વાહન વેરા પેટે કોર્પોરેશનને રૂ.2.63 કરોડની થઇ આવક
એક તરફ મંદી અને મોંઘવારીની વાતો કરી રહેલા રાજકોટવાસીઓ જલ્સા કરવામાં પણ પાછીપાની કરતા નથી. તહેવારોના દિવસોમાં શહેરીજનોએ અધધધ કહી શકાય તેટલી કિંમતના વાહનો છોડાવ્યા છે. એક જ માસમાં 5,153 વાહનો છુટ્યા છે. ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે તંત્ર એક તરફ બ્રિજનું નિર્મા કરી રહ્યું છે. તો બીજી તરફ સતત વાહનોની ખરીદી વધતી હોવાના કારણે ટ્રાફીકની સમસ્યા ઠેરને ઠેર રહે છે. કોર્પોરેશનના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં 118 કરોડની કિંમતના વિવિધ પ્રકારના 5,153 વાહનોનું વેંચાણ થયું છે. જેના થકી કોર્પોરેશનને વાહન વેરા પેટે 2.63 કરોડની માતબર આવક થવા પામી છે.
સૌથી વધુ પેટ્રોલ સંચાલિત ટુ વ્હીલર-4051 વાહનોનું વેંચાણ થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સીએનજી સંચાલિત થ્રી વ્હીલર- 208 પેસેન્જર વાહન, ડિઝલ સંચાલિત 13 થ્રી વ્હીલર પેસેન્જર વાહનનું વેંચાણ થયું છે. આ ઉપરાંત સીએનજી સંચાલિત 194 લાઇટ મોટર વ્હીકલ, પેટ્રોલ સંચાલિત 493 લાઇટ મોટર વ્હીકલ અને ડિઝલ સંચાલિત 115 લાઇટ મોટર વ્હીકલ જ્યારે ડિઝલથી ચાલતા 48 હેવી વ્હીકલનું વેંચાણ થયું છે. ગત 7 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધીના એક મહિનામાં શહેરીજનોએ 118.85 કરોડના વાહનોની ખરીદી કરી છે. વાહન વેરા પેટે 2.63 કરોડની આવક થવા પામી છે.