વિજ્ઞાન સર્વત્ર પૂજયતે- આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
નવી શિક્ષણનીતિ વિજ્ઞાન, ટેકનોલોજી, સંશોધન અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે: દેશના વૈજ્ઞાનિક વારસાને ઉજાગર કરી તેમાંથી નવા સંશોધન કરવા આજનો યુવા પ્રેરણા મેળવે એવું આયોજન શાળા-કોલેજમાં થવું જોઇએ
મહાન વૈજ્ઞાનિક ડો.સી.વી.રામને કરેલી 1928માં રામન કિરણોની શોધની યાદમાં દર વર્ષે આજે ઉજવાય છે દિવસ: માત્ર રૂા.200ના ખર્ચમાં શોધાયેલી તેમની શોધને 1930માં નોબલ પારિતોષિક મળ્યું હતું
નેશનલ સાયન્સ ડે આજનો દિવસ 1987 દેશમાં ઉજવાય રહ્યો છે. વૈજ્ઞાનિક ડો.સી.વી.રામનની યાદમાં દર વર્ષે આજે આ દિવસની ઉજવણી કરીએ છીએ. વૈશ્ર્વિકસ્તરે સાયન્સ ડે 10 નવેમ્બરે ઉજવાય છે. 28મી ફેબ્રુઆરી 1928ના રોજ ડો.સી.વી.રામનની રામન ઇફેક્ટની યાદમાં આપણા દેશમાં આ દિવસ ઉજવાય છે. તેમની આ શોધને 1930માં એટલે કે આઝાદી પહેલા નોબલ પ્રાઇઝ મળ્યું હતું. ત્યારે તેઓ પ્રથમ ભારતીય તરીકે બહુમાન મેળવનાર હતા. 1954માં તેમને ભારત રત્નનો એવોર્ડ મળ્યો હતો. આ બન્ને એવોર્ડ મેળવનાર તે એકમાત્ર ભારતીય છે. આપણા દેશનાં મહત્વ દિવસોમાં 28 ફેબ્રુઆરી 1928 છે, આ દિવસે માત્ર બસો રૂપિયાના ખર્ચ રામન ઇફેક્ટસ જેવી મહાન શોધ કરીને એક ભારતીયે વિશ્ર્વને ચકિત કરી દીધા હતા.
ડો.સી.વી.રામન ભારતમાં પ્રથમ શોધ-સંશોધન કરનાર વ્યક્તિ હતા. તેમણે 1907 થી 1933 સુધી કોલકત્તામાં વિશેષ કાર્ય કર્યું હતું. તેમના મહાન પ્રયાસને લોકહૃદ્યમાં સ્થાન આપવા 1986માં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. આ દિવસે શાળા, કોલેજો, વિજ્ઞાન કેન્દ્રો, તબિબી, તકનીકી સંશાધનો, સંસ્થાઓ આ દિવસ ઉજવે છે.
આજના દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ યુવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત અને પ્રોત્સાહન કરવાનો છે. ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ સૂત્રને સાર્થક કરીને ભારતીય લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આજે પણ વિજ્ઞાન પ્રવાહ લેનાર છાત્રો કેટલા? જો કે છેલ્લા થોડા વર્ષોથી આ બાબતે પ્રગતિ જોવા મળી છે. આપણાં છાત્રો વિજ્ઞાન વિષય તેમની કારકિર્દી તરીકે પસંદ કરે તે જરૂરી છે અને તેમાં તેને પ્રોત્સાહન આપવું સૌની ફરજ છે. દેશની ભાવી પેઢી વિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપશે તો જ આપણો દેશ વિજ્ઞાન ક્ષેત્રે વધુ પ્રગતિ કરી શકશે.
આ વર્ષની ઉજવણી થીમ “લાંબાગાળાના ભવિષ્ય માટે વિજ્ઞાન ટેકનોલોજીમાં સંકલિત અભિગમો” છે. શાળા, કોલેજમાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન, વિજ્ઞાન મેળા સાથે વિવિધ પ્રયોગોનું નિદર્શન કરીને છાત્રોને આકર્ષવા જરૂરી છે. છાત્રો વિજ્ઞાનની ચર્ચા કરે, સમજે, વિચારેને પ્રયોગ કરે એવું વાતાવરણ શૈક્ષણિક સંકુલોમાં હોવી જોઇએ. પ્રયોગ શાળામાં વિવિધ પ્રયોગો કરે એવું વાતાવરણ શૈક્ષણિક સંકુલોમાં હોવી જોઇએ. પ્રયોગશાળામાં વિવિધ પ્રયોગો કરી બાળક જાતે શોધ-સંશોધન કરે એ જ વિશિષ્ટજ્ઞાન ‘વિ-જ્ઞાન’નો હેતું છે. વિશ્ર્વમાં 2002થી દર વર્ષે વિશ્ર્વ વિજ્ઞાન દિવસ પણ ઉજવાય છે. માનવ જાતીની શાંતિ અને વિકાસ સાથે સમાજના તાણા-વાણાને અંકબંધ રાખીને તેના વિકાસ માટે વિજ્ઞાનના મહત્વને સમર્પિત કરે છે. કોરોના જેવી સદીની ભયાનક પરિસ્થિતિમાં આ શોધ, સંશોધન થકી વિજ્ઞાનને આધારે તબીબો લાખો લોકોના જીવ બચાવી શક્યા છે. માનવ જીભના અસ્તિત્વનો પ્રશ્ર્ન આવે ત્યારે એક વિજ્ઞાન જ, તેની શોધ-સંશોધનો માનવ જાતને બચાવતો હોય છે.
ડાર્વિના ઉત્ક્રાંતિ વાદે માનવ જાતીએ પથ્થર યુગથી આજની 21મી સદી સુધીની કરેલ તમામ પ્રગતિ વિજ્ઞાનને આભારી છે. દિવસ-રાતની વૈજ્ઞાનિકની મહેનત દ્વારા શોધના ફળ આપણે ખાઇ રહ્યા છીએ જેમાં વિજળી, ફોન, મોબાઇલ, ટીવી, ઇન્ટરનેટ, ડેટા ટ્રાન્સફર, ઓનલાઇન બેકિંગ કે શોપીંગ સાથે તમામ ક્ષેત્રે કોમ્પ્યૂટરનો વ્યાપથી માનવજાતનો ઘણો સમય બચી ગયો છે. વિજ્ઞાનની ઘણી શોધના સારા પરિણામો સામે નરસા પરિણામો પણ સમાજમાં જોવા મળી રહ્યા છે. જેમાં મોબાઇલ, સાયબર ક્રાઇમ અને ઓનલાઇન ફ્રોડ જેવી સિસ્ટમની સારી કરતા ખરાબ અસરો જોવા મળે છે.
આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાનના મહત્વ વિશે જન જાગૃતિ લાવવાનો આજે દિવસ છે. આજે વિજ્ઞાનના નવા વિકાસ અને તેના વિકાસકર્તાથી વાકેફ કરવાનો દિવસ છે. પૃથ્વીની આબોહવા તેના પરિવર્તનો સાથે ગ્લોબલ વોર્મિંગને કારણે આપણાં અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો છે ત્યારે વિજ્ઞાનના સહારે સૌ સાથે મળીને પ્રકૃતિનું જતન કરીએ એ ખૂબ જ જરૂરી છે. વિજ્ઞાન આપણને માર્ગ શોધી આપે છે અને તેનો ઉપયોગ કરીને સમસ્યા ઉકેલ લાવવાની વાત પણ કરે છે. આજના વિજ્ઞાન યુગમાં પણ આપણાં દેશમાં અંધશ્રધ્ધા જોવા મળે છે ત્યારે શિક્ષકોએ પોતાના છાત્રોને સાચી અને વૈજ્ઞાનિક પુરાવા સાથેની માહિતી સમજાવી પડશે.
આપણા દેશમાં આજના દિવસ પહેલાના વીકમાં વિવિધ ઉજવણીના કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીને જાગૃત કરાય છે. વિજ્ઞાનએ આશિર્વાદ કે અભિશાપ? આ પ્રશ્ર્નના જવાબમાં બે વિરોધાભાષી દ્રષ્ટિબિંદુથી મૂલવવામાં આવે છે. આ જગતમાં દરેક વસ્તુંના બે પાસા હોય છે. સબળું અને અવળું, સિક્કાની બંને બાજુ વિજ્ઞાનમાં પણ જોવા મળે છે. તેની શોધ અને સંશોધનનો રચનાત્મક ઉપયોગ થાય તે જરૂરી છે. માનવ જાતના કલ્યાણ માટે વપરાય ત્યાં વિજ્ઞાન એક અમૂલ્ય વરદાન છે. વિજ્ઞાનના પ્રયોગોના અખતરા અને પ્રયોગો જ્યારે ખતરનાક બને ત્યારે વિનાશ નોંતરે છે. અણુની શોધ બાદ નેનોટેકનોલોજીએ આંગળીના ટેરવે દુનિયા લાવી દીધી તો યુધ્ધના વિવિધ પરમાણુ શસ્ત્રો પણ એવા છે જે માનવ જાતને નાબૂદ કરી શકે છે. વિનાશના ભયંકર સ્વરૂપો એટલી હદે આગળ વધી જાય ત્યારે સમગ્ર પૃથ્વીને ખતરો થવા લાગે છે.ગત 20મી સદીમાં માનવ જાતે નવા શોધ-સંશોધનો થકી ચંદ્ર પર પગ મૂકી દીધો છે. જ્યાં સૂર્યના કિરણો પણ ન પહોંચે ત્યાં વિજ્ઞાનના સાધનોની મદદથી પહોંચી ઘણા અણ ખૂલ્લા રહસ્યો ઉઘાડા પાડ્યા છે. જીવલેણ રોગોને પણ સાધ્ય કરી દીધા છે. અત્યંત ઝડપી વાહનો થકી સુખ-સગવડો સાથ કોમ્પ્યૂટર ટેકનોલોજી અને યંત્ર માનવ સુધી વિજ્ઞાન સફર સફળ બની છે. આજ વિજ્ઞાન જીવલેણ શસ્ત્રો સાથે ઝેરી વાયુંનું પ્રસારણ કરે ત્યારે આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. આજે વિજ્ઞાન શાપરૂપ બન્યું છે. શોધનો જુદી રીતે ઉપયોગ કરવા લાગ્યા છીએ. તેની રચનાત્મક અને ખંડનાત્મક અસરોમાં સકારાત્મક અસરોનો ઉપયોગ થવો જોઇએ. તેનો વિવેકપૂર્ણ ઉપયોગ ખૂબ જ જરૂરી છે.
આધુનિક માનવ જીવન વિજ્ઞાન વગર પાંગળુ બની ગયું !!
વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રાચિનકાળથી વિશ્ર્વના અન્ય દેશોની તુલનામાં ભારતે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વિજ્ઞાન ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ થકી આજનો છાત્ર વિજ્ઞાન મહોત્સવ ઉજવે છે. વિજ્ઞાન વિના જીવન શક્ય નથી અને વિજ્ઞાન વિના આત્મનિર્ભર થવું પણ શક્ય નથી. વિશ્ર્વના કલ્યાણ માટે વિજ્ઞાન છે. વિજ્ઞાનની અવનવી શોધોની માનવ જીવન પર બહુ મોટી અસર પડે છે. જેમાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, મનોરંજન, આરોગ્ય ક્ષેત્ર, ખેતી અને ઉદ્યોગો, હવામાન અને અવકાશ ક્ષેત્રે જેવાનો સમાવેશ થાય છે. એકવીસમી સદી એટલે જ્ઞાન-વિજ્ઞાનની સદી. આજના યુગમાં સમગ્ર વિશ્ર્વ વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે. આધુનિક માનવ જીવન વિજ્ઞાન વગર પાંગળુ બની ગયું છે. વિજ્ઞાનના સહારે આપણે પૃથ્વીના પેટાળથી છેક અવકાશ સુધી પહોંચી શક્યો છે. જ્યાં સૂર્યના કિરણો પણ નથી પહોંચતા ત્યાં વૈજ્ઞાનિક શોધો થકી માનવ પહોંચી ગયો છે. આજના યુગમાં એકપણ ક્ષેત્ર એવું નથી જ્યાં વિજ્ઞાન ન પહોંચ્યુ હોય, જળ, સ્થળ, વાયુ અને અવકાશ જેવા દરેક ક્ષેત્રે વિજ્ઞાને પ્રગતિ કરી છે.”જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન”
વિજ્ઞાને આપેલી અગત્યની શોધો
– મોબાઇલ
– કોમ્પ્યૂટર ટેકનોલોજી
– માનવ યંત્ર (રોબોટ)
– ઇન્ટરનેટ
– જીવલેણ રોગને સાધ્ય બનાવતી વિવિધ રસી
– અવકાશી વિજ્ઞાન
– પરમાણુ શસ્ત્રો
– સોલાર સિસ્ટમ
ભારતના ટોપ-10 મહાન વૈજ્ઞાનિકો
– ડો.સી.વી. રામન- રામન ઇફેક્ટસ
– ડો.એ.પી.જે. અબ્દુલ કલામ – મિસાઇલમેન
– જયંત વિષ્ણુનાર્લિકર – ભૌતિક વિજ્ઞાન
– વિક્રમ સારાભાઇ – અંતરિક્ષ સંશોધન
– ડો.જગદીશચંદ્ર બોઝ – જીવવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર
– હોમી જહાંગીર ભાભા – પરમાણું ઉર્જા
– સત્યેન્દ્રનાથ બોઝ – અણું વિજ્ઞાન
– વેંકટરામન રામકૃષ્ણન – રસાયણ ક્ષેત્ર
– સુબ્રમણ્યમ ચંદ્રશેખર – ખગોળ ભૌતિક શાસ્ત્ર અને સૌર મંડળ
– હરગોવિંદ ખુરાના – ચિકિત્સાક્ષેત્ર