આપણે ઘણીવાર આકાશમાંથી તૂટતા તેમજ ખરત તારા નિહાળતા હોઇએ છીએ. આ તારા એક લાંબા ચમકદાર લિસોટા સાથે આકાશમાંથી બીજા તારાઓના જૂથમાંથી ખરતા હોય એવું આપણે અનુભવીએ છીએ. ઘણા લોકો તેને ખરતો તારો કહે છે. તો ઘણા તેને તૂટતો તારો કહે છે. અરે નાના બાળકો તો આ તારો તૂટે કે તરત આંખો બંધ કરીને કોઇ વિશ માંગવા લાગે છે. પણ આપણને ક્યારેય એ સવાલ થયો કે આ આકાશમાંથી ખરતા અને તૂટતા તારા તૂટીને ક્યાં જતા હશે ? શું તે આકાશમાં જ રહેતા હશે ? તો ચાલો આજે જાણી લઇએ કે આકાશમાંથી ટૂટીને ખરેલા તારા ક્યાં જાય છે.
અમેરિકાની એક વિજ્ઞાન પત્રિકાના અહેવાલ મુજબ આખાય જગતમાં દરરોજ રાત્રે લગભગ ૨૦ થી ૨૫ તારા આકાશમાંથી ખરે છે. દુનિયામાં જુદા-જુદા પુરાણોમાં ખરતા તારાઓને લઇને અનેક ચિત્ર-વિચિત્ર માન્યતાઓ પ્રચલીત છે. પણ આ બધી માન્યતાઓ વિજ્ઞાનમાં માનનાર લોકોના ગળે ઉતરતી નથી.
આ ખરતા તારાઓ ‘ઉલ્કા’ઓના નામે પણ ઓળખવામાં આવે છે. આ ઉલ્કાઓ તે સૂર્ય પરિવારના જ એક સભ્ય છે, જે બીજા બધા જ ગ્રહોની જેમ એ સૂર્યનો ચક્કર લગાવે છે. જ્યારે એ ચક્કર કાપતાં-કાપતાં પૃથ્વીની નજીક આવી જાય છે ત્યારે એ પૃથ્વીની તીવ્ર શક્તિથી ખેંચાઇ જવા લાગે છે. પૃથ્વીના આ ખેંચાણથી ઉલ્કાઓની આ ઝડપ એકદમ વધીને તીવ્ર બની જાય છે. આ રીતે પૃથ્વીમાં વાયુમંડળના ઘર્ષણથી ઉલ્કાઓ સખત ગરમ થઇ જાય છે. વધુ પડતી ગરમીને કારણે એમાં તરત આગ લાગી જાય છે.
આ આગ એટલી હદે તેજ અને ખતરનાક હોય છે કે એના કારણે સમગ્ર વાયુમંડળમાં અજવાશ પથરાઇ જાય છે અને બરાબર એ જ સમયે ઉલ્કાઓ ટુકડે-ટુકડા થઇ જાય છે. બસ, આ જ ઉલ્કાઓના ટુકડા આપણને ખરતા તારાના રુપમાં દેખાય છે. અમુક ઉલ્કાઓ તો એટલી મોટી હોય છે કે એ પૂરેપૂરી રીતે નાશ નથી પામતી. એના અમુક ભાગ પૃથ્વી પર પડી જાય છે.
આ ઉલ્કાઓ પૃથ્વીથી ૧૩૪ કિલોમીટર દૂરથી દેખાવા લાગે છે. ઘણી ઉલ્કાઓ વાયુમંડળથી પૃથ્વી પર લગભગ ૧૦૦ કિલોમીટર દૂરની ઉંચાઇ સુધી આવતાં-આવતાં નાશ પામે છે.