ભગવાન શિવને પ્રિય એવા શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. આ વખતે શ્રાવણ મહિનો 22મી જુલાઈથી 19મી ઓગસ્ટ સુધી ચાલવાનો છે. શ્રાવણના દર સોમવારે, ભોળાનાથના ભક્તો ઉપવાસ કરે છે અને શિવલિંગનો જલાભિષેક કરે છે.
ભગવાન શિવના ભૌતિક સ્વરૂપની સાથે શિવલિંગની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. તેમની સૌથી વધુ પૂજા તેમના શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. દેશમાં ભગવાન શિવના કુલ બાર જ્યોતિર્લિંગ છે. ચાલો જાણીએ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ કયા છે અને તમે ઘરે બેસીને કેવી રીતે તેમની પૂજા કરી શકો છો.
ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ
ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ છે – સોમનાથ (ગુજરાત), મલ્લિકાર્જુન (આંધ્રપ્રદેશ), મહાકાલેશ્વર (મધ્યપ્રદેશ), ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ), કેદારનાથ (ઉત્તરાખંડ), ભીમાશંકર (મહારાષ્ટ્ર), વિશ્વનાથ (ઉત્તરપ્રદેશ), ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) , વૈદ્યનાથ (ઝારખંડ), નાગેશ્વર (ગુજરાત), રામેશ્વર (તામિલનાડુ) અને ઘુશ્મેશ્વર (મહારાષ્ટ્ર). અન્ય શિવલિંગની પૂજા કરતાં જ્યોતિર્લિંગની પૂજા કરવી શ્રેષ્ઠ છે. દરરોજ સવારે આ શિવલિંગોના નામનું જ સ્મરણ કરવામાં આવે તો સાત જન્મોના પાપ ધોવાઈ જાય છે. જો તમારા માટે આ જ્યોતિર્લિંગના દર્શન કરવું શક્ય ન હોય તો તમે તેમની તસવીરો ઘરમાં મૂકીને પણ પૂજા કરી શકો છો.
ઘરમાં 12 જ્યોતિર્લિંગની પૂજા કરવાના નિયમો
જ્યોતિર્લિંગની પ્રતિમા ઘરની પૂર્વ કે પશ્ચિમ દિશામાં લગાવો. તમામ જ્યોતિર્લિંગની તસવીરો એકસાથે ન લગાવો. તમારી જરૂરિયાત મુજબ જ્યોતિર્લિંગની તસવીર લગાવો તો સારું રહેશે. તમે આ પ્રતિમાને શ્રાવણ મહિનામાં કોઈપણ દિવસે લગાવી શકો છો. અન્યથા સોમવાર, પૂર્ણિમા કે શિવરાત્રીનો દિવસ પણ આ માટે શ્રેષ્ઠ છે. જ્યાં જ્યોતિર્લિંગની પ્રતિમા સ્થાપિત હોય ત્યાં અન્ય કોઈ પ્રતિમા કે દેવતાની સ્થાપના ન કરવી.
જ્યોતિર્લિંગની પૂજા કેવી રીતે કરવી
જ્યોતિર્લિંગની સામે એક મોટું પાત્ર રાખો. સૌથી પહેલા ભગવાન શિવનું ધ્યાન ધરો અને પછી તે જ વાસણમાં બીલી પત્ર, ફળ, ધૂપ વગેરે ચઢાવો. આ પછી ભગવાન શિવના નામનો જાપ કરતી વખતે તે જ વાસણમાં બંને હાથ વડે પાણી રેડવું. ભગવાન શિવના કોઈપણ મંત્રનો ઓછામાં ઓછા ત્રણ કે વધુમાં વધુ 11 વાર જાપ કરો. જાપ કર્યા પછી ભગવાન શિવનું ધ્યાન ધરો. અંતે, બાર જ્યોતિર્લિંગોના નામ લો અને પછી તમારી પૂજામાં થયેલી ભૂલચૂક માટે પ્રાર્થના કરો.