા જેના લીધે બાળકને વિવાદ કરતાં સંવાદ વધુ જોવા મળે છે. આજના સમયમાં ’ન્યુક્લિયર ફેમિલી’નો ટ્રેન્ડ વધ્યો છે પરિણામે સંવાદો ઘટ્યા છે. આધુનિક જીવનશૈલી,ફેશન,દેખાદેખી અને મોંઘવારીના આ સમયમાં પતિ-પત્ની બન્ને કમાય એ આવશ્યક છે વળી આજકાલ ’વન કિડ કોન્સેપ્ટ’ પણ ફૂલ ટ્રેન્ડમાં છે પરિણામે પતિ-પત્ની જોબ પર જતાં હોય બાળક એકલું ઘરમાં કાં તો ’બાઈ’ના હવાલે હોય છે કા તો ’મોબાઈલના’ એકલું બાળક સંવાદથી વંચિત રહી જાય છે. સંવાદ એટલે શું? અને સંવાદની આવશ્યકતા વિશે આવું બાળક કશુંજ નથી જાણતું હોતું. પતિ-પત્ની થાકીને આવ્યા હોય અને ઘરપરિવાર અને સમાજના પ્રશ્નોથી અકળાયેલા બન્ને વચ્ચે વાદ-વિવાદનો દોર શરૂ થાય છે. આવા પરિવારના બાળકોને સંવાદ કરતા વધુ વાદ-વિવાદ કરતા જોવા મળે છે.
ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક યુગના કારણે બાળક એકલા રહેવું વધુ પસંદ કરે છે. ઘરમાં બેસીને ટેલિવિઝન, મોબાઈલ ગેમ કે પછી પ્લેસ્ટેશન જેવી રમતો રમતું રહેતું બાળક અંતડું રહી જાય છે. આગળ જતા આવું બાળક સંવાદ સાધવામાં નબળું પુરવાર થાય છે. આજકાલ એ દ્રશ્ય નવું નથી કે એક ઘરના બધાજ સભ્યો નવરાશની પળો માં પણ પોતપોતાના મોબાઈલ ફોનમાં મોઢું નાખીને બેઠા હોય. જુના સમયના ઘણા ઘરોમાં એવો વણલખ્યો નિયમ હોતો કે રાત્રે જમીને પરિવારના તમામ સભ્યો સાથે બેસે. બાળકો વડીલોની વાતો સાંભળે,પોતાના પ્રશ્નો રજૂ કરે, આખા દિવસની દિનચર્યાની આપ-લે થાય. વડીલો દ્વારા બાળકોને જરૂરી સલાહ સુચન પણ થતા. જ્યારે આજે ઘણા માતાપિતાની એવી ફરિયાદ હોય છે કે અમારું બાળક અમારી વાત સાંભળતો જ નથી. આનું કારણ શું? શું આજનું બાળક સ્વચ્છંદ છે? જિદ્દી છે? કે પછી ક્યાંક પેરેન્ટ્સ સંવાદની કલાથી વંચિત છે?
સમયનો અભાવ અને પોતપોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત માતાપિતા પોતેજ એકમેક સાથેનો સંવાદ ઘટાડી રહ્યા છે , સંવાદનો સેતુ રચાય એ પહેલાંજ વિખવાદ શરૂ થઈ જતો હોય છે. ધીરજનો અભાવ, વધુ પડતી જવાબદારીના લીધે વધતું જતું ફ્રસ્ટેશન અને સંવાદ કરવાની નિષ્ક્રિયતાને લઈને વાદ, વિવાદ,વિખવાદ બધુજ થાય છે પરંતુ સંવાદ નથી થઈ શકતો. આજકાલ વધતા જતા સામાજિક પ્રશ્નો કે સંબંધ વિચ્છેદના મૂળમાં આ કારણ જ દટાયેલું છે. ઉંમરલાયક પુત્રનો માતા પિતા સાથેનો સંવાદ એને એની જવાબદારીનું ભાન કરાવવા માટે આવશ્યક છે. પરણવાલાયક પુત્રીને માતા પોતાના જીવનના અનુભવો અને એ અનુભવના અંતે મળતી શીખ વિશે જો વાતો કરે,સંવાદ રચે તો ઘણા લગ્નોને ભંગાણ થતા અટકાવી શકાય. વાત સમજવાની,શાંતિથી વિચારવાની કે સચ્ચાઈના મૂળ સુધી જવા જેટલી ધીરજ આપણે ખોઈ ચુક્યા છીએ અને એ કારણે જ આપણે દરેક વાતને આપણાં મૂડ મુજબ ધારી લેતા થયા છીએ જે વિખવાદનું મુખ્ય કારણ છે.
શબ્દો દ્વારાજ સંવાદ રચાય છે. આજના ઝડપી યુગમાં આપણે શબ્દોનું પણ શોર્ટ ફોર્મ કર્યું છે તો સંવાદને તો કોઈ ચાન્સ જ નથી. આપણે ધીમે ધીમે શબ્દોની ભાષા અને સંવેદના ખોઈ રહ્યા છીએ. સમયના બદલાવ સાથે આપણે હવે ઇમોજીની ભાષામાં વાતો કરતા થયા છીએ. હસવું,રડવું,હા,ના,અને આવા દરેક હાવભાવ કે વાતચીતના ઇમોજીથી આપણે લાગણી પ્રદર્શિત કરતા થયા છીએ અને એ રીતે શબ્દો સાથેનો નાતો તૂટી રહ્યો છે. ઇમોજી,સ્ટીકર,લશર અને પ્રસંગોચિત કાર્ડસના આ યુગમાં શબ્દો ખોવાઈ ગયા છે.
શબ્દોનો અભાવ, વ્યક્ત કરવાની આવડતનો અભાવ અને સામસામે થવાનો અભાવ… આ બધાને લઈને વાદ-વિવાદ અને અંતે વિખવાદનું પ્રમાણ વધ્યું છે. આજનું શિક્ષણ ટેક્નોલોજીયુગમાં ઉભા રહેતા શીખવી શકશે પરંતુ સંવાદનો સેતુ રચીને હૃદયના દ્વાર સુધી પહોંચવાની કલા નહિ શીખવી શકે. આજનું ભણતર શિક્ષણના જોરે અક્કડ રહેતા શીખવી શકશે પરંતુ સંબંધો સામે ઝૂકીને સંબંધોની ગરીમા જાળવતા જતા નહિ શીખવી શકે. ઘટતી જતી વાતો અને વધુ જતું ચેટિંગ એ સંવાદના અભાવ માટે ખૂબ જવાબદાર પાસું છે. ચેટિંગમાં વપરાતા શોર્ટફોર્મ અને ઇમોજી તમને ભાવાભિવ્યક્તિ કરવામાં મદદરૂપ થશે પરંતુ એ તમારા હસવા -રડવાનો ખભો આપવામાં મદદરૂપ નહીં થાય.
દિવસ દરમ્યાન બોલતા શબ્દોમાં સંવાદ કેટલો? જો આ સવાલ જાતને પૂછીએ તો જવાબ ખરેખર ચોંકાવનારો હોય. અક્ષરજ્ઞાન માટે બાળપણથી લઈને અડધી જુવાની ખર્ચ્યા પછી આપણે અંગૂઠો મારતા થયા એ આપણી કમનસીબી નથી? ઘટી રહેલો સંવાદ અનેક સમસ્યાને જન્મ આપી રહ્યો છે. માણસ ખૂલતો નથી અને એટલેજ એ વહેલો બંધ થાય છે. સંવાદનો અભાવ ઘણીવાર માણસને મોત સુધી લઈ જાય છે. ડિપ્રેશનના દર્દીઓના મૂળ તપાસતા એક વાત સ્પષ્ટ થાય છે કે એની પાસે સંવાદનો સેતુ રચવા માટે સામે કાંઠો નથી હોતો. ચેટિંગ થકી તમે કોઈના ઈનબોક્સમાં જય શકો છો પણ હાર્ટબોક્સમાં જવા માટે તો સંવાદજ કરવો રહ્યો. એકલતા,ડિપ્રેશન અને ઘરભંગ જેવી સ્થિતિને અટકાવવા માટે આવશ્યક છે કે સંવાદનો સેતુ રચાય. લાઈક કોમેન્ટ અને સોશ્યલમીડિયાની વાહવાહી લૂંટવાના ચક્કરમાં આપણે આપણા પરિવાર, આપણાં આત્મીયજનો અને ખુદ આપણી જાત સાથે સંવાદની તક તો નથી ગુમાવી રહ્યા ને? આવો,પહેલો સંવાદ જાત સાથે કરીએ અને નક્કી કરીએ કે વાદ,વિવાદ અને વિખવાદના મૂળમાં રહેલા આ સંવાદના અભાવને કેમ ભરવો…
મિરર ઇફેક્ટ :
જાત સાથેનો સંવાદ એ અરીસો છે અને જગત સાથે સંવાદ એ
પ્રતિબિંબ છે. અરીસો જેટલો ચોખ્ખો એટલું જ પ્રતિબિંબ ઉજળું.