સૌરાષ્ટ્રભરમાં વેકસીનની તીવ્ર અછત સર્જાઈ છે. અનેકવિધ સેન્ટરોમાં તંત્રએ કેમ્પ પણ ગોઠવી નાખ્યા હોય પણ વેકસીન ન આવવાથી કેમ્પના આયોજનો પડતા મુકવાની નોબત આવી છે.આ સાથે ઠેર ઠેરથી રાજ્ય સરકારને વેકસીનનો પૂરતો જથ્થો ફાળવવાની પણ માંગ ઉઠી રહી હોવાનું જાણવા મળ્યું છે.
રસીના અભાવે અનેકવિધ કેન્દ્રોમાં તાળા લગાવી દેવાતા લોકોને ધરમના ધક્કા : પૂરતા પ્રમાણમાં વેકિસનના ડોઝ ફાળવવા ઠેર ઠેરથી સરકારમાં રજૂઆતો
વેક્સિન માટે લોકોએ લગાવેલી દોટ વચ્ચે ઠેર ઠેર વેક્સિનની અછત સર્જાય છે. અછતના કારણે લોકોને વેક્સિન કેન્દ્ર પર ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.લોકો બીજો ડોઝ અને પ્રથમ ડોઝ લેવા જ્યારે રસીકરણ કેન્દ્ર પર પહોંચે છે તો ત્યાં તેઓને કેન્દ્ર ઉપર તાળા પણ લાગેલા જોવા મળે છે.એક સમયે સરકારે મોટી મોટી જાહેરાત કરીને લોકોને વેકસીન લેવા માટે જાગૃત કર્યા હતા. હવે જ્યારે લોકો જાગૃત બનીને વેકસીન લેવા માટે જાય છે. ત્યારે વેકસીનનો જથ્થો જ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનતો નથી.
જામનગરમાં તમામ વેપારીને 4 દિવસમાં રસી અશકય : તંત્રની તાકીદ સામે વેપારીઓનો સવાલ
જામનગર શહેરના તમામ વેપારીને તા.30 જૂન પહેલાં કોરોના પ્રતિરોધક રસી લેવા તંત્રએ તાકીદ કરી છે. જેની સામે વેપારી મહામંડળે 4 દિવસમાં તમામ વેપારીઓને રસી લેવી અશકય હોવાનું જણાવી સમય મર્યાદામાં વધારો કરવા જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી માંગણી કરી છે.જામનગરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તા.25 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામાંમાં જણાવ્યાનુસાર તમામ પ્રકારની દુકાનો, વાણિજય સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપીંગ કોમ્પલેકસ, માર્કેટીંગ યાર્ડ, ગુજરી બજાર, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લરો, રેસ્ટોરન્ટ સહિતના ધંધાર્થીઓએ તા.30 જૂન સુધીમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લેવાની તાકીદ કરી છે.
આટલું જ નહીં જો રસી નહીં લીધી હોય તો તે લોકો પોતાના વાણિજય એકમો ચાલુ રાખી શકશે નહીં તેમ સ્પષ્ટ પણે જણાવાયું છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, વેપારીઓ અને તેના કર્મચારીઓને ફરજીયાત વેકસીન લેવાનું જાહેરનામામાં જણાવાયું છે. પરંતુ હાલ જે સ્થળો પર વેક્સિનેશન થઇ રહ્યું છે ત્યાં રસીના ડોઝની માત્રા સિમિત હોવાથી અને સમય મર્યાદા હોવાથી ફકત 4 દિવસમાં શહેરના તમામ વેપારીઓ રસી લઇ શકે તે શકય નથી. આથી જામનગરના વેપારીઓ અને કર્મચારીઓ માટે માર્ગદર્શન આપવામાં આવે અને સમય મર્યાદામાં પણ વધારો કરવા માંગણી કરી છે.
મોરબી જીલ્લામાં વેક્સિનનો પૂરતો જથ્થો આપવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી જીલ્લામાં વેક્સીનેશન માટે અલગ અલગ સેન્ટરો ફાળવવામાં આવ્યા છે જ્યાં વેક્સિનનો પુરતો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ સાથે ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોસિયેશનનાં જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં તેમણે જણાવ્યું છે કે હાલમાં મોરબી જીલ્લામાં જેટલા પણ વેક્સીન આપવા માટેના મોટા સેન્ટરો નક્કી કરવામાં આવેલ છે. તે પૈકીના મોટા ભાગના સેન્ટરો પર ખુબ જ ઓછી સંખ્યામાં વેક્સીનના ડોઝ ફાળવવામાં આવે છે.
જેના કારણે લોકોને સવારના વહેલા લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડે છે. પરંતુ તેમ છતાં ઘણા બધા લોકોને વેક્સીન મળતી નથી. જો આવું જ ચાલશે તો કોરોનાની ત્રીજી લહેર ચાલુ થઇ જશે તો બીજી લહેરની જેમ જ ખરાબ પરિસ્થિતિ ઉદભવશે અને લોકોના બીજી લહેર કરતા પણ વધારે મોત થવાનો સંભવ છે. જેથી મોરબી જીલ્લામાં જરૂરિયાત મુજબ વધારે વેક્સીનના ડોઝ ફાળવવામાં આવે અને બધા જ સેન્ટર પર રસી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જામનગરમાં વેક્સિનનો જથ્થો ખૂટતા લોકો પરેશાન, માત્ર 7 કેન્દ્ર પર રસીકરણની કામગીરી ચાલુ
જામનગર ઘરમાં નાગરિકો માટે વેક્સિનેશન સ્થળ ઘટ્યા છે. જ્યારે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રની વાત કરીએ તો ગઈકાલ દિવસ સુધી 22 કેન્દ્ર પર ની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. જ્યારે આજરોજ અચાનક વેક્સીનનો જથ્થો ખૂટી પડ્યો હતો જેથી શહેરમાં માત્ર 7 આરોગ્ય કેન્દ્ર પર જ વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મોટાભાગના આરોગ્ય કેન્દ્ર પર ધસી કરવાની પ્રક્રિયા બંધ રહી હતી.તંત્ર દ્વારા વેપારીઓને ફરજિયાત વેક્સિનેશન કરાવવા માટે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનેશન ન હોવાથી વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જામનગર આરોગ્ય કેન્દ્ર દ્વારા વેક્સિનનો જથ્થો અચાનક ખૂટી પડતા આરોગ્ય કેન્દ્ર પર અહીં વેક્સિનેશન બંધ છે તેવું પણ બોર્ડ લગાવવામાં આવ્યા હતા જયારે લોકો વેક્સિનેશન કર્યા વગર જ પાછા જઈ રહ્યા હતા.વેક્સીનેશન માટે નાગરિકોએ શહેરના આરોગ્ય કેન્દ્ર પર ધક્કો ખાવો પડ્યો હતો. જેથી લોકો દ્વારા એવી પણ માંગણી કરવામાં આવી હતી કે વેક્સિનેશનની કામગીરી ઝડપથી બધા આરોગ્ય કેન્દ્ર પર શરૂ થાય. જ્યારે આરોગ્ય કેન્દ્ર પણ 5 સ્થળો પર વેક્સિનેશનની કામગીરી 18 વર્ષથી ઉપરના નાગરિકો માટે વેક્સિનેશન સ્થળ પણ કો-વેક્સિન સવારે 9.00 થી 6.00 વાગ્યા સુધી કરવામાં આવી રહી છે ક્યારે આરોગ્ય કેન્દ્ર પર 2 સ્થળ પર 18 વર્ષથી ઉપરના નાગરિકો માટે વેક્સિનેશન સ્થળ પર કોવિડશીલ્ડ વેક્સિન આપવાની કામગીરી ચાલુ છે.