રાજકોટ જિલ્લામાં 50% ચેકડેમો તૂટેલા: કિસાન સંઘના પૂર્વ પ્રમુખે જિલ્લા પંચાયત અને સિંચાઈ વિભાગને અનેક વખત કરી રજૂઆત
ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. પરંતુ રાજકોટ જિલ્લાના ચેકડેમો રિપેર થયા ન હોવાનું સામે આવ્યું છે. રાજકોટ કિસાન સંઘના પૂર્વ પ્રમુખ દિલીપ સખિયાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લામાં મોટાભાગના ચેકડેમો તૂટેલા છે. અનેકવાર જિલ્લા પંચાયત અને સિંચાઇ વિભાગને કિસાન સંઘે રજૂઆત કરી છે. પરંતુ ચેકડેમો રિપેર કરવામાં ન આવતા આ વર્ષે પાણીનો સંગ્રહ થઈ શકશે નહીં.
રાજકોટના વાજડી ગામની નજીક કાલાવડ રોડ પર બાલાજી વેફર્સની બાજુમાં ગીરગંગા પરિવાર દ્વારા એક ચેકડેમ બનાવવામાં આવ્યો છે. જેનો તમામ ખર્ચ બાલાજી વેફર્સના ભીખુભાઈ અને ચંદુભાઈ વિરાણીએ આપ્યો છે. માત્ર બે દિવસની મહેનત બાદ ચેકડેમનું સંપૂર્ણ કામ પૂર્ણ થયું છે. આજે રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની ભૂમિ ખડકાળ અને પથરાળ છે, ગમે તેટલો વરસાદ પડે તો પણ પાણી દરિયામાં જતું રહે છે. નાના નદી નાળા અને વોંકળા પર ચેકડેમો બાંધીને પાણીનો સંચય કરીએ તો પાણી જમીનમાં ઉતરે અને જળસ્તર ઉંચું આવી શકે તેમ ગોવિંદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આમ કરવાથી વર્ષોથી આપણને પાણીની સમસ્યા થાય છે તેમાં થોડીક રાહત મળી શકે છે. જેને લઇને કિસાન સંઘના પૂર્વ પ્રમુખ દિલીપ સખીયા અને તેની ટીમ એક ઉત્તમ કામ કરી રહી છે. સાથોસાથ તેના કાર્યમાં ઉદ્યોગપતિઓ પણ મદદ કરી રહ્યા છે. જાહેર જનતાને પણ અપીલ કરું છું કે, ભૂતકાળમાં સરકારે નાના છું ચેકડેમો અને ખેત તલાવડા બનાવ્યા હોય અને તૂટી ગયા હોય તો નાન ખર્ચમાં રિપેર થઈ શક્તા હોય તો કામ સ્વયંભૂ કરશે તો તેને અનેકગણો ફાયદો થશે.